Hero Image

કે સી વેણુગોપાલને કૉંગ્રેસનું પાંચમું પાવર સેન્ટર શા માટે કહેવામાં આવે છે? રાહુલ ગાંધીના કેટલા નજીક ગણાય છે?

Getty Images

અશિસ્ત અને પક્ષવિરોધી ગતિવિધિઓને કારણે કૉંગ્રેસમાંથી તાજેતરમાં હાંકી કાઢવામાં આવેલા મહારાષ્ટ્ર કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સંજય નિરુપમે આ નિર્ણય બાબતે પહેલો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે કૉંગ્રેસમાં હાલ સત્તાનાં પાંચ કેન્દ્રો છે.

સંજય નિરુપમના કહેવા મુજબ, તે પાંચ કેન્દ્રો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પક્ષના મહામંત્રી કે સી વેણુગોપાલ છે.

નિરુપમ ઉત્તર મુંબઈ બેઠક માટે દાવો કરી રહ્યા હતા, પરંતુ લોકસભા ચૂંટણીની ટિકિટ ન મળવાને કારણે તેમણે બળવો કર્યો હતો. એ પછી પક્ષે તેમને બહારનો રસ્તો દેખાડી દીધો હતો. ત્યાર બાદ સંજય નિરુપમ શિવસેના (શિંદે જૂથ)માં સામેલ થઈ ગયા હતા.

સંજય નિરુપમે પક્ષના મોવડી મંડળ અને પક્ષના અધ્યક્ષની હરોળમાં કે સી વેણુગોપાલની ગણતરી કરીને પક્ષના કદ્દાવર મહામંત્રીના રાજકીય કદને વધારે પડતું મોટું દેખાડ્યું છે કે પછી કે સી વેણુગોપાલ કૉંગ્રેસમાં ખરેખર સત્તાનું પાંચમું કેન્દ્ર બની ગયા છે?

કે સી વેણુગોપાલ છેલ્લાં સાત વર્ષથી કૉંગ્રેસના મહામંત્રી છે, પરંતુ કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતાના કહેવા મુજબ, તેઓ એવા મહામંત્રી છે, જેમની "પક્ષના તમામ નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા હોય છે."

પક્ષના તમામ મોટા નિર્ણયો અને બીજા પક્ષો સાથેની ભાગીદારી સંબંધી અંતિમ નિર્ણયની જાહેરાત વેણુગોપાલ મારફત જ કરવામાં આવે છે.

તેઓ 2023માં બનેલા ઇન્ડિયા ગઠબંધનની સંયોજન સમિતિના પ્રભાવશાળી સભ્ય છે. જોકે, વેણુગોપાલ અત્યંત લો-પ્રોફાઇલ રહે છે તે અલગ વાત છે.

દક્ષિણ ભારતમાંથી પ્રકાશિત થતા એક અંગ્રેજી અખબારમાં કામ કરતાં એક વરિષ્ઠ મહિલા પત્રકારે તેમની ઓળખ જાહેર નહીં કરવાની શરતે કહ્યું હતું, "રાહુલ ગાંધીને વેણુગોપાલ પર સંપૂર્ણ વિશ્વાસ છે અને છેલ્લાં પાંચ-છ વર્ષમાં વેણુગોપાલ નિશ્ચિત રીતે કૉંગ્રેસના એક બહુ શક્તિશાળી નેતા બન્યા છે."

કૉંગ્રેસને વર્ષોથી કવર કરતા વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈ કહે છે, "કૉંગ્રેસ પાર્ટીના બંધારણમાં જ એવું કંઈક છે કે મહામંત્રી (સંગઠન) ગાંધી પરિવાર અને અધ્યક્ષ ગાંધી પરિવારની બહારના હોય તો એ તેમના પછીનું સૌથી શક્તિશાળી પદ છે."

સવાલ એ છે કે વેણુગોપાલ માત્ર એ પદને કારણે જ આટલા શક્તિશાળી બની ગયા છે?

‘તીન મિંયા ઔર એક મીરા’ Getty Images

આ સવાલન જવાબ આપતાં રશીદ કિદવઈ કહે છે, "દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી ઇંદિરા ગાંધીના જમાનાથી જ કેટલાક લોકો સર્વોચ્ચ નેતાના વિશ્વાસુ બનતા રહ્યા છે. પક્ષ અને (કૉંગ્રેસ કે કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ) સરકાર બન્નેમાં તેમનો પ્રભાવ હતો."

રશીદ કિદવઈના કહેવા મુજબ, "ઇંદિરા ગાંધીના સમયમાં આર કે ધવન, એમ એલ ફોતેદાર અને યશપાલ કપૂર હતા. રાજીવ ગાંધીના સમયમાં અરુણ નેહરુ અને અરુણ સિંહ, નરસિંહ રાવના સમયમાં જિતેન્દ્ર પ્રસાદ, સીતારામ કેસરીના સમયમાં તારિક અનવર, સોનિયા ગાંધીના સમયમાં અહમદ પટેલ અને વર્તમાન સમયમાં કે સી વેણુગોપાલ રાહુલ ગાંધીની એટલા જ નજીક છે અને એટલા જ શક્તિશાળી બની ગયા છે.ઇ

રાજીવ ગાંધીએ 1985માં અરુણ સિંહ, ઑસ્કર ફર્નાન્ડિઝ અને અહમદ પટેલને પોતાના સંસદીય સચિવ બનાવ્યા હતા. તે એક શક્તિશાળી જૂથ હતું અને અનૌપચારિક વાતચીતમાં તેમને ‘અમર, અકબર, ઍન્થની’ કહેવામાં આવતા હતા.

સીતારામ કેસરી કૉંગ્રેસ અધ્યક્ષ હતા ત્યારે તેમની નજીકના લોકો માટે કૉંગ્રેસના કદ્દાવર નેતા શરદ પવાર ઇતીન મિયાં, એક મીરા (અહમદ પટેલ, ગુલામ નબી આઝાદ, તારિક અનવર અને મીરા કુમાર)ઇ એવું કહેતા હતા.

તેના થોડા દિવસો પછી સોનિયા ગાંધીના વિદેશી મૂળને મુદ્દો બનાવીને શરદ પવારે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને પોતાની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી બનાવી ત્યારે તારિક અનવર તેના એક સ્થાપક સભ્ય બન્યા તેમજ અહમદ પટેલ, સીતારામ કેસરી પછી કોંગ્રેસ અધ્યક્ષ બનેલાં સોનિયા ગાંધીના સૌથી વિશ્વાસુ અને ગાંધી પરિવાર પછી પક્ષના સૌથી શક્તિશાળી નેતા બન્યા હતા તે અલગ વાત છે.

ફરી કે સી વેણુગોપાલની વાત કરીએ તો દક્ષિણના એક નાના રાજ્ય કેરળથી દિલ્હી પહોંચીને તેમણે ગાંધી પરિવાર તથા ખાસ કરીને રાહુલ ગાંધીની નજીકના લોકોમાં પોતાનું સ્થાન કેવી રીતે બનાવ્યું, એ જાણી લઈએ.

એ પહેલાં એ જાણી લઈએ કે વેણુગોપાલની રાજકીય સફરની શરૂઆત કેવી રીતે થઈ હતી.

વેણુગોપાલની સફર Getty Images

દક્ષિણ ભારતના વરિષ્ઠ પત્રકાર કે એ શાજીના કહેવા મુજબ, માર્ક્સવાદી પક્ષનો ગઢ ગણાતા ઉત્તર કેરળના કન્નૂરથી કોઈ કોંગ્રેસી નેતાનું ઊભરી આવવું બહુ મોટી વાત છે.

સામ્યવાદી પક્ષ (બાદમાં માર્ક્સવાદી પક્ષ)ના કદ્દાવર નેતા એ કે ગોપાલન કન્નૂર જિલ્લાના જ હતા. કન્નૂર જિલ્લાના પય્યાનૂરમાં 1963માં જન્મેલા વેણુગોપાલે તેમની રાજકીય સફરની શરૂઆત વિદ્યાર્થી આંદોલનથી કરી હતી.

તેમનો પરિવાર જૂનો કૉંગ્રેસી અને ગાંધીવાદી હતો. તેઓ માત્ર 13 વર્ષના હતા અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે જિંદગીની પહેલી ચૂંટણી લડ્યા હતા. સ્કૂલની એ ચૂંટણીમાં તેમણે સામ્યવાદી પક્ષના વિદ્યાર્થી સંગઠન એસએફઆઈના ઉમેદવારને પડકાર ફેંક્યો હતો.

વેણુગોપાલ કેરળ સ્ટુડન્ટ્સ યુનિયનના અધ્યક્ષ બન્યા હતા અને બાદમાં તેમન કેરળ યુવા કૉંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમણે 1987માં માર્ક્સવાદી પક્ષની સરકાર સામે 10 લાખ નોકરી આપવા માટેના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.

કેરળના રાજકારણમાં કે કરુણાકરન અને એ કે ઍન્ટની કૉંગ્રેસનાં બે મોટાં જૂથ હતાં. કે સી વેણુગોપાલ કરુણાકરન જૂથને વફાદાર હતા. કરુણાકરને તેમને 1991માં કાસરગોડની બેઠક માટે લોકસભાની ટિકિટ અપાવી હતી. એ વખતે તેમની વય માત્ર 28 વર્ષ હતી. તેમણે સારી ટક્કર આપી હતી, પરંતુ મામૂલી અંતરથી ચૂંટણી હારી ગયા હતા.

1995માં તત્કાલીન વડા પ્રધાન અને કૉંગ્રેસ અધ્યક્ષ પી વી નરસિંહ રાવે અર્જુન સિંહને પક્ષમાંથી કાઢી મૂક્યા ત્યારે કરુણાકરન નરસિંહ રાવની પડખે હતા. એ સમયે કે સી વેણુગોપાલે પહેલીવાર કરુણાકરનનો જાહેર વિરોધ કર્યો હતો.

1995ના માર્ચમાં એ કે ઍન્ટની મુખ્ય પ્રધાન બન્યા હતા. ઍન્ટની મુખ્ય પ્રધાન બન્યા પછી રમેશ ચેન્નીથલા, જી કાર્તિકેયન અને એમ આઈ શનાવાસ જેવા નેતાઓએ કેરળ કોંગ્રેસમાં ત્રીજું જૂથ બનાવવાના પ્રયાસ કર્યા હતા.

કે સી વેણુગોપાલ એ ત્રીજા જૂથમાં સામેલ થઈ ગયા હતા. આ લોકો પોતાના સુધારાવાદી જૂથ કહેતા હતા અને તેમના કહેવા મુજબ, તેઓ કેરળ કૉંગ્રેસને કરુણાકરન તથા એન્ટની બન્નેના પ્રભાવમાંથી મુક્ત કરાવવા ઇચ્છતા હતા.

રશીદ કિદવાઈ કહે છે, ઇએક રાજ્ય એકમમાંથી પણ ત્રીજા સ્તરના નેતા માટે રાષ્ટ્રીય સ્તરના રાજકારણમાં પહોંચવું અને એ શક્તિશાળી મહામંત્રી ઉપરાંત પક્ષના સર્વોચ્ચ નેતા રાહુલ ગાંધીના આંખ-કાન બનવું બહુ મોટી સફળતા છે.ઇ

કે સી વેણુગોપાલ 1996માં પહેલીવાર વિધાનસભ્ય બન્યા હતા. તેઓ 2001 અને 2006માં પણ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 2004માં ઓમન ચાંડીની સરકારમાં પહેલીવાર પ્રધાન બન્યા હતા. પછી 2009માં અલ્લાપુઝાથી સંસદસભ્ય બન્યા હતા. 2011માં મનમોહન સિંહની સરકારમાં તેમને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

રાજકીય શિખર તરફ Getty Images

2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની લહેર સામે કૉંગ્રેસને માત્ર 50 બેઠકો મળી ત્યારે તેઓ કેરળના અલાપ્પુઝાથી ફરી વિજેતા બનીને લોકસભામાં પહોંચ્યા હતા અને તેમને પક્ષના વ્હિપ બનાવવામાં આવ્યા હતા.

2017માં અશોક ગહલોતના રાજસ્થાન પાછા મોકલવામાં આવ્યા ત્યારે કે સી વેણુગોપાલની રાજકીય કારકિર્દીમાં અત્યાર સુધીનો સૌથી મહત્ત્વનો વળાંક આવ્યો હતો. રાહુલ ગાંધીએ ગહલોતના સ્થાને કે સી વેણુગોપાલને રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બનાવ્યા હતા.

2019માં તેમણે લોકસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. 2020માં તેઓ રાજસ્થાનથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા, પરંતુ 2024માં તેઓ ફરી એક વખત અલાપ્પુઝાથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.

2019માં કૉંગ્રેસના ગઠબંધનવાળી યુડીએફ કેરળમાં 20માંથી 19 બેઠકો જીતી હતી. અલાપ્પુઝાની એકમાત્ર બેઠક માર્ક્સવાદી પક્ષ જીત્યો હતો. આ બેઠક ફરી જીતવા માટે કેરળ કૉંગ્રેસના તમામ નેતાઓએ કે સી વેણુગોપાલને અહીંથી ફરી ચૂંટણી લડવા અપીલ કરી હતી.

કે સી વેણુગોપાલને ટિકિટ આપવા માટે પક્ષે છેલ્લી ઘડીએ યાદીમાં કેટલાક ફેરફાર કરવા પડ્યા હતા, જેથી તમામ જ્ઞાતિ અને ધર્મના લોકોને પ્રતિનિધિત્વ આપી શકાય.

તેમ છતાં તેમના આ નિર્ણય કેટલાક વર્ગમાં ટીકા થઈ રહી છે. તેઓ લોકસભાની ચૂંટણી જીતશે અને પોતાની રાજ્યસભાની બેઠક છોડશે તો તેમની રાજ્યસભાની સીટ ભારતીય જનતા પાર્ટીને મળી જશે, કારણ કે રાજસ્થાનમાં હાલ ભાજપની સરકાર છે અને આંકડા તેની તરફેણમાં છે.

આ સંબંધે એક સવાલનો જવાબ આપતાં કે સી વેણુગોપાલે મીડિયાને કહ્યું હતું, ઇપક્ષની અગ્રતા લોકસભાની વધુમાં વધુ બેઠકો જીતવાની છે.ઇ

રાહુલ સાથે નિકટતા Getty Images

વરિષ્ઠ પત્રકાર કે સી શાજીના જણાવ્યા મુજબ, કેરળમાં કે સી વેણુગોપાલની ઇમેજ સ્વચ્છ રહી છે અને તેઓ ઓમન ચાંડી સરકારમાં પ્રવાસન પ્રધાન હતા ત્યારે તેમણે ઘણાં સારાં કામ કર્યાં હતાં. એક સંસદસભ્ય તરીકે પણ ગૃહમાં તેમણે સારું કામ કર્યું છે.

કેરળથી દિલ્હી પહોંચીને ગાંધી પરિવાર તથા ખાસ કરીને રાહુલ ગાંધી વિશ્વાસુ બનવામાં તેઓ કેવી રીતે સફળ થયા? આ એક એવો સવાલ છે, જેનો જવાબ બધા જાણવા ઇચ્છે છે.

લાંબા સમયથી કૉંગ્રેસને કવર કરતા અને કેરળમાં રહેતા એક વરિષ્ઠ પત્રકારે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું, "આ બન્ને કેવી રીતે નજીક આવ્યા તે એક રહસ્ય છે અને તેનો સાચો જવાબ માત્ર બે વ્યક્તિ – રાહુલ ગાંધી અને ખુદ કે સી વેણુગોપાલ જ આપી શકે. એ બન્નેમાંથી કોઈ કશું ન કહે ત્યાં સુધી માત્ર અનુમાન જ કરી શકાય."

રશીદ કિદવઈ માને છે કે 2009માં લોકસભામાં પહોંચ્યા પછી કે સી વેણુગોપાલને જે ઘર મળ્યું હતું તે રાહુલ ગાંધીના ઘરની નજીક હતું. બન્ને પાડોશી બની ગયા. બન્ને નેતા ફિટનેસ બાબતે બહુ એલર્ટ રહે છે.

2004માં સંસદસભ્ય બન્યા બાદ રાહુલ ગાંધીએ ગૃહમાં પાછળ બેસવાનો નિર્ણય કર્યો હતો. કે સી વેણુગોપાલ 2009માં ચૂંટણી જીતીને આવ્યા પછી તેમણે પણ ગૃહમાં પાછળ બેસવાનું શરૂ કર્યું હતું. એ કારણે બન્ને વચ્ચે વધારે મુલાકાત થવા લાગી હતી.

રશીદ કિદવઈના જણાવ્યા મુજબ, આ બધી બાબતોએ રાહુલ અને કે સી વેણુગોપાલના એકમેકની નજીક આવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દક્ષિણ ભારતમાંથી પ્રકાશિત થતા સૌથી મોટા અંગ્રેજી અખબારના વરિષ્ઠ મહિલા પત્રકાર પણ સ્વીકારે છે કે દિલ્હીમાં રાહુલ ગાંધી અને કે સી વેણુગોપાલના ઘર નજીક હોવાને કારણે તેમને એકમેકની નજીક આવવાની તક મળી હતી.

કે સી વેણુગોપાલનું એક્સ ફેક્ટર Getty Images

રાહુલ ગાંધી અને કે સી વેણુગોપાલ ભલે ગમે તે કારણથી નજીક આવ્યા હોય, પરંતુ સવાલ એ છે કે કે સી વેણુગોપાલમાં એવું તે શું છે કે રાહુલ ગાંધી તેમને આટલા પસંદ કરે છે અને તેમના પર આટલો ભરોસો કરે છે?

કે એ શાજી કહે છે, "ગાંધી પરિવાર પ્રત્યેની વફાદારી કે સી વેણુગોપાલની સૌથી મોટી તાકાત છે. ગાંધી પરિવારને તેમની વફાદારી પર સંપૂર્ણ ભરોસો છે. કે સી વેણુગોપાલ તેમના નેતા રાહુલ ગાંધીને સંપૂર્ણપણે અનુસરે છે. તેમાં કોઈ પણ પ્રકારની શંકા નથી."

"કે સી વેણુગોપાલને ખબર છે કે એક પરિવારનો દબદબો ધરાવતા કૉંગ્રેસ પક્ષમાં વફાદારીનું મહત્ત્વ શું છે. આવી વફાદારીને કાણે તમારે ઘણીવાર તમારા સર્વોચ્ચ નેતા માટે કવચનું કામ કરવું પડે છે અને તમારા નેતાને નિશાન બનાવીને વિરોધીઓ દ્વારા છોડવામાં આવેલાં તીર પોતાના શરીર પર ઝીલવાં પડે છે. કૉંગ્રેસ પાર્ટીને કવર કરતા લોકોના જણાવ્યા અનુસાર, કે સી વેણુગોપાલે ઘણીવાર આવું કર્યું છે."

દક્ષિણ ભારતનાં વરિષ્ઠ મહિલા પત્રકાર કહે છે, "કે સી વેણુગોપાલ ન હોત તો પોતે સંસદમાં પહોંચી શક્યા ન હોત, એવું રાહુલ ગાંધીને લાગે છે. મોટા ભાગના પત્રકારોની માફક તેઓ પણ માને છે કે વેણુગોપાલે જ રાહુલ ગાંધીને 2019માં કેરળના વાયનાડથી ચૂંટણી લડવા તૈયાર કર્યા હતા, કારણ કે રાહુલ ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી ચૂંટણી હારી જશે, તેવો અંદાજ તેમને આવી ગયો હતો."

પરિણામ આવ્યા બાદ થયું પણ એવું જ. રાહુલ ગાંધી અમેઠીથી હારી ગયા હતા અને વાયનાડથી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા.

તેમના જણાવ્યા મુજબ, કે સી વેણુગોપાલ નવા આઇડિયાઝવાળી વ્યક્તિ છે અને તેઓ અકબર રોડ (કૉંગ્રેસ હેડક્વાર્ટર)ની અત્યંત નજીકના લોકોની ટોળકીમાં સામેલ નથી. કેટલાક લોકો કહે છે કે વેણુગોપાલની નિમણૂંક મારફત રાહુલ ગાંધી અહમદ પટેલને પણ એક મૅસેજ આપવા ઇચ્છતા હતા.

તેઓ રાહુલના અહમદ પટેલ છે? Getty Images

કે સી વેણુગોપાલની એક ખૂબીનો ઉલ્લેખ કરતાં તેઓ જણાવે છે કે કોંગ્રેસ એક એવો પક્ષ છે કે જેના વિશેના સત્તાવાર સમાચાર બહાર આવતાં પહેલાં બધાને ખબર પડી જાય છે. જોકે, વેણુગોપાલ સંગઠન મહામંત્રી બન્યા પછી પત્રકારો તો દૂર, પક્ષના સંસદસભ્યો અને વિધાનસભ્યોને પણ સમાચારની, તેની સત્તાવાર જાહેરાત થાય એ પહેલાં ખબર પડતી નથી.

રાહુલ ગાંધી સાથેની વેણુગોપાલની નિકટતાનો એક દાખલો આપતાં તેઓ જણાવે છે કે લોકસભાનું સત્ર ચાલી રહ્યું હતું અને રાહુલ ગાંધી કેરળના એક આયુર્વેદિક સેન્ટરમાં કોઈ ઉપચાર માટે ગયા ત્યારે પણ કે સી વેણુગોપાલ તેમની સાથે હતા.

કેરળમાં રહેતા એક વરિષ્ઠ પત્રકારના કહેવા મુજબ, "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ભાજપ, કૉંગ્રેસના ભવિષ્ય અને વૈચારિક પ્રતિબદ્ધતા બાબતે રાહુલ ગાંધીના વિચારો સાથે કે સી વેણુગોપાલ સંપૂર્ણપણે સહમત હોય તેવું લાગે છે. વેણુગોપાલ એક પાક્કા કોંગ્રેસી અને ગાંધીવાદી છે. પાછલા કેટલાક વર્ષોમાં રાહુલ ગાંધીની નજીકના લોકોએ કોંગ્રેસ છોડીને ભાજપની ચાળ પકડી છે ત્યારે કે સી વેણુગોપાલની કટ્ટર કોંગ્રેસી વિચારધારા તેમને રાહુલ ગાંધીની વધારે નજીક લાવે છે."

અનેક રાજકીય વિશ્લેષકો માને છે કે સોનિયા ગાંધી માટે અહમદ પટેલનું જે સ્થાન હતું તે રાહુલ ગાંધી માટે કે સી વેણુગોપાલનું છે. નરસિંહ રાવ વડા પ્રધાન હતા ત્યારે તેઓ સોનિયા ગાંધી સાથે કોઈ પણ પ્રકારની વાતચીત માટે અહમદ પટેલનો સહારો લેતા હતા.

કે સી વેણુગોપાલને કૉંગ્રેસના વર્તમાન અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે બહુ સારો સંબંધ છે અને એ કારણે રાહુલ ગાંધી તથા કૉંગ્રેસ અધ્યક્ષ વચ્ચે બહેતર સંકલન સાધવામાં વેણુગોપાલ મદદરૂપ સાબિત થતા હોવાનું પણ માનવામાં આવે છે.

કેરળના એક વરિષ્ઠ પત્રકારના જણાવ્યા મુજબ, અહમદ પટેલ અને કે સી વેણુગોપાલની કાર્યપદ્ધતિમાં પણ ફરક છે.

તેમના કહેવા મુજબ, અહમદ પટેલે કોઈ કામ કરાવવું હોય તો તેઓ ઘણીવાર સોનિયા ગાંધીનું નામ લેતા હતા, પરંતુ કે સી વેણુગોપાલે કોઈ કામ કરાવવું હોય તો તેઓ રાહુલ ગાંધીનું નામ ક્યારેય લેતા નથી.

રશીદ કિદવઈના જણાવ્યા મુજબ, "બન્નેની સરખામણી યોગ્ય નથી. સૌથી મોટો ફરક તો એ છે કે અહમદ પટેલ બાબતે જેટલી વાતો કરવામાં આવે છે એ વાતો કેન્દ્રમાં કૉંગ્રેસની સરકારના સમયની (2004-2014) છે. બીજી તરફ કે સી વેણુગોપાલ એ સમયથી રાહુલ ગાંધીની સાથે છે, જ્યારે કૉંગ્રેસ વિરોધ પક્ષમાં છે એટલું જ નહીં, પરંતુ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં 50 બેઠકો સુધી મર્યાદિત થઈ ગઈ છે."

વેણુગોપાલ અને વિવાદ

રશીદ કિદવઈના જણાવ્યા અનુસાર, રાજકીય સૂઝબૂઝ, ફંડ જમા કરવાની અને અન્ય પક્ષો સાથે તાલમેલની બાબતમાં અહમદ પટેલની સરખામણી બીજા કોઈ સાથે કરી શકાય નહીં.

રશીદ કિદવઈ કહે છે, "અહમદ પટેલ બધાની વાતો સાંભળતા હતા અને તેમાં પોતાનું કશું ઉમેર્યા વગર એ વાત સોનિયા ગાંધી સુધી પહોંચાડતા હતા. બીજી તરફ કે સી વેણુગોપાલ પર એવો આરોપ છે કે તેઓ પક્ષના નેતાઓ તથા કાર્યકરોનો સાચો ફીડબેક રાહુલ ગાંધી સુધી પહોંચાડતા નથી."

"અહમદ પટેલ કૉંગ્રેસના જિલ્લા સ્તરના કાર્યકરોને પણ તેમના પ્રથમ નામથી જાણતા હતા, જ્યારે કે સી વેણુગોપાલ હિંદી હાર્ટલૅન્ડના રાજકારણ વિશે થોડું ઓછું જાણે છે."

રશીદ કિદવઈના કહેવા મુજબ,"કે સી વેણુગોપાલનું કદ એટલું મોટું નથી કે તેઓ દિલ્હીમાં કોઈ નિર્ણય જાતે કરી શકે. તેથી તેઓ રણદીપ સુરજેવાલાની ગુણાકાર-ભાગાકારની ક્ષમતા અને જયરામ રમેશની બૌદ્ધિક ક્ષમતા પર મહદ્અંશે નિર્ભર હોય છે."

કે સી વેણુગોપાલનું નામ ક્યારેય વિવાદમાં ન આવ્યું હોય તેવું નથી. કેરળ સોલર કૌભાંડમાં પણ તેમનું નામ આવ્યું હતું અને 2018માં યૌન ઉત્પીડનના એક કેસમાં ક્રાઇમ બ્રાંચે તેમની સામે કેસ પણ નોંધ્યો હતો. આવા આરોપો હોવા છતાં કે સી વેણુગોપાલના કૉંગ્રેસમાં વધતા કદમાં કોઈ અડચણ આવી નથી.

એ કેસમાં સીબીઆઈએ તેમને ક્લિન ચિટ આપી હતી અને અદાલતે પણ તેના પર મહોર મારી હતી.

થોડા મહિના પહેલા મીડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે કૉંગ્રેસમાંનું એક જૂથ કે સી વેણુગોપાલને તેમના પદ પરથી હટાવવાના પ્રયાસ કરી રહ્યું છે.

દક્ષિણ ભારતમાંથી પ્રકાશિત થતા એક અખબારના વરિષ્ઠ પત્રકારના જણાવ્યા અનુસાર, "કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતા અને સંસદસભ્યએ તેમને કહેલું કે અમે લોકો લગભગ 20 વર્ષ સુધી અહમદ પટેલની ફરિયાદ કરતા રહ્યા, પરંતુ કશું થયું નહીં, કારણ કે તેમને સોનિયા ગાંધીનો સંપૂર્ણ ટેકો હતો. કે સી વેણુગોપાલના કિસ્સામાં પણ એવું જ છે. તેમને રાહુલ ગાંધીનો સંપૂર્ણ ટેકો છે."