Hero Image

સુરતમાં ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા, કલેક્ટરે આપ્યું જીતનું સર્ટિફિકેટ, સીએમ-પાટીલે આપ્યાં અભિનંદન

GSTV

લોકસભા ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે જ ભાજપને પહેલી જીત મળી ગઈ છે. ભારે રાજકીય ઉથલપાથલ બાદ સુરત બેઠક પર કમળ ખીલ્યું છે. તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટરે મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ આપી દીધું હતું.

ત્યારે ભાજપની આ જીત બદલ મુખ્યમંત્રી અને સીઆર પાટીલે અભિનંદન પાઠવ્યાં હતાં.

પાટીલે કહ્યું જીતની શરૂઆત

દેશભરમાં ભાજપનો આ વખતે 400 પ્લસનો ટાર્ગેટ છે. ત્યારે તેની શરૂઆત સુરતથી થઈ હોવાનું કહેતા પાટીલે શુભકામના આપતાં કહ્યું કે, પહેલું કમળ સુરતથી ખીલી ઉઠ્યું છે. આ જ રીતે દેશભરમાં ભાજપની ભવ્ય જીત થશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એકવાર દેશનું સુકાન સંભાળશે.

મુખ્યમંત્રીની શુભકામના

મુખ્યમંત્રીએ ટ્વિટ કરતાં લખ્યું કે,સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ. લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજયની આ શરૂઆત છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપાના પ્રચંડ વિજય સાથે કમળ ખીલવાનો અને માનનીય મોદીજીના નેતૃત્વમાં #AbKiBaar400Paar નો સંકલ્પ સાકાર થવાનો આ સ્પષ્ટ સંકેત છે.

ડ્રામાનો અંત થયો

સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતે કુંભાણીના પત્ર પર સહી નહીં કરી હોવાની એફિડેવિટ કરી હતી. આ એફિડેવિટ બાદ નિલેશ કુંભાણીની ઉમેદવાર રદ્દ થશે તેવી ચર્ચા ઉઠી હતી. 24 કલાકના ડ્રામા બાદ કુંભાણીની ઉમેદવારી ચૂંટણી તંત્ર દ્વારા રદ કરાઈ હતી. કુંભાણીની ઉમેદવારી કેન્સલ થયા બાદ અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેંચી લેશે તેવી ચર્ચા ઉઠી હતી. ચર્ચા સાચી પડી છે.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/GXUA3KVsFNPIfSJ5NlzmDT

GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli

READ ON APP