Hero Image

ભરૂચમાં 25 ઊંટનાં મૃત્યુ પાછળનું સત્ય શું છે?

ANI

ભરૂચના વાગરા તાલુકામાં આવેલું ચાંચવેલ એવું ગામ છે, જ્યાં આઝાદીના સાડા સાત દાયકા પછી પણ શુદ્ધ પાણીની સુવિધા પહોંચી નથી.

તાજેતરમાં અહીં 25 ઊંટ મૃત્યુ પામ્યાં હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.

પશુપાલકો પ્રમાણે પ્રાણીનાં મોત પાછળ પાણીની અછત જવાબદાર છે, તો પર્યાવરણવિદો અનુસાર આ ઘટના પાછળ બેલગામમાં થતું પ્રદૂષણ જવાબદાર છે, જેને કારણે ‘પશુ જ નહીં માણસોને પણ શુદ્ધ પાણી માટે વલખાં મારવાં પડી રહ્યાં’ છે.

વિવિધ ફેકટરીઓ જે પાણી ઉપયોગમાં લે છે, તે માટેની પાઇપલાઇનના લીકેજમાંથી પાણી લઈને ‘કચ્છીપુરાના લોકો પોતાનું કામ ચલાવે છે, તો ક્યારેક તેઓ ટૅન્કરનો ઉપયોગ કરે છે.’

ગામવાસીઓનું કહેવું છે કે આ ગામમાં ન તો ‘નલ સે જલ યોજના અંતર્ગત નળ પહોંચ્યા છે, ન તો અન્ય કોઈ રીતે પીવાનું પાણી પહોંચી રહ્યું છે.’ આ વાતને લઈને ગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

'પાણીની અછત' ઘટના અંગે સરકારી અધિકારી દ્વારા અપાયેલા ખુલાસા પ્રમાણે પાઇપલાઇન લીકેજને ક્રૂડ ઑઇલ બહાર આવ્યું હતું. આ મામલે દંડ પણ ફટકારાયો છે.

તેમજ વિસ્તારમાં પાણીના પ્રદૂષણના નિયંત્રણ અંગે લેવાયેલાં પગલાં અંગે સંબંધિત અધિકારીએ કહ્યું હતું કે, “સંબંધિત ટીમો આવાં તત્ત્વોને શોધીને કડક પગલાં લે છે. કંઈ કામ ન થયું હોય એવું નથી.”

25 ઊંટોનાં મૃત્યુનો સમગ્ર મામલો સમાચારોમાં છવાતાં બીબીસીએ આ વિસ્તારમાં પાણીની તંગી અને પ્રદૂષણના દાવા અંગે તપાસ કરી હતી.

BBC કેવી રીતે થયાં ઊંટનાં મૃત્યુ? Getty Images

કચ્છીપુરામાં આશરે 350ની વસતી છે અને તેમાં આશરે 350 ઊંટ, 350 ભેંસ, 150 જેટલાં ઘેટાં-બકરાં અને આશરે 50 જેટલી ગાય છે.

સ્થાનિકોનો દાવો છે કે આ વિસ્તારના લોકો અને પશુધન માટે પાણીની કોઈ જ સગવડ નથી. આ ઘટનામાં જેમના 25 ઊંટ ગુમાવનાર રહેમાનભાઈ જટ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી. તેમનો દાવો છે કે આ ઉપરાંત તેમનાં પાંચ ઊંટ હજી સુધી મળ્યાં નથી.

રહેમાનભાઈએ આ સમગ્ર ઘટનાની વિગતો આપતાં કહ્યું, "અમે ઊંટને પાણીની તલાવડી તરફ લઈ જઈ રહ્યા હતા, પરંતુ ઊંટ ખૂબ તરસ્યાં થયાં હતાં અને રસ્તામાં કેમિકલથી ભરેલો એક વિસ્તાર આવ્યો, જ્યાં ઊંટ પાણી સમજીને તેમાં આળોટવા લાગ્યાં અને તેને પી પણ ગયાં. "

“થોડું આગળ જતાં એક પછી એક 25 ઊંટ મરી ગયાં, ઘણાંને બળતરા થવા માંડી, અમુક પીડાને કારણે ભાગવા માંડ્યાં. પછી અમને ખ્યાલ આવ્યો કે કેમિકલને કારણે આવું થયું છે. ડૉક્ટરને બોલાવ્યાં અને તેમણે ઊંટની દવા ચાલુ કરી જેના કારણે અમુક ઊંટ મરતાં-મરતાં બચી ગયાં છે.”

આ સમગ્ર ઘટના અંગે સરકારી મત જાણવા બીબીસી ગુજરાતીએ ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચનાં રિજનલ ઑફિસર માર્ગી પટેલ સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું, "આ કેમિકલ ખરેખર ઓએનજીસીનું ક્રૂડ ઑઇલ હતું, જે પાઇપલાઇનના લીકેજને કારણે બહાર આવ્યું હતું. આ અંગે અમે જરૂરી કાર્યવાહી કરી છે અને કાયદાની જોગવાઈઓ પ્રમાણે તેમને દંડ ફટકાર્યો છે."

“જોકે, હજી આગળની તપાસ ચાલી રહી છે. આ વિશે વધુ વાત કરતાં પટેલે જણાવ્યું કે, “આ વિશેની SOP જાહેર કરી દેવાઈ છે અને હવે પછી આ પ્રકારની ઘટના ન બને તેનું ધ્યાન રાખવા માટેની ચેતવણી પણ આપવામાં આવી છે.”

BBC આ ગામને પાણી કેમ મળતું નથી? Getty Images પ્રતીકાત્મક તસવીર

ચાંચવેલ ગામની હદમાં આવેલો કચ્છીપુરા વિસ્તાર ચાંચવેલથી સાત કિલોમિટર દૂર છે. આ વિસ્તારમાં માત્ર મુસ્લિમ સમુદાયના વિચરતી જાતિના લોકો રહે છે.

અહીંના આગેવાન મુસાભાઈ જટ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "અમને યાદ નથી કે અમે કેટલી વખત પાણી માટે અરજ કરી છે. અમને અને અમારાં પશુને પાણી આપવાની અમારી માગણી વર્ષો જૂની છે. પરંતુ આજ સુધી સરકારે અમારી વાત સાંભળી નથી."

જ્યારે તેમને તેમને પૂછાયું કે તેઓ પોતાનો બોર કેમ નથી બનાવી લેતા, આના જવાબમાં તેમણે કહ્યું, "લોકફાળો ભેગો કરીને અનેક વખત બોરવેલ ખોદ્યા છે, પરંતુ આજ સુધી તેમાં પીવાલાયક કે ઘરકામ માટે ઉપયોગમાં આવી શકે તેવું પાણી આવ્યું નથી."

તેમણે પોતાની મુશ્કેલી અંગે આગળ કહ્યું, "વર્ષો સુધી અમે ઇન્ડસ્ટ્રીને પાણી આપવા માટે ઉપયોગમાં લેવાતી પાઇપના લીકેજ પૉઇન્ટથી પાણી લઈને અમારી જરૂરિયાતો પૂરી કરતા હતા."

"હવે તે તમામ પૉઇન્ટ રિપેર કરી દીધા છે, માટે અમને ટૅન્કરથી પાણી મળતું હતું. હવે છેલ્લા છ મહિનાથી ટૅન્કરથી પાણી મળવાનું પણ બંધ થઈ ગયું છે."

આ વિશે બીબીસી ગુજરાતીએ ચાંચવેલ ગામના સરપંચ સિકંદર મુસા સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું, "ચાંચવેલ ગામ વર્ષોથી પાણીની તંગીથી ત્રસ્ત છે. અમે સરકારમાં અનેક વખત રજૂઆતો કરી છે."

"હવે અમને ચાંચવેલ ગામમાં નળથી પાણી મળ્યું છે, પરંતુ હજી સુધી કચ્છીપુરામાં નળથી પાણી આપવાની કોઈ વ્યવસ્થા નથી. અમે આ વિશે સરકારમાં રજૂઆતો કરી છે."

BBC જિલ્લા વહીવટી તંત્ર શું કહે છે?

ચાંચવેલ ગામના કચ્છીપુરા વિસ્તારને પાણી નથી મળતું તે વિશે બીબીસી ગુજરાતીએ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સાથે વાત કરી.

તેમણે કહ્યું કે, "ચાંચવેલ ગામને પાણી આપવામાં આવી રહ્યું છે પરંતુ કચ્છીપુરાને પાણી નથી મળી રહ્યું તેનાં કારણો વિશેની તપાસ માટે અમે એક ખાસ ટીમ બનાવી છે જે સ્થળ ઉપર તપાસ કરી આવી છે અને અમે વહેલી તકે આ સમસ્યાનું સમાધાન કરીશું. "

BBC આખા વિસ્તારની કેવી છે પરિસ્થિતિ? Getty Images પ્રતીકાત્મક તસવીર

ભરૂચ જિલ્લાની વાત કરાય તો કર્મશીલો આ જિલ્લાના આડેધડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટથી ચિતિંત છે. એ દરિયામાં કેમિકલયુક્ત કચરો છોડવાની વાત હોય કે પછી ગ્રાઉન્ડ વૉટરની ગુણવત્તાની સમસ્યા હોય. કર્મશીલો પ્રમાણે આ જિલ્લાના ‘ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટને કારણે ભૂગર્ભજળની સમસ્યા વધતી ગઈ છે.’

રાજ્યની બ્રાકીશ વૉટર રિસર્ચ નામની સંસ્થાએ આ અંગે વિવિધ અભ્યાસો કરીને વડા પ્રધાનને પત્ર મારફતે આ વિસ્તારમાં વધી રહેલા પ્રદૂષણ તેમજ દરિયાઈ પટ્ટીને પ્રદૂષિત કરવાની માહિતી આપી છે.

આ સંસ્થાના પ્રમુખ એમ. એસ. એચ શેખે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ ટ્રીટ કર્યા વગર દરિયામાં કે રિવર્સ બોરથી ગ્રાઉન્ડમાં પાણી નાખવાના અનેક કિસ્સા સામે આવ્યા છે."

"અમે આ વિશે પત્ર મારફતે વડા પ્રધાનને જાણ કરી છે, પરંતુ હજી સુધી આ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી."

તેઓ વધુમાં કહે છે કે, "અમારા પત્રમાં અમે જણાવ્યું છે કે ઘણી ઇન્ડસ્ટ્રીઝ પાણી સીધું દરિયામાં નાખે છે, સરકારી પાઇપલાઇન કામ કરતી નથી અથવા તો લીક છે, પાઇપની ક્ષમતા ઓછી છે, માટે સરકારે આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે આ ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટના નિકાલ અંગે કોઈ ચોક્કસ અને યોગ્ય પગલાં લેવાની જરૂર છે."

આ વિશે બીબીસી ગુજરાતીએ ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડના વિજિલન્સ ઑફિસર આર. બી. ત્રિવેદી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, "એવું નથી કે કંઈ કામ થયું નથી. અમારી ટીમ સતત આવાં તત્ત્વોનો શોધીને તેમના પર કેસ, ક્લોઝર નોટિસ તેમજ શક્ય તમામ કડક પગલાં લેતી હોય છે. તેમ છતાં અમારી વિજિલન્સ ટીમ ઉપરાંત, લોકલ ટીમ આ અંગે કામ કરતી રહે છે."

BBC

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.

BBC