Hero Image

છત્તીસગઢના કાંકેરમાં થયેલા ઍન્કાઉન્ટરમાં 29 માઓવાદીઓનાં મૃત્યુ પછી સૌથી મોટી આશંકા શું છે?: ગ્રાઉન્ડ રિપોર્ટ

SALMAN RAVI/BBC બસ્તરના જંગલમા એક સુરક્ષાકર્મી

છત્તીસગઢના માઓવાદથી અસરગ્રસ્ત વિસ્તાર કાંકેરમાં 26 એપ્રિલે મતદાન યોજાશે.

કાંકેરની નજીકના જિલ્લા બસ્તરમાં 19 તારીખે પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું. આ મતદાન પહેલાં 16 એપ્રિલે કાંકેરના જિલ્લા મુખ્યાલયથી લગભગ 160 કિલોમીટર દૂર આવેલા આપટોલા-કલપરના જંગલના વિસ્તારોમાં સુરક્ષા દળોએ કરેલા ઍન્કાઉન્ટરમાં 29 માઓવાદીઓનાં મોત થયાં હતાં.

પોલીસતંત્ર આ ઍન્કાઉન્ટરને એક મોટી સફળતા ગણાવી રહ્યું છે.

માઓવાદીઓએ એક પ્રેસ રિલીઝ આ ઘટનાની 48 કલાકની અંદર જાહેર કરી હતી. તેમણે પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, "અમારા સાથીઓએ જંગલ વિસ્તારમાં આશ્રય લીધો હતો અને તેમને ઘેરીને મારી નાખવામાં આવ્યા છે".

કાંકેરના પોલીસ અધિકારી કલ્યાણ અલેસેલાએ બીબીસી હિન્દીને જણાવ્યું, "બસ્તરની લોકસભા બેઠક પર 19 એપ્રિલે મતદાન થવાનું હતું. અમને 15 એપ્રિલે મોટા નક્સલી દળ એકઠું થશે તે વિશે ચોક્કસ જાણકારી હતી."

"આ વિસ્તાર બસ્તર અને કાંકેર બન્નેની નજીક છે. આ વિસ્તારમાં 60થી 70 માઓવાદીઓ હતા અને તેમના મોટા કમાન્ડર પણ હાજર હતા. અમે વિસ્તારને ઘેરી લીધો અને ઍન્કાઉન્ટર થયું."

ચૂંટણી પહેલાં મૌન SALMAN RAVI/BBC કાંકેરના પોલીસ અધિકારી કલ્યાણ અલેસેલા

માઓવાદીઓએ પોતાના નિવેદનમાં સુરક્ષા દળો પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે "પોલીસના હુમલામાં અમારા 12 સાથીઓની ગોળી લાગવાથી મૃત્યુ થયું. પોલીસે બાકીના 17 સાથીઓને ઘાયલ સ્થિતિમાં અથવા જીવતા પકડીને નિર્દયતાથી હત્યા કરી નાખી".

જોકે, બસ્તર રેન્જના આઈજી પોલીસ સુંદરરાજ પીએ આ આરોપોને નકાર્યા અને કહ્યું કે માઓવાદીઓ આ પ્રકારના દાવાઓ માત્ર સહાનુભૂતિ મેળવવા માટે કરી રહ્યા છે. આ તેમના પ્રોપગેન્ડાનો ભાગ છે.

આ કથિત ઍન્કાઉન્ટરમાં શંકર રાવ અને તેમનાં પત્ની રીતા ડિવિઝનલ કમેટી રેન્કના માઓવાદીઓ હતા.

શંકર પર 25 લાખ અને રીતા પર 10 લાખ રૂપિયાનું ઇનામ હતું.

કાંકેરમાં 26 એપ્રિલે મતદાન થશે. માઓવાદીઓએ પહેલાં જ ચૂંટણીને બહિષ્કૃત કરવાની અપીલ કરી હતી. જોકે, માઓવાદીઓએ ચૂંટણીના એક દિવસ પહેલાં બંધનું એલાન કર્યું છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ને આ ઍન્કાઉન્ટરને "હત્યા કાંડ" ગણાવતા 25 એપ્રિલે નારાયણપુર, કાંકેર, મોહલા-માનપુરમાં બંઘને સફળ બનાવવા માટે આહ્વાન કર્યું છે.

આ સમયે સુરક્ષા દળોના જવાનની નજર અને રસ્તાઓ પર મૌન કેટલીક રીતે ડરામણું છે.

આ કથિત ઍન્કાઉન્ટરમાં જે રીતે માઓવાદીઓના મોટા લીડરોનાં મૃત્યુ થયાં હતાં. પોલીસતંત્રને શંકા છે કે તેનો બદલો લેવા માટે માઓવાદીઓ હુમલો કરી શકે છે.

નક્સલ શબ્દનો જન્મ પશ્ચિમ બંગાળની નાનકડા ગામ નક્સલબાડીમાં થયો હતો. નક્સલબાડીમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા ચારૂ મજૂમદાર અને કાનૂ સાન્યાલે 1967માં સત્તા અને સરકારની વિરુદ્ધ એક સશસ્ત્ર આંદોલન શરૂ કર્યું હતું.

વર્ષ 2006માં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે માઓવાદી હિંસાને દેશની આંતરિક સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો. ત્યાર પછી ઑપરેશન ગ્રીન હંટની શરૂઆત થઈ હતી.

વર્ષ 2009માં ગૃહમંત્રી પી. ચિદંબરમે સંસદમાં જણાવ્યું કે માઓવાદીઓથી અસરગ્રસ્ત જિલ્લાની સંખ્યા 223 હતી. જોકે, તેમની અસર મુખ્યરૂપે દેશના દસ રાજ્યના લગભગ 75 જિલ્લાઓમાં માનવામાં આવે છે.

કઈ વાતની શંકા છે? ANI

યૂપીએ સરકાર દરમિયાન માઓવાદીઓ વિરુદ્ધ સશસ્ત્ર અભિયાન શરૂ થયું હતું. એનડીએ સરકારનાં છેલ્લાં દસ વર્ષના કાર્યકાળ દરમિયાન પણ આ અભિયાન ચાલુ રહ્યું.

બસ્તર રેન્જના આઈજી પી, સુંદરરાજે કહ્યું, "બસ્તર રેન્જમાં છેલ્લા ત્રણ કે સાડા ત્રણ મહિનામાં પોલીસ સાથેના ઍન્કાઉન્ટરમાં 79 માઓવાદીઓ માર્યા ગયા હતા. ઘણાં હથિયારો પણ જપ્ત કર્યાં. માઓવાદીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ કારણે તેમની ઇકોસિસ્ટમ પર અસર પડી છે."

માઓવાદી હુમલાના અગાઉના કિસ્સાઓ જોતા એવી આશંકા છે કે માઓવાદીઓ તેમની તાકાત દર્શાવવા માટે પણ હુમલો કરી શકે છે.

જોકે, બીજી એક શંકા છે કે સુરક્ષા દળના જવાનો માઓવાદીઓના અન્ય કોઈ જૂથને પોતાનો નિશાનો બનાવી ન લે.

આ કારણે જ રસ્તાઓ પર મૌનની સાથે ભય પણ ફેલાયેલો છે. 16 એપ્રિલે જે સ્થળ પર ઍન્કાઉન્ટર થયું તેની સૌથી નજીકનું ગામ છે છોટે બેઠિયા. આ ગામની કોઈ પણ વ્યક્તિ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની શંકાને કારણે કૅમેરા પર કંઈ પણ બોલવા માટે તૈયાર નથી.

દિવસભરની મહેનત કર્યા પછી પોતાના અને પોતાના પરિવારના ભરણપોષણની ચિંતા. આ ઉપરાંત દાયકાઓથી માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અટવાયેલા આ લોકોનાં જીવનમાં મુશ્કેલી અને દુર્ભાગ્યનો ડર કાયમી સાથી બની ગયો છે.

છોટે બેઠિયા ગામના લોકોને રાહત છે કે આ અથડામણમાં કોઈ ગ્રામીણ મૃત્યુ પામ્યો નથી. જોકે, તેમને ખાતરી નથી કે આ રાહત કેટલો સમય રહેશે. કેન્દ્રીય સુરક્ષા દળો કે રાજ્ય સરકાર તેમને શાંતિની ખાતરી આપી શકી નથી.

આ વિસ્તારના સામાન્ય આદિવાસીઓના જીવનમાં કોઈ પણ દિવસ તેમનો પરિવારો બરબાદ થઈ શકે છે. આ વિનાશ કોઈ પણ સ્વરૂપે આવી શકે છે. તેઓ ઘરની બહાર નીકળો અને ક્રૉસ ફાયરિંગનો ભોગ બની શકે. સુરક્ષા દળો અથવા માઓવાદીઓ તેમને ગોળી મારી શકે. તેમને બાતમીદાર હોવાના આરોપમાં માઓવાદીઓ દ્વારા નિશાન બનાવી શકાય અથવા તો માઓવાદી હોવાની શંકામાં પોલીસ તેની હત્યા કરી શકે છે.

નિર્દોષ પરિવારોની પીડા SALMAN RAVI/BBC સૂરજવતી હિડકો

છત્તીસગઢના માનવ અધિકાર માટે કામ કરતા કાર્યકર્તાઓનો આ જ કારણે આરોપ છે કે માઓવાદીઓ પર લગામ લગાવવાની આ લડાઈને કારણે સામાન્ય આદિવાસીઓનું જીવન દાવ પર લાગે છે.

જ્યારે જીવન દાવ પર લાગ્યું હોય તો લોકતંત્રના મહાપર્વને લઈને પણ કોઈ ખાસ ઉત્સાહ જોવા મળતો નથી. જોકે, સારી વાત એ છે કે સામાન્ય આદિવાસી મતદારને પોતાના મતાધિકારનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી છે.

બસ્તરમાં 19 એપ્રિલે થયેલા મતદાનમાં લગભગ 68 ટકા લોકોએ ભાગ લીધો હતો. કાંકેરમાં પણ સારું મતદાન થશે તેવી આશા છે.

જોકે, આ લડાઈની અસર સામાન્ય આદિવાસીઓ પર કેટલી થઈ રહી છે?

છત્તીસગઢમાં માઓવાદીની સૌથી વધારે પકડ છે તે અબૂઝમાડની બૉર્ડર પર આવેલું પેવારી ગામ છે. કાંકેર જિલ્લા મુખ્યાલયથી 100 કિલોમીટર દૂર ગાઢ જંગલમાં આવેલા આ ગામમાં સૂરજવતી હિડકોનું પણ ઘર છે.

બીબીસી હિન્દીની ટીમ જ્યારે તેમના ઘરે પહોંચી તો ચહેરાઓ પર મૌન અને નિરાશા જ જોવા મળી હતી. સૂરજવતી અનિલ હિડકોનાં વૃદ્ધ માતા છે.

સૂરજવતી ફળિયામાં એક ખૂણે બેસીને પોતાના આંસુઓ લૂછી રહ્યાં છે. પરિવારમાં બે મહિના પહેલાં કમાવનારો દીકરો, વહુ, પૌત્ર અને પૌત્રી હતી. જોકે, તેમની દુનિયા 24 ફેબ્રુઆરી, 2024એ ઊજડી ગઈ હતી.

તેમણે જણાવ્યું કે 28 વર્ષનો અનિલ હંમેશાંની જેમ 15 કિલોમીટર દૂર જંગલમાં તેંદૂના પાંદડાઓને બાંધવા માટે દોરીની વ્યવસ્થા કરવા માટે ગયો હતો.

સૂરજવતીએ કહ્યું, "ગામના લોકોએ તેના પછીના દિવસે એટલે કે 25 ફેબ્રુઆરીની સાંજે ખબર આપી કે તેમના દીકરાનું પોલીસ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. આ ઍન્કાઉન્ટર મરદા ગામની પહાડી પર થયું હતું."

"કોઈ નથી જણાવી રહ્યું કે શું થયું, મારા દીકરાને રાત્રે 11 વાગ્યે દફનાવવામાં આવ્યા હતા. અમને તેમનો મૃતદેહ ખૂબ જ મોડો મળ્યો. અમે આ મૃતદેહની ગંધને કારણે ઘરમાં ન રાખી શક્યા અને પરિવારના લોકો પણ તેમનો ચહેરો જોઈ ન શક્યા."

અનિલનાં પત્ની સૂરજા હિડકો પોતાના બાળકને ખોળામાં લઈને બેઠાં હતાં અને તેમની હાલત પણ ખરાબ હતી. તેમને ઘણા સમય પછી વાત કરવાની શરૂઆત કરી. તેમની ચિંતા હતી કે કોઈ પણ આવક વગર વૃદ્ધ સાસુ અને સસરાની સાથે બે નાનાં બાળકોને લઈને તેઓ આખું જીવન કેવી રીતે પસાર કરશે.

તેમણે કહ્યું,"મારાં બાળકો નાનાં છે. તેમનું ભરણ પોષણ કરનાર કોઈ નથી. સાસુ અને સસરાની કામ કરવાની ઉંમર નથી. પરિવારમાં મારા પતિ જ માત્ર કમાતા હતા. હવે જણાવો હું શું કરું? તેઓ જંગલમાં દોરીનો સામાન લેવા માટે ગયા હતા. તેમને મારી નાખ્યા."

નકલી ઍન્કાઉન્ટરનો આરોપ

જે ઍન્કાઉન્ટરમાં અનિલના મૃત્યુની વાત કરવામાં આવી રહી છે તે 25 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ તેના વિશે દાવો કર્યો કે પેવારી ગામથી 25 કિલોમીટર દૂર મરદા ગામની પાસે આવેલા પહાડોમાં ઍન્કાઉન્ટર થયું, જેમાં ત્રણ માઓવાદીઓનું મૃત્યુ થયું.

જોકે, પેવારી ગામના મુખિયા મંગલૂ રામનો દાવો છે કે અનિલ તેમની પાસે ટ્રૅક્ટર ચલાવાની નોકરી કરતા હતા.

આ ઘટના પછી ગામના બધા લોકોએ કાંકેરના જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીને એક મેમોરેન્ડમ પણ આપ્યું છે. તેમણે આ મેમોરેન્ડમ થકી જણાવ્યું કે અનિલ માઓવાદીઓ ન હતા અને તેમનો આ પ્રકારના કોઈ સંગઠન સાથે કોઈ સંપર્ક પણ ન હતો.

મંગલૂ રામે કહ્યું, "તેઓ મારા ઘરના માણસ હતા. ગામનો છોકરો હતો જે મહેનત અને મજૂરી કરતો હતો. તે રોજગાર ગેરેન્ટી યોજના હેઠળ મજૂરી કરતો હતો. તેમની પાસે તેનું કાર્ડ પણ છે. આ ઉપરાંત તેમનું આધાર કાર્ડ, પૅન કાર્ડની સાથે આયુષ્માન કાર્ડ પણ છે. તેઓ જ રાશન લેવા પણ જતા હતા."

"દર મહિને રાશન લીધા પછી રાશન કાર્ડ અને રજિસ્ટર પર તેમની જ સહી છે. તેઓ તો જંગલમાં માત્ર તેંદૂના પાંદડાને બાંધવા માટે દોરી બનાવવાનો સામાન એકઠો કરવા માટે ગયો હતો."

"તેઓ હંમેશાં જંગલમાં જતા હતા. અમને જણાવ્યું કે ઍન્કાઉન્ટર થયું હતું. તેમને ગોળી મારી દેવામાં આવી. તેઓ જંગલના માણસ (માઓવાદી) ન હતા, સામાન્ય માણસ હતા. અનિલ મારું ટ્રૅકટર પણ ચલાવતા."

બસ્તર રેન્જના પોલીસ અધિકારી પી સુંદરરાજે સ્વીકાર્યું કે આ પ્રકારના ઍન્કાઉન્ટર દરમિયાન શક્યતાઓ હોય છે કે સામાન્ય માણસ પણ તેનો શિકાર બની શકે.

તેમણે દાવો કર્યો કે આ પ્રકારની સ્થિતિમાં સ્વતંત્ર તપાસ કરવામાં આવે છે અને પીડિતોના પરિવારોને વળતર પણ આપવામાં આવે છે.

25 ફેબ્રુઆરીએ થયેલા આ મોત વિશે તેમણે કહ્યું કે આ પરિવારો તરફથી ફરિયાદો મળી છે અને તેની તપાસ ચાલી રહી છે.

પી. સુંદરરાજે આવા મામલાઓ વિશે કહ્યું, "માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે જ્યારે ઍન્કાઉન્ટર થાય છે અને કોઈ નિર્દોષ ગ્રામીણોને નુકશાન થાય તો તે હકીકતનો અમે સ્વીકાર કરીએ છીએ. તેમને મળવા પાત્ર વળતર તેમના આશ્રિતોને આપવામાં આવે છે."

નિર્દોષ ગ્રામીણોનાં મૃત્યુ પર આશ્રિત પરિવારોને પાંચ લાખ રૂપિયા અને ઈજા થવાની ઘટનામાં એક લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે.

જોકે, મુખ્ય પ્રશ્ન એ છે કે શું આ વળતર સૂરજવતી કે સૂરજની દુનિયામાં રોનક પાછી આવશે? શું આ વળતર મરદા ગામના ખાસપાડામાં રહેતાં સોમારીબાઈ નેગીના પરિવારની ખુશી ફરીથી લાવી શકે છે?

આ આખો પરિવાર દુ:ખી છે. તેમના પુત્ર રામેશ્વર નેગી 25 ફેબ્રુઆરીએ થયેલા ઍન્કાઉન્ટરમાં મૃત્યુ પામ્યા હતા. તેમના પરિવારે પણ સરકારને આવેદન કરીને આરોપ લગાવ્યો છે કે આ નકલી ઍન્કાઉન્ટર હતું.

ભયનું વાતાવરણ કેમ છે?

કાંકેરમાં થયેલા ઍન્કાઉન્ટરથી 25 કિલોમીટર દૂર રહેતા ગ્રામીણ રહેવાસી કૈલાશ કુમાર અને તેમની આસપાસના ઘરમાં રહેતા લોકો સવાલ ઉઠાવે છે કે જો 25 ફેબ્રુઆરીએ થયેલી ઘટના ઍન્કાઉન્ટર હતી તો સુરક્ષા દળના જવાનોને કેમ કંઈ આંચ ન આવી?

ગામના લોકોએ કહ્યું, "પોલીસ દાવો કરી રહી છે કે એક દેશી બંદૂક પણ જપ્ત કરવામાં આવી છે પણ આખા ગામમાં કોઈની પાસે હથિયાર જ નથી."

દંતેવાડામાં રહેતા માનવાધિકાર કાર્યકર્તા અને વકીલ બેલા ભાટિયાએ બીબીસી હિન્દીને જણાવ્યું, "કેટલાક એવા મામલાઓ સામે આવ્યા, જેમાં ઍન્કાઉન્ટર થયા અને કેટલાક લોકોનાં મોત થયાં. કેટલાક મામલામાં બે અથવા ત્રણ માઓવાદીઓની ઓળખાણ થઈ હતી."

"જ્યારે કેટલાક લોકો એવા હતા જેને માઓવાદ સાથે જોડાયેલા ન હતા. નિર્દોષ લોકો જે ક્રૉસ ફાયરિંગમાં મૃત્યુ પામે છે તો તેમના પક્ષમાં અવાજ ઉઠાવનાર કોઈ નથી. ન માઓવાદી કે ન કોઈ સંસ્થા. આ જ કારણે ભયનું વાતાવરણ છે."

છત્તીસગઢા પૂર્વ મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે પણ 25 ફેબ્રુઆરીએ થયેલા ઍન્કાઉન્ટર વિશે સવાલો ઉઠાવ્યા હતા.

આ મહિનાની મોટી ઘટના પછી ફરીથી સવાલો ઊઠ્યા છે કે જો માઓવાદીઓ નબળા પડી ગયા છે અને પીછેહઠ કરી રહ્યા છે તો આટલી મોટી સંખ્યામાં તેઓ કેવી રીતે હુમલો કરવાના હતા.

આ ઘટના પછી પોલીસતંત્રએ મીડિયાને જાણકારી આપી હતી. આ જાણકારી પ્રમાણે ઘટના સ્થળ પરથી એલએમસી, એનસાસ, કાર્બાઇન અને એક એકે-47 જેવાં હથિયારો જપ્ત કરવામાં આવ્યાં હતાં.

સવાલ એ પણ છે કે માર્યા ગયેલા માઓવાદીઓ પાસે એકદમ આધુનિક હથિયારો કેવી રીતે પહોંચ્યાં?

આ સવાલો પર પી. સુંદરરાજને દાવો કર્યો, "માઓવાદીએ સુરક્ષા દળો ઉપર પણ હુમલાઓ કર્યા છે. અને છેલ્લાં વર્ષોમાં શસ્ત્રાગાર પણ લુંટાયા હતા. તેમની પાસે કેટલાક હથિયારો આ રીતે પણ આવે છે. આ ઉપરાંત તેઓ દેશી રીતે હથિયાર બનાવે પણ છે. તેઓ વિસ્ફોટકો પણ બનાવે છે. આ વિસ્ફોટકોને કારણે સુરક્ષા દળોએ મોટું નુકસાન વેઠવું પડે છે."

બંદૂકથી કોઈ ઉકેલ નહીં નીકળે SALMAN RAVI/BBC કૈલાશ કુમાર

સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચેની આ લડાઈમાં ફસાયેલા સ્થાનિક લોકોને પોતાના ભવિષ્યને લઈને કોઈ આશાઓ નથી.

છત્તીસગઢમાં ભાજપ સરકારમાં આવ્યા પછી માઓવાદીઓ વિરુદ્ધના અભિયાનમાં તેજી આવી છે.

જોકે, રાજ્ય સરકારે 16 એપ્રિલના ઍન્કાઉન્ટર પછી માઓવાદીઓ સાથે વાતચીત માટે આહવાન કર્યું છે.

રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રી વિજય શર્માએ પત્રકારો સાથેની વાતચીત કરી હતી. તેમણે વાતચીતમાં કહ્યું, "હિંસાથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ નહીં આવે એટલે જ સરકાર માઓવાદીઓ સાથે વાતચીત માટે તૈયાર છે."

તેમણે કહ્યું, "વિકાસ પણ બંદૂકના જોરે થઈ શકતો નથી, તેથી સંવાદનો માર્ગ અપનાવવો વધુ સારું રહેશે."

જોકે, બસ્તરના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દાયકાઓથી માઓવાદી અને પોલીસ વચ્ચે માત્ર સંઘર્ષ જ થયો છે, વાતચીત નહીં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

Twitter પર બીબીસી ગુજરાતીને ફૉલો કરવા અહીં ક્લિક કરો.