Hero Image

ગુજરાતમાં લોકસભા અને વિધાનસભામાં મુસ્લિમોનું ઘટતું રાજકીય પ્રતિનિધિત્વ

Getty Images પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને ઇન્ડિયા ગઠબંધનમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)ના ઉમેદવારોનો પ્રચાર પૂરજોરમાં છે. જોકે, ત્રણમાંથી એક પણ રાષ્ટ્રીય પાર્ટીએ ગુજરાતમાંથી એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી.

લોકસભા 2024ની ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા 26 ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવાર મુસ્લિમ નથી. કૉંગ્રેસ આ વખતે 24 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, પરંતુ પાર્ટીએ એક પણ બેઠક પરથી મુસ્લિમ ઉમેદવારને મેદાને નથી ઉતાર્યા.

હાલમાં, ગુજરાતની કુલ 26 લોકસભાની બેઠકો, ચાર રાજ્યસભાના સાંસદો અને 182 વિધાનસભાની બેઠકોમાં કુલ મળીને માત્ર એક જ મુસ્લિમ નેતા છે. અમદાવાદના જમાલપુર-ખાડિયાથી ધારાસભ્ય એકમાત્ર મુસ્લિમ નેતા વિધાનસભામાં છે. જ્યારે સંસદના બન્ને સદનો લોકસભા અને રાજ્યસભામાં ગુજરાતમાંથી એક પણ મુસ્લિમ સંસદસભ્ય નથી.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમ નેતૃત્વના ઘટતા પ્રતિનિધિત્વ પર રાજકીય પક્ષોનાં પોતપોતાનાં કારણો છે. તો રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે દરેક રાજકીય પક્ષ એ બાબતે સાવચેત છે કે પોતાની છબી હિંદુ મતદારોના ભોગે મુસ્લિમ તરફી દેખાય તેવું ઇચ્છતા નથી.

તો મુસ્લિમ આગેવાનોનું માનવું છે કે આ બધા પાછળ મુસ્લિમ સમાજમાં લોકતાંત્રિક અધિકારો વિશે જાગૃતિ અને મુસ્લિમ સમાજમાં આ મુદ્દે અવાજ ઉઠાવનાર નેતૃત્વનો અભાવ પણ છે.

આ અહેવાલમાં જાણીએ કે કેવી રીતે વર્ષો વીતતાં ગુજરાતમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ ઘટતું ગયું અને તેનાં કારણો શું હોઈ શકે છે.

ગુજરાતમાં મુસ્લિમ નેતૃત્વ BBC

ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી લગભગ દસ ટકાની આસપાસ છે. તેમ છતાં ગુજરાતમાંથી લોકસભાના છેલ્લા મુસ્લિમ સંસદ સભ્ય તરીકે અહમદ પટેલ ભરૂચ બેઠક પરથી 1984ની લોકસભા ચૂંટણી જીત્યા હતા.

ગુજરાત જ્યારે 1960માં એક અલગ રાજ્ય તરીકે સ્થાપિત થયું ત્યારથી અત્યાર સુધીમાં માત્ર પાંચ વાર મુસ્લિમ ઉમેદવારો લોકસભાની ચૂંટણી જીત્યા છે. ગુજરાતના સૌપ્રથમ મુસ્લિમ સંસદસભ્ય 1962માં કૉંગ્રેસના ઝોહરાબહેન ચાવડા બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી જીત્યાં હતાં. 1967 અને 1971ની લોકસભાની ચૂંટણીમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર લોકસભાની ચૂંટણી જીતી શક્યા ન હતા.

ગુજરાતમાંથી સૌથી વધારે બે મુસ્લિમ ઉમેદવારો 1977ની લોકસભા ચૂંટણીમાં જીતીને સંસદ પહોંચ્યા હતા. લોકસભાની 1977ની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી અહમદ પટેલ અને અમદાવાદ બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પર અહેસાન જાફરી ચૂંટણી જીત્યા હતા.

લોકસભાની 1980ની અને 1984ની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી કૉંગ્રેસ નેતા અહમદ પટેલ ચૂંટણી જીત્યા હતા.

અહમદ પટેલ 1989ની લોકસભા ચૂંટણીમાં પણ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતથી છેલ્લાં 35 વર્ષમાં એક પણ મુસ્લિમ નેતા ગુજરાતથી લોકસભાના સંસદસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા નથી.

ભાજપની સ્થાપના 1980માં થઈ હતી. ભાજપે ત્યાર પછી યોજાયેલી એક પણ લોકસભા ચૂંટણીમાં કોઈ પણ મુસ્લિમ ઉમેદવારને ગુજરાતથી ટિકિટ આપી નથી.

જ્યારે કૉંગ્રેસે 1989થી લઈને આજ સુધી ગણ્યાગાંઠ્યા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. આ વખતની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી.

કૉંગ્રેસ અને અહમદ પટેલનો ગઢ મનાતા ભરૂચથી અહમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલે લોકસભા ચૂંટણી માટે ટિકિટની માગણી કરી હતી. જોકે, આ બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી છે.

પાર્ટીએ 2019ની ચૂંટણીમાં એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર શેરખાન પઠાણને ભરૂચ બેઠક પરથી ટિકિટ આપી હતી. જોકે, તેઓ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સામે ચૂંટણી હારી ગયા. એ પહેલાં કૉંગ્રેસે 2014ની લોકસભા ચૂંટણીમાં પણ મુસ્લિમ ઉમેદવાર મકસૂદ મિર્ઝાને નવસારી બેઠક પરથી ટિકિટ આપી હતી. તેઓ ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ સામે હારી ગયા હતા.

  • નવસારી: ત્રણ ટર્મથી નવસારીના સાંસદ રહેલા પાટીલ સામે શું છે પડકારો?
  • ગુજરાત વિધાનસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ Getty Images

    ગુજરાતની વિધાનસભામાં હાલમાં એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા છે. ઇમરાન ખેડાવાલાએ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની ટિકિટ પરથી અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક પર જીત મેળવી હતી.

    વર્ષ 2022માં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે છ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, જ્યારે ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી ન હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ત્રણ અને અસદુદ્દીન ઔવેસીની એઆઈએમઆઈએમએ 11 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી.

    ગુજરાતમાં સૌથી વધારે મુસ્લિમ ઉમેદવારો 1980ની વિધાનસભા ચૂંટણીમાં જીત્યા હતા. આ ચૂંટણીમાં ઇંદિરા ગાંધીના નેતૃત્વવાળી કૉંગ્રેસના લગભગ 10 મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી જીતીને ધારાસભ્યો બન્યા હતા. જોકે, ત્યાર પછી કૉંગ્રેસમાં પણ મુસ્લિમ ઉમેદવારોને મળતી ટિકિટની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો.

    કૉંગ્રેસે 1995ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 10 અને 1998ની વિધાનસભા ચૂંટણીમાં 9 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી.

    જોકે, 2002ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ આ સંખ્યા ઘટાડી અને માત્ર પાંચ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. 2007ની ચૂંટણીમાં પણ છ જ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, જેમાંથી પાંચ ઉમેદવારોએ ચૂંટણી જીતી હતી.

    કૉંગ્રેસ પાર્ટીએ 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાંચ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, જેમાંથી બે ઉમેદવારોને જીત મળી હતી. પાર્ટીએ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી અને ત્રણ ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. 2017માં વાંકાનેરથી કૉંગ્રેસના જાવિદ પીરઝાદા, દરિયાપુરથી કૉંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુર-ખાડિયાથી ઇમરાન ખેડાવાલા જીત્યા હતા.

    કૉંગ્રેસ પાર્ટીએ 1995 પછી ક્યારેય 10 કે તેથી વધારે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી નથી.

    ભાજપે 1995માં પહેલી વખત ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતીને પોતાની સરકાર બનાવી. પાર્ટીએ ત્યારથી અત્યાર સુધીમાં માત્ર એક જ વખત 1998ની વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવાર અબ્દુલગની કુરૈશીને વાગરાની બેઠક પરથી ટિકિટ આપી હતી. જોકે, તેઓ કૉંગ્રેસના ઉમેદવાર ઇકબાલ પટેલ સામે ચૂંટણી હારી ગયા હતા.

    મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન આપવાનું કારણ શું હોઈ શકે? sansad.in ગુજરાતનાં પ્રથમ મુસ્લિમ સંસદસભ્ય ઝોહરાબહેન ચાવડા

    મુસ્લિમોના પ્રતિનિધિત્વ વિશે વાત કરતા સીએસડીએસના પ્રોફેસર સંજયકુમારે કહ્યું કે ગુજરાતમાં બંને પક્ષમાંથી કોઈ પણ પક્ષે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી નથી તેનો મતલબ સ્પષ્ટ છે કે ગુજરાતમાંથી લોકસભામાં મુસ્લિમ પ્રતિનિધિ ચૂંટાશે નહીં.

    "જો કૉંગ્રેસ માત્ર એક અથવા બે જ ટિકિટ મુસ્લિમ ઉમેદવારોને આપતી હોય અને આ વખતે તેમને ટિકિટ ન આપી હોય તો તેની પાછળ કૉંગ્રેસનો કોઈ ખાસ ઉદ્દેશ્ય હોય તેવું લાગતું નથી. કારણ કે એ વાતની શક્યતા છે કે પાર્ટીને કોઈ એવો ઉમેદવાર ન મળી રહ્યો હોય જે ચૂંટણી જીતી શકે. કૉંગ્રેસ એક સંદેશો આપવાની કોશિશ કરી રહી છે કે કૉંગ્રેસ પક્ષ માત્ર મુસ્લિમોની તરફદારી કરતો પક્ષ નથી. આમ, કૉંગ્રેસ બહુમતી અને લઘુમતી વચ્ચે એક બેલેન્સ બનાવવાની કોશિશ કરી રહી છે અને કદાચ આ કારણે પાર્ટીએ ગુજરાતમાં કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન આપી."

    સંજયકુમારે ઉમેર્યું, "આ વાત માત્ર ગુજરાતને જ લાગુ નથી પડતી અને રાષ્ટ્રીય સ્તરે પણ મુસ્લિમોનું રાજકીય પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે. દેશમાં હાલમાં દક્ષિણપંથી રાજકારણનું પ્રભુત્વ છે અને દરેક રાજકીય પક્ષ એ બાબતે સાવચેત છે કે પોતાની છબી હિંદુ મતદારોના ભોગે મુસ્લિમ તરફી દેખાય તેવું ઇચ્છતા નથી."

    "રાજકીય પક્ષો માને છે કે દેશમાં હાલમાં હિંદુ બહુમતીના લોકો સંગઠિત થઈ રહ્યા છે અને ભાજપ આ જ કારણે હિંદુ અને મુસ્લિમનું રાજકારણ કરી રહી છે. આ જ કારણે રાજકીય પક્ષો મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપતા પહેલાં પણ વિચારે છે."

    "આમ, જો કોઈ મુસ્લિમ નેતા ચૂંટણી ન જીતી શકે તો તેમને માત્ર મુસ્લિમ હોવાથી ટિકિટ મળવાની શક્યતા ઓછી છે. ઉદાહરણ તરીકે કોઈ બેઠક પર મુસ્લિમ અને હિંદુ બંને ઉમેદવારની જીતવાની શક્યતા 50-50 ટકા છે. તો તેવા સંજોગમાં અત્યારના રાજકારણને જોતા પાર્ટી હિંદુ ઉમેદવારને ટિકિટ આપવાનું પસંદ કરશે, કારણ કે તેઓ હિંદુ બહુમતીને એક સંદેશો દેવા માગે છે."

    રાજકીય વિશ્લેષક અને યુનિવર્સિટી ઑફ કેલિફૉર્નિયામાં પૉલિટકલ સાયન્સમાં પીએચ.ડી.નો અભ્યાસ કરતા શારીક લાલીવાલાએ કહ્યું, "મુસ્લિમોનું ઘટતું રાજકીય પ્રતિનિધિત્વ ગુજરાત અને ભારતમાં હિંદુ રાષ્ટ્રવાદના ઉભાર સાથે સુસંગત છે. ગુજરાત વિધાનસભામાં 1980 અને 1985માં મુસ્લિમ પ્રતિનિધિત્વ તેની ટોચ પર હતું અને આપણે ગુજરાતના કેટલાક મુસ્લિમ સાંસદો (અહેસાન જાફરી, અહમદ પટેલ વગેરે) પણ જોયા હતા."

    "જોકે, તે સમયગાળો લાંબો ચાલ્યો ન હતો, કારણ કે ભાજપે એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે 'કૉંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણ કરે છે', જે એક લોકપ્રિય પગલું સાબિત થયું અને તેને કારણે ભાજપે ઉચ્ચ-જાતિનું સમર્થન મેળવ્યું હતું. આ કારણે ગુજરાતમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ ઘટવા લાગ્યું અને હવે માત્ર એક ધારાસભ્ય છે. દેશની રાજનીતિમાં પણ આવી જ પેટર્ન જોવા મળી રહી છે."

    જોકે, ઘણા મુસ્લિમ ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવે છે, પરંતુ ગુજરાતમાં સામાન્ય રીતે ત્રીજો મોર્ચા કે અપક્ષ ઉમેદવારો ભાગ્યે જ ચૂંટણીમાં જીત મેળવી શકે છે.

    મુસ્લિમોના સતત ઘટી રહેલા પ્રતિનિધિત્વ વિશે મુસ્લિમોનું શું કહેવું છે? Getty Images

    ગુજરાતમાં 1980માં સૌથી વધારે 10 ધારાસભ્યો, ત્રણ રાજ્યસભાના સંસદસભ્ય અને એક લોકસભાના સંસદસભ્ય મળીને કુલ 14 મુસ્લિમ રાજકીય પ્રતિનિધિઓ હતા.

    જોકે, રાજ્યના રાજકારણમાં ત્યાર પછી મુસ્લિમોના પ્રતિનિધિત્વમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

    સામાજિક કાર્યકર્તા અને લેખક ઝકીયા સોમણે બીબીસી ગુજરાતીને કહ્યું, "છેલ્લાં દસ વર્ષથી જે પ્રકારની રાજનીતિ આપણા દેશમાં થઈ રહી છે તેને કારણે મુસ્લિમ સમુદાયનું રાજકીય પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ જ ઓછું છે. સત્તા પક્ષની વિચારધારા અને રાજનીતિમાં નાગરિકોને ધર્મના લૅન્સથી જોવામાં આવે છે અને તેમાં લઘુમતીનું ખાસ કરીને મુસ્લિમોનું કોઈ સ્થાન નથી."

    તેઓ કહે છે કે, "મુસ્લિમો પ્રત્યે નફરત અને તિરસ્કારનું જ આ પરિણામ છે. હાલમાં ધાર્મિક ધ્રુવીકરણનું રાજકારણ હાવી છે તેને કારણે કૉંગ્રેસ જેવી પાર્ટીઓ પણ મુસ્લિમ લોકોને ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યમાં ટિકિટ આપતી નથી."

    "ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો પછી મુસ્લિમ સમાજને ન્યાય, પુનર્વસન અને જરૂરી હિલિંગ ટચ ન મળ્યો. ત્યાર પછી મુસ્લિમ સમાજે સરકાર કે પાર્ટીઓ પાસેથી કોઈ પણ પ્રકારની આશા છોડી દીધી છે અને પરિસ્થિતિને સ્વીકારી લીધી છે."

    તેઓ કહે છે, "મુસ્લિમ સમાજની પોતાની પણ કેટલીક સમસ્યાઓ છે. જેમ કે, મુસ્લિમ સમાજમાં લોકતાંત્રિક હક્કો વિશે જાગરૂકતાનો અભાવ છે. ખાસ કરીને ગુજરાતમાં મુસ્લિમ સમાજમાં કોઈ એવું નેતૃત્વ નથી કે જે આ પ્રકારના મુદ્દાઓ (રાજકીય પ્રતિનિધિત્વના) ઉઠાવી શકે. અને ગુજરાતમાં હાલનું રાજકીય વાતાવરણ એવું છે કે તેઓ આ મુદ્દાઓ ઉઠાવવા માગે તો પણ તેઓ આ વિશે કશું કરી શકે તેમ નથી."

    આ વિશે બીબીસી ગુજરાતી વિશે વાત કરતા જમાત-એ-ઇસ્લામી હિન્દ અમદાવાદ સેન્ટ્રલના પ્રમુખ ઇકરામ મિર્ઝાએ કહ્યું, "મુસ્લિમોના સતત ઘટી રહેલા રાજકીય પ્રતિનિધિત્વને કારણે સમુદાયમાં નિરાશા છે."

    તેઓ આરોપ મૂકે છે, "મુસ્લિમોનું પ્રતિનિધિત્વ સતત ઘટે તે માટે પ્રયાસો પણ થઈ રહ્યા છે. સત્તા પક્ષ અને તેની ધ્રુવીકરણના રાજકારણની કાયદેસરની ભૂમિકા છે. આ કારણે જ અમને લાગી રહ્યું છે કે દલિત, આદિવાસી અને મહિલાઓની જેમ જ મુસ્લિમો માટે પણ વિધાનસભા અને લોકસભામાં અનામત બેઠકોની માગણી કરવી પડશે. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી."

    શારિક લાલીવાલાએ કહ્યું, "ગુજરાતમાં મુસ્લિમોના ઘટતા રાજકીય પ્રતિનિધિત્વ પાછળનાં કારણો સ્પષ્ટ છે. હિન્દુ રાષ્ટ્રવાદનો ઉદય અને રાજ્યમાં તેની સામાજિક-રાજકીય અને સાંસ્કૃતિક પકડ. ભારતમાં અન્યત્રની જેમ ગુજરાતમાં પણ મુસ્લિમોની ગતિશીલતા ઘટી રહી છે."

    "હવે એવા સારા પુરાવા છે જે સૂચવે છે કે મુસ્લિમો તેમની સામાજિક-આર્થિક સ્થિતિમાં હિન્દુ ઓબીસીથી નીચે છે અને હિંદુ એસસીની સમકક્ષ છે. જ્યારે હિન્દુ ઓબીસી અને એસસી એક પેઢીથી બીજી પેઢીમાં સામાજિક-આર્થિક દરજ્જામાં વધારો કરી રહ્યા છે, ત્યારે મુસ્લિમોમાં તેનાથી વિપરીત થઈ રહ્યું છે. તેમાંથી વધુ અને વધુ મુસ્લિમ લોકો ખરાબ માળખા સાથે અલગ-અલગ બહારનાં વિસ્તારોમાં રહે છે. રાજ્યમાં મુસ્લિમોનું ભવિષ્ય અંધકારમય દેખાય છે."

    ગુજરાતમાં મુસ્લિમ ઉમેદવારોના પ્રતિનિધિત્વ અંગે ભાજપ-કૉંગ્રેસનું શું કહેવું છે? Getty Images પ્રતીકાત્મક તસવીર

    આ મામલે ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "ભાજપનું મોવડીમંડળ કોણે કઈ બેઠક પરથી ઉમેદવાર બનાવવા તે નક્કી કરે છે. ઉમેદવારને ટિકિટ આપતી વખતે તેની જ્ઞાતિ કે ધર્મ નહીં પરંતુ જે તે વ્યક્તિ તે વિસ્તારનાં વિકાસકામો કરી શકે છે કે નહીં, પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર છે કે નહીં, અને જે તે બેઠક પર ઉમેદવારનો પ્રભાવ કેવો છે તેના આધારે કરવામાં આવે છે."

    "જેમ કે, ગાંધીનગર બેઠક પર અમિત શાહ જે જ્ઞાતિમાંથી આવે છે તેની વસ્તી નહીંવત્ છે, છતાં તેઓ ઉમેદવાર છે. ઉદાહરણ રૂપે, ભરૂચ અનામત બેઠક ન હોવા છતાં પણ અમે ત્યાંથી એક આદિવાસી ઉમેદવારને ટિકિટ આપી છે."

    તો ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કહ્યું, "મુસ્લિમોના રાજકીય પ્રતિનિધિત્વની વાત કરીએ તો ડી-લિમિટેશનને કારણે ઘણી બેઠકો અનામત બની ગઈ જ્યાં મુસ્લિમોને પ્રતિનિધિત્વ મળી શકે. દાણીલીમડા બેઠક પર મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે પરંતુ તે બેઠક અનામત છે એટલે ત્યાં મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી ન શકાય. જેમ કે, વિધાનસભા બેઠકોની વાત કરીએ તો જમાલપુર અને ખાડિયા અલગ-અલગ બેઠકો હતી, જેને મર્જ કરી દેવામાં આવી. આમ, ગુજરાતમાં મુસ્લિમોના રાજકીય પ્રતિનિધિત્વ ઘટવા પાછળ ડી-લિમિટેશન પણ એક કારણ છે."

    કૉંગ્રેસના પ્રવક્તાએ ઉમેર્યું, "લોકસભાની ટિકિટની વાત કરીએ તો કૉંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારનું ચયન કરવા માટે લોકતાંત્રિક પ્રક્રિયા અપનાવી હતી. કૉંગ્રેસ પાર્ટી ટિકિટ આપવા માટે કોઈ પણ જ્ઞાતિ કે ધર્મને પ્રાધાન્ય આપતી નથી."

    ન્યૂઝ એજન્સી રૉયટર્સના એક અહેવાલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ 25,000 મુસ્લિમ સ્વયંસેવકોની ટીમ તૈયાર કરી છે, જેને “મોદીમિત્ર” નામ આપવામાં આવ્યું છે. મોદીમિત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનાવવા માટે મદદ કરશે.

    રૉયટર્સના અહેવાલ પ્રમાણે, મુસ્લિમ સ્વયંસેવકો તેમના પાડોશીઓ અને સંબંધીઓને ભાજપની અલગ-અલગ યોજનાઓ વિશે જણાવશે કે કેવી રીતે આ યોજનાઓનો બધા જ લોકોને ફાયદો થઈ રહ્યો છે. તેઓ સમજાવશે કે કેવી રીતે ભારતનું સ્ટેટસ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મજબૂત થઈ રહ્યું છે.

    તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

    Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

    Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

    Twitter પર બીબીસી ગુજરાતીને ફૉલો કરવા અહીં ક્લિક કરો.

    READ ON APP