Hero Image

પ્રિયંકા ગાંધી બોલતાં બોલતાં ભાવુક થયાં કહ્યું, "રાહુલ નફરતની વિરુદ્ધ લડી રહ્યા છે?"

@INCINDIA પ્રિયંકા ગાંધી

કેરળના વાયનાડમાં એક ચૂંટણી સભાને સંબોધતા કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમના ભાઈ રાહુલ ગાંધી વિશે વાત કરતાં ભાવુક થઈ ગયાં હતાં.

પ્રિયંકાએ વાયનાડના લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે રાહુલ ગાંધી નફરતના રાજકારણની વિરુદ્ધ લડી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું, “તમે મારા ભાઈને જે પ્રેમ અને સમ્માન આપ્યું તે માટે હું તમારો દિલથી આભાર વ્યકત કરૂં છું.”

તેમણે કહ્યું, “તેઓ (રાહુલ) છેલ્લાં દસ વર્ષથી નફરત અને ગુસ્સાના રાજકારણ સામે સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે આ સંઘર્ષમાં પાંચ વર્ષ દરમિયાન અનેક પરિસ્થિતિઓનો સામનો કર્યો. તેમને સંસદ અને તેમના ઘરની બહાર કાઢવામાં આવ્યા. તેમને અનેક નામોથી બોલાવવામાં આવ્યા અને તેમના પર એવા આરોપ લગાવવામાં આવ્યા જે કામો તેમણે ક્યારેય કર્યાં જ નથી. તેઓ આ ખરાબ પરિસ્થિતિ દરમિયાન પણ જાણતા હતા કે વાયનાડના લોકો તેમને પ્રેમ કરે છે. તમારા આ પ્રેમે જ તેમને લડાઈ ચાલુ રાખવાની હિંમત આપી છે.”

મહારાષ્ટ્રમાં એક ચૂંટણી સભાને સંબોધતી વખતે રાહુલ ગાંધીએ ઇલેક્ટોરલ બૉન્ડનો મુદ્દો ઉઠાવ્યો.

રાહુલ ગાંધીએ કહ્યું, “સુપ્રીમ કોર્ટ ઇલેક્ટોરલ બૉન્ડને ગેરકાયદેસર ઠેરવ્યા હતા. તેમ છતાં ભાજપ અને એસબીઆઈએ એ લોકોનું નામ ન જણાવ્યું જેમણએ પાર્ટીને પૈસા આપ્યા. જોકે, જ્યારે નામ સામે આવ્યાં ત્યારે ખબર પડી કે કંપની પર સીબીઆઈના દરોડા પડે છે અને થોડાક દિવસ પછી તે જ કંપની થોડાક દિવસોમાં કરોડો રૂપિયા ભાજપને આપે છે. ત્યાર પછી સીબીઆઈની તપાસ પૂરી થઈ જાય છે.”

તેમણે ઉમેર્યું, “કંપનીને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવે છે અને તેના થોડાક દિવસો પછી કંપની ભાજપને ચૂંટણી ફંડ આપે છે. જે રીતે રસ્તા પર ગુંડાઓ વસૂલી કરે છે, ભાજપે આ કામ આંતરરાષ્ટ્રીય સ્તરે શરૂ કરી દીધું છે.”

રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં જણાવ્યું, “તેઓ કહે છે કે હું રાજકારણને સાફ કરી રહ્યો છું. જો તમે રાજકારણને સાફ કરવા માટે કામ કરો છો તો જે પણ ચૂંટણી ફંડ મળી રહ્યું છે અને જેમની પાસેથી મળી રહ્યું છે. તેની જાણકારી લોકો સમક્ષ રાખવી જોઈએ.”

સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બૉન્ડને ગેરકાયદેસર જાહેર કર્યા હતા. એસબીઆઈએ ત્યાર પછી ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદનાર લોકોની યાદી જાહેર કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય ફંડ માટે ઇલેક્ટોરલ બૉન્ડની વ્યવસ્થાનો બચાવ કરતા કહ્યું કે ઇલેક્ટોરલ બૉન્ડને રાજકીય ફંડમાં પારદર્શિતામાં લાવવાના ઉદ્દેશ્યથી રજૂ કરવામા આવી હતી.

રાહુલ ગાંધી વારંવાર ભાજપ સરકાર પર મૂડીવાદીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાડતા રહ્યા છે.

મહારાષ્ટ્રની રૅલીમાં રાહુલ ગાંધીએ કહ્યું, “જો નરેન્દ્ર મોદી અમીરોને પૈસા આપી શકે છે અને તેમની લોન માફ કરી શકે છે, તો કૉંગ્રેસ દેશની મહિલાઓ, ગરીઓ અને ખેડૂતોને પૈસા આપી શકે છે અને આપશે.”

નિતિન ગડકરી ચૂંટણી સભામાં ભાષણ દરમિયાન બેહોશ થયા @NITIN_GADKARI નિતિન ગડકરી

મહારાષ્ટ્રના પુસદમાં ચૂંટણી સભા દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ભાષણ આપતી વખતે બેહોશ થયા હતા.

જોકે, નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેઓ એકદમ સ્વસ્થ છે.

નીતિન ગડકરીએ લખ્યું, “પુસદ, મહારાષ્ટ્રની રૈલીમાં ગરમીની કારણે હું થોડો અસ્વસ્થ હતો. જોકે, હું હવે એકદમ સ્વસ્થ છું અને સભામાં ભાગ લેવા માટે વરૂડ માટે જઈ રહ્યો છું. તમારા સ્નેહ અને શુભકામનાઓ માટે આભાર.”

નીતિન ગડકરી સ્ટેજ પર બેહોશ થઈ ગયા એ સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ પણ આ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો.

આ વીડિયોમાં સ્ટેજ પર ભાષણ આપતી વખતે અચાનક બેહોશ થઈ ગયેલા નીતિન ગડકરીને લોકો સ્ટેજ પર બેસાડતા જોવા મળી રહ્યાં છે.

66 વર્ષીય નીતિન ગડકરી કેન્દ્ર સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી છે. તેઓ મહારાષ્ટ્રનાં નાગપુરથી ઉમેદવાર છે, જ્યાં પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થયું.

મહારાષ્ટ્રમાં બીજા તબક્કામાં આઠ બેઠકો પર મતદાન થશે, જેમાં યવતમાલ-વાશિમ, અમરાવતી, હિંગોલી અને નાંદેડ પણ સામેલ છે.

નીતિન ગડકરી મુખ્ય મંત્રી એકનાથ શિંદેની શિવસેના પાર્ટીના ઉમેદવાર રાજશ્રી પાટીલ માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા.

મહારાષ્ટ્રમાં ભાજપ એનસીપી અને શિવસેનામાંથી અલગ થયેલાં જૂથો સાથે મળીને ચૂંટણી લડી રહ્યો છે.

ગેનીબહેન ઠાકોરે કહ્યું, “પોલીસ બનાસકાંઠાના ગામડાઓમાં જઈને મતદારોને ધમકાવી રહી છે” Geniben Thakor/FB

બનાસકાંઠાથી કૉંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે એક ચૂંટણીસભામાં પોલીસ પર આરોપ લગાવતા કહ્યું છે કે પોલીસ કૉંગ્રેસના આગેવાનોના નંબર મેળવવા માટે લોકોને ફોન કરી રહી છે અને ધમકાવી રહી છે.

તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, “જો તમને પોલીસ અધિકારીનો ફોન આવે તો તમે એમનો નંબર મને આપી દેજો.”

ગેનીબહેને કહ્યું હતું કે, “હું મીડિયાના માધ્યમથી પોલીસને કહેવા માંગું છું કે તમારું કામ નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે, કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. કૉંગ્રેસના આગેવાનોના ફોનનંબર લઈને ધાકધમકીઓ આપવી એ તમારું કામ નથી.”

તેમણે પોલીસ અધિકારીઓને સંબોધીને કહ્યું હતું કે તમે ભાજપનો પગાર નથી લેતા, પ્રજાના પૈસામાંથી પગાર લો છો.

આ મુદ્દે કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ આરોપો લગાવતાં કહ્યું હતું કે અમને અનેક મતદારોનો ફોન આવી રહ્યો છે કે તેમને પોલીસ અને તંત્ર દ્વારા ધમકાવવામાં આવી રહ્યા છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે લોકોને સત્તાધારી પક્ષ તરફી મતદાન કરવા અથવા તો મતદાન જ ન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેમણે મતદારોને આ કૃત્યનું રેકોર્ડિંગ કરી લેવાની અપીલ કરી હતી.

"મારી માતાનું મંગળસૂત્ર દેશ માટે કુર્બાન થયું છે" -નરેન્દ્ર મોદીના નિવેદન પર પ્રિયંકા ગાંધીનો પલટવાર Getty Images

કર્ણાટકના ચિત્રદુર્ગ અને બેંગલુરુ દક્ષિણમાં ચૂંટણીસભાને સંબોધિત કરતાં પ્રિયંકા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં હતાં અને કહ્યું હતું કે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળસૂત્રનું મહત્ત્વ સમજતા હોત તો તેમણે આવી અશોભનીય વાતો ન કરી હોત.

અહીં ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની એક ચૂંટણીસભામાં કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં સંપત્તિ સર્વેની વાત ટાંકીને આરોપો લગાવ્યા હતા કે કૉંગ્રેસ દેશની મહિલાઓના ઘરેણાંનો સર્વે કરીને તેને મુસ્લિમોમાં વહેંચી દેવા માગે છે. તેમણે કહ્યું હતું કે, "આ લોકો તમારા મંગળસૂત્ર પણ છોડશે નહીં."

પ્રિયંકા ગાંધીએ વડા પ્રધાન મોદીના આ જ નિવેદનનો જવાબ આપ્યો છે. પ્રિયંકા ગાંધીએ પૂછ્યું હતું કે, "આ દેશમાં 55 વર્ષ કૉંગ્રેસની સરકાર રહી છે. શું તમારું સોનું કે મંગળસૂત્ર કૉંગ્રેસની સરકારે છીનવી લીધું? વડા પ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસોથી કેવી અજબ વાતો કરે છે."

તેમણે કહ્યું હતું કે, "ઇન્દિરા ગાંધીએ જ્યારે યુદ્ધ થયું ત્યારે તેમનું મંગળસૂત્ર અને ઘરેણાં દેશ માટે દાન કરી દીધાં હતાં. મારી માતા સોનિયા ગાંધીએ દેશ માટે તેમના મંગળસૂત્રની કુર્બાની આપી છે. લાખો મહિલાઓએ આ દેશ માટે તેમના મંગળસૂત્રની કુર્બાની આપી છે."

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, "જ્યારે દેશની મહિલાઓએ નોટબંધીમાં પોતાના મંગળસૂત્ર ગિરવે મૂકવા પડ્યા હતા ત્યારે વડા પ્રધાન ક્યાં હતા? જ્યારે ખેડૂત આંદોલનમાં 600 ખેડૂતો શહીદ થયા હતા ત્યારે તેમની વિધવાઓના મંગળસૂત્ર વિશે વડા પ્રધાને વિચાર્યું હતું કે નહીં? આજે તેઓ મત મેળવવા માટે મહિલાઓને ડરાવી રહ્યા છે."

કર્ણાટકમાં 26 એપ્રિલ અને સાતમી મેના રોજ બે તબક્કામાં મતદાન થશે. 2019ની ચૂંટણીમાં ભાજપે કર્ણાટકની 28માંથી 25 બેઠકો પર જીત મેળવી હતી. હાલમાં રાજ્યમાં કૉંગ્રેસની સરકાર છે આથી મુકાબલો અતિશય રોચક બન્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કૉંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધી અનેક રાજ્યોમાં ચૂંટણીસભાઓ અને રોડ-શો યોજીને કૉંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. તેઓ ચૂંટણી લડશે કે નહીં તે અંગે હજુ સુધી સ્પષ્ટતા નથી.

ગુજરાત: પ્રદર્શનો કરવા ઉપર સરકારના પ્રતિબંધ સામે ક્ષત્રિયો હાઈકોર્ટમાં ગયા PARSHOTTAM RUPALA/FB

"લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રચારપ્રસારની રેલી, સભા, સરઘસ દરમિયાન કોઈએ કાળા વાવટા ફરકાવવા નહીં કે ઉશ્કેરણીજનક બેનર/પ્લે કાર્ડ વગેરે બતાવવાં નહીં અથવા કોઈ વિરુદ્ધમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા નહીં."

ઉપરોક્ત જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા 16 એપ્રિલના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે 21 દિવસ સુધી એટલે કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ (7 મે) સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાના વિરોધમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રદર્શન કરી રહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોમાંથી એક આગેવાન હાઈકોર્ટમાં ગયા છે. તેમણે સરકારે ચૂંટણીટાણે લગાવેલી 144મી કલમનો પણ વિરોધ કર્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર કરણી સેનાના ભૂતપૂર્વ કન્વીનર અર્જુનસિંહ ગોહિલે પોલીસ કમિશનરના આ જાહેરનામા સામે પીટીશન દાખલ કરી છે.

તેમણે કહ્યું હતું કે આ પ્રકારના પગલાંઓ ઇમરજન્સીની પરિસ્થિતિમાં લેવામાં આવતા હોય છે અને જાહેરનામામાં આવી કોઈ પરિસ્થિતિનો ઉલ્લેખ નથી.

પીટીશનમાં એ પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે કલમ 144 લાગુ કરવા માટે પોલીસ કમિશનરે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી પડે છે અને આ વખતે તેમનો અભિપ્રાય લેવામાં આવ્યો નથી.

અહીં ઉલ્લેખનીય છે કે ક્ષત્રિયો ભાજપના મંત્રી પરશોત્તમ રૂપાલાનો કાળા વાવટા ફરકાવીને અનેક જગ્યાએ વિરોધ કરી રહ્યા હતા. ક્ષત્રિય સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે તેમના વિરોધના પગલે અમદાવાદ પોલીસે આ ‘જાહેરનામું’ બહાર પાડ્યું છે. જ્યારે પોલીસનું કહેવું છે કે આ જાહેરનામું ‘સ્વતંત્ર નિર્ણય’ છે અને એ કોઈ ‘આંદોલનને ધ્યાને રાખીને’ બહાર પડાયું નથી.

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું, "મુંબઈ હુમલા પછી કૉંગ્રેસની સરકારે પાકિસ્તાનને જવાબ ન આપવાનો નિર્ણય કર્યો હતો"

વિદેશ મંત્રી એસ. જયશંકરે 2008માં મુંબઈ હુમલાને લઈને તત્કાલીન યુપીએ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.

જયશંકરે કહ્યું હતું કે, 'મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા પછી યુપીએ સરકારે એ તર્કના આધારે જવાબી કાર્યવાહી કરી ન હતી કે પાકિસ્તાન પર હુમલો કરવો કંઈ ન કરવાની સરખામણીએ મોંઘો પડ્યો હોત.'

વિદેશ મંત્રીએ 'ફૉરેન પોલિસી ધ ઇન્ડિયા વેઃ ફ્રોમ ડિફેન્ડ્સ ટુ કૉન્ફિડેન્સ' વિષય પર આયોજિત ચર્ચા દરમિયાન આ વાત કહી હતી.

આ દરમિયાન યુપીએ સરકારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે 'રક્ષણાત્મક યુગમાં તેમણે આતંકવાદનો સ્વીકાર કરી લીધો હતો.'

જયશંકરે કહ્યું, "મુંબઈ (હુમલા) પછી, અગાઉની યુપીએ સરકારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે લખ્યું હતું કે 'અમે બેઠા, અમે ચર્ચા કરી. અમે તમામ વિકલ્પો પર વિચાર કર્યો. પછી અમે કંઈ ન કરવાનું નક્કી કર્યું. એવું લાગ્યું કે પાકિસ્તાન પર હુમલો કરવાની કિંમત તેના પર હુમલો ન કરવાની કિંમત કરતાં ઘણી વધારે છે.”

જયશંકરે કહ્યું, 'હવે હું નિર્ણય કરવાનો અધિકાર તમારા પર છોડું છું.'

તેમણે કહ્યું કે ભારતને સરહદો પર કેટલાક પડકારોનો સામનો કરવો પડે છે અને તેને દૂર કરવાનો રસ્તો માત્ર તેની સાર્વજનિક છબી બનાવવાનો જ નથી. પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું, સેનાને મદદ કરવી અને સરહદ પર જોખમની સ્થિતિમાં જવાબ આપી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી છે.