Hero Image

દ્વારકા જગત મંદિરે ફૂલડોલ ઉત્સવનો સાડા પાંચ લાખ ભાવિકોએ લ્હાવો લીધો

બોડાળાનું ગાડું હાકે રે….મારો દેવ દ્વારકાવાળોના સૂર સાથે ભક્તોએ મનાવ્યો ફૂલડોલ ઉત્સવ: પોલીસ જવાનોની સરાહનીય કામગીરી

દેશના વિવિધ ક્ષેત્રોમાંથી છેલ્લા એક સપ્તાહમાં જતા કાનુડાની નગરીમાં જાણે ગોકુલ મથુરા અને બરસાનાના ફૂલડોલને યાદ અપાવતો વસંતી ફાગનો ફૂલડોલ ઉત્સવ જ્યારે ધામધૂમથી દ્વારકામાં ઉજવાયો હતો. વર્ષો વર્ષ વધતા યાત્રીક પ્રવાહમાં લોકોમાં જ્યારે ધર્મ સાથે જોડાણ વધુ હોય તેવું ચોક્કસ પણે ફૂલડોલ ઉત્સવના દ્વારકા ઉત્સવનું ચિત્ર નજરે જોવા મળ્યું હતું.

શુક્ર, શનિ, રવિ અને સોમવારની રજાઓને લઇને ફૂલડોલના આ મીની વેકેશનમાં છેલ્લા ત્રણ દિવસમાં સાડા પાંચ લાખ ભાવિકો કાળીયા ઠાકરના દર્શન કર્યા હતા. પોલીસ વિભાગના કર્મીઓએ 2415 અશક્ત ભાવિકોને વ્હિલચેરના સહયોગથી મંદિરમાં દર્શનની વ્યવસ્થા કરી આપી હતી.

જીલ્લા પોલીસ વડા નિલેષ પાંડેના માર્ગદર્શન હેઠળ વિભાગીય અધિક્ષક હાર્દિક પ્રજાપતિ તથા સાગર રાઠોડ સહિત 6 ડી.વાય.એસ.પી., 70 પી.આઇ. અને પી.એસ.આઇ. સહિત 1100 પોલીસ કર્મી અને અધિકારીઓએ વ્યવસ્થા અને બંદોબસ્તમાં જોડાયા હતા.

છેલ્લા ત્રણ દિવસથી થતા ભારે ધસારાના કારણે દિવાળી અને નાતાલના મીની વેકેશનની જેમ યાત્રાધામ દ્વારકામાં ફરીથી હોમ સ્ટે, હોટલો, અતિથિ ગૃહો ફૂલ થઇ ગયા હતા. ધૂળેટી પર્વે બપોરે 2 થી 4 વાગ્યા સુધીના ફૂલડોલ ઉત્સવમાં મંદિર પરિસરમાં લોકો અબીલ-ગુલાલની છોળો ઉડાડીને કાન ઘેલા બન્યા હતા. હજ્જારો ભાવિકોની લાંબી કતારો અને નિજ મંદિર તથા મંદિરના વિસ્તારના એક-એક ખુણામાં જ્યાં જગ્યા મળે ત્યાં ભાવિકો ફૂલડોલના રંગે રંગાવા ગોઠવાઇ ગયા હતા તો વહિવટી તંત્રએ પણ ભારે સ્વયં સાથે યાત્રીકોને કાળીયા ઠાકોર સંગ ફૂલડોલ મનાવવા પૂરતો સહયોગ આપ્યો હતો.

READ ON APP