Hero Image

આસામ-મણિપુરમાં જોવા મળતો આ દુર્લભ સાપ 2000 કિલોમીટરનું અંતર કાપીને સુરત કેવી રીતે પહોંચ્યો?

DIKANSH PARMAR ભારતના ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં જોવા મળતો સાપ 'ઇસ્ટર્ન બ્રોન્ઝબૅક ટ્રી સ્નેક' સુરતમાં દેખાયો

આજથી લગભગ દસ વર્ષ પહેલાં જ્યારે સુરતમાં એક ભાગ્યે જ જોવા મળે તેવો દુર્લભ સાપ દેખાયો ત્યારે વન્યપ્રાણી પ્રેમીઓ, પ્રાણી કર્મશીલો અને અભ્યાસુઓને લાગ્યું કે ગુજરાતમાં એક નવી પ્રજાતિનો સાપ મળી આવ્યો છે. આ વાત સાચી પણ હતી અને ખોટી પણ હતી.

સાચી એટલા માટે કારણકે આવો સાપ આ પહેલાં ગુજરાતમાં જોવા નહોતો મળ્યો.

ખોટી એટલા માટે કે આ સાપની કોઈ નવી પ્રજાતિ નહોતી.

2015થી અત્યારસુધી આવા સાત સાપ સુરતની આસપાસના વિસ્તારોમાંથી મળી આવ્યા છે.

આ પ્રકારના સાપ ભારતનાં ઉત્તરપૂર્વનાં રાજ્યોમાં કે પછી બાંગ્લાદેશ, મ્યાંમાર, ચીન, લાઓસ અને વિયેતનામમાં જ જોવા મળે છે. ભારતમાં આ સાપ દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલૅન્ડ, મેઘાલય, મિઝોરમ અને આસામમાં જોવા મળે છે.

સાપ પર સંશોધન કરનારાઓને નવાઈ લાગી કે આ પ્રકારના સાપ સુરતમાં આવ્યો કઈ રીતે?

આ સાપ ખુબ જ દુર્લભ છે તેથી તેના પર સંશોધન શરૂ થયું.

આ સાપની મોર્ફોલૉજી, મોર્ફોમેટ્રિક્સ અને વિતરણ નકશા તથા તે ક્યાં મળે છે અને તેની પ્રજાતિના ડીએનએ પર સંશોધન કર્યું.

તેમની એક એક લાક્ષણિકતાને મૅચ કરીને સંશોધન કરવામાં આવ્યું. આ સંશોધન કરનારા સંશોધકોનો દાવો છે કે તેમને જાણવા મળ્યું કે સુરતમાંથી મળેલો આ સાપ દુર્લભ છે અને અહીં જોવા નથી મળતો.

હાલમાં જ ન્યૂઝીલૅન્ડની ઝૂટાક્સા જર્નલમાં આ સંશોધન પ્રકાશિત થયું છે. આ સાપ પર સંશોધન કરનારા કહે છે કે આ ઝૂટાક્સા જર્નલમાં આ પ્રકારનું સંશોધન પ્રકાશિત થવું એ ગૌરવની વાત છે.

આ સાપ કેવો દેખાય છે? DIKANSH PARMAR ઇસ્ટર્ન બ્રૉન્ઝબૅક ટ્રી સ્નેકની લંબાઈ 1150 મિલિમીટર હોય છે

આ સાપને ઇસ્ટર્ન બ્રોન્ઝબેક ટ્રી સ્નેક કહે છે. જેનું વૈજ્ઞાનિક નામ ડેન્ડ્રેલાફિસ પ્રોઆર્કોસ છે. આ સાપ બ્રૉન્ઝબૅક પ્રજાતિનો સાપ છે.

તેઓ બિનઝેરી છે અને મનુષ્યો માટે હાનિકારક નથી.

બ્રૉન્ઝબૅકની 11 જેટલી વિવિધ પ્રજાતિ ભારતમાં મળી આવે છે.

તેની પીઠનો રંગ તાંબા જેવો હોય છે. તેથી તેને ગુજરાતીમાં તામ્રપીઠ સાપ કહેવાય છે.

તેની મહત્તમ લંબાઈ 1150 મિલિમીટર હોય છે. તેનું માથું પોઇન્ટેડ હોય છે. તે સામાન્યરીતે ઝાડ કે પછી ઝાડીમાં રહેવાનું પસંદ કરે છે.

આમ તો બ્રૉન્ઝબૅક પ્રજાતિનો સાપ ગુજરાતમાં મળી આવે છે પણ તેને કૉમન બ્રૉન્ઝબૅક ટ્રી સ્નેક કહેવામાં આવે છે. જેનું વૈજ્ઞાનિક નામ ડેન્ડ્રેલાફિસ ટ્રિસ્તિસ છે. પણ ઇસ્ટર્ન બ્રૉન્ઝબૅક ટ્રી સ્નેક ગુજરાતમાં જોવા મળતો નથી.

આ બિનઝેરી સાપ છે. પણ ગુજરાતમાં ન જોવા મળતો આ સાપ છેલ્લાં દસ વર્ષમાં સુરતની આસપાસ દેખાતા સાપના સંશોધકોમાં કુતૂહલ પેદા થયું.

સુરતની આસપાસ મળી આવેલા તેના સાત નમુનાને શોધવામાં અને તેની પર સંશોધન કરવામાં 10 વર્ષનો સમય લાગ્યો.

આ સાત ઇસ્ટર્ન બ્રૉન્ઝબૅક ટ્રી સ્નેક પૈકી 6 સાપ નર હતા અને એક માદા હતી.

આ સાપ જોખમ લાગતા પોતાનું ગળુ અને અગ્રભાગ ફૂલાવી દે છે, જેને કારણે તેની વાદળી આભા ધરાવતી ઇન્ટર-સ્કેલ ત્વચા નજરે પડે છે. સંશોધકોનું માનવું છે કે આ સાપ સામાન્યરીતે સ્વભાવે શાંત હોય છે. તેઓ ખોરાકમાં દેડકા, ગરોળી કે અન્ય જીવજંતુ ખાય છે.

કૉમન બ્રૉન્ઝબૅક ટ્રી સ્નેક અને ઇસ્ટર્ન બ્રૉન્ઝબૅક ટ્રી સ્નેક વચ્ચે શો ફરક? DIKANSH PARMAR સુરતમાં મળી આવેલા સાપ પર ન્યૂઝીલૅન્ડની ઝૂટાક્સા જર્નલમાં પબ્લિશ કરાયેલા સંશોધનપત્રની તસવીર

પહેલી નજરે જોતા ઇસ્ટર્ન બ્રૉન્ઝબૅક ટ્રી સ્નેકની જીભ ગુલાબી રંગની હોય છે. જ્યારે કૉમન બ્રૉન્ઝબૅક ટ્રી સ્નેકની જીભ વાદળી જેવી હોય છે.

ઇસ્ટર્ન બ્રૉન્ઝબૅક ટ્રી સ્નેકની આંખથી ગળા સુધી એક કાળી રંગની પટ્ટી હોય છે. જ્યારે કૉમન બ્રૉન્ઝબૅક ટ્રીમાં આ પ્રકારની પટ્ટી હોતી નથી.

ભિંગડાંની વાત કરીએ તો ઇસ્ટર્ન બ્રૉન્ઝબૅક ટ્રી સ્નેકમાં ઍનલ પ્લેટ અવિભાજિત હોય છે. જ્યારે કૉમન બ્રૉન્ઝબૅક ટ્રી સ્નેકમાં આ ઍનલ પ્લેટ વિભાજિત હોય છે.

સુરતના હર્પેટોલૉજિસ્ટ અને ઝૂઓલૉજીના રિસર્ચ સ્કૉલર દિકાંશ પરમાર બીબીસી ગુજરાતી સાથે આ વિશે વાતચીતમાં કહે છે, “સુરત જેવા વિસ્તારમાં આ સાપનું મળી આવવું દુર્લભ હતું. તેથી અમે તેના આંખ, નાક, હેડ, ભિંગડાં, રંગ, જીભ વગેરેનો અભ્યાસ કર્યો. તેનો ડીએનએ ટેસ્ટ પણ કરાવડાવ્યો.”

કર્ણાટક રાજ્યમાં આવેલી ઍનિમલ રિસર્ચ સંસ્થા કલિંગા ફાઉન્ડેશનના રિસર્ચ ડાયરેક્ટર ડૉ. એસ. આર. ગણેશ બીબીસી ગુજરાતીને જણાવે છે, “સુરત એ ઇસ્ટર્ન બ્રૉન્ઝબૅક ટ્રી સ્નેકની રહેવાની જગ્યા નથી. તે સામાન્ય રીતે ઉત્તરપૂર્વ ભારતનાં રાજ્યોમાં કે પછી ભારતની પૂર્વમાં આવેલા પાડોશી દેશોમાં જોવા મળે છે. તેથી અમે બધાએ ભેગા મળીને સંશોધન કર્યું.”

આ સંશોધન કરનારી ટીમમાં હર્પેટોલૉજિસ્ટ દિકાંશ પરમાર, સરિસૃપ પ્રજાતિ અને ખાસ કરીને સાપ પર સંશોધન કરનારા ડૉ. એસ. આર. ગણેશ, મુંબઈ ખાતે આવેલી ઠાકરે વાઇલ્ડલાઇફ ફાઉન્ડેશન સાથે જોડાયેલા ઇશાન અગ્રવાલ, પ્રયાસ તથા સોસાયટી ફૉર સાઉથઇસ્ટ એશિયન હર્પેટોલૉજી સાથે સંકળાયેલા જર્મન વૈજ્ઞાનિક ગેર્નોટ વોગલનો સમાવેશ થાય છે.

આ પ્રકારના સાપનાં વિવિધ કેરેક્ટર્સનું માપ લઈને તથા તેની 11 જેટલી પ્રજાતિના વિવિધ સાપો સાથેની સરખામણી કરીને સંશોધન થયું છે. આ સંશોધન ન્યૂઝીલૅન્ડની ઝૂટાક્સા જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

દિકાંશ પરમારનું કહેવું છે કે ગુજરાતમાં અત્યારસુધી 64 પ્રજાતિના સાપ મળી આવતા હતા. હવે જો આ પ્રજાતિને ઉમેરવામાં આવે તો હવે રાજ્યમાં કુલ 65 પ્રકારના સાપ મળે છે.

કેવી રીતે સુરત પહોંચ્યો આ સાપ? ZOOTAXA ઇસ્ટર્ન બ્રૉન્ઝબૅક ટ્રી સ્નેક

છેલ્લાં દસ વર્ષમાં આ સાપ સુરતનાં આભવા ગામ, પિપલોદ, વેસુ, નવસારી બજાર અને ઉધના જેવા વિસ્તારોમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે.

હવે ભારતના ઉત્તરપૂર્વ પ્રદેશોમાં મળી આવતો આ સાપ સુરતમાં કેવી રીતે મળી આવ્યો તે વિશે તર્ક આપતા દિકાંશ પરમાર બીબીસી ગુજરાતીને જણાવે છે, “અમને બહુ નિશ્ચિત સમયમાં એટલે કે જાન્યુઆરીથી જૂન મહીનાની વચ્ચે આ સાપ મળી આવ્યા. આ સાપ ઠંડીના સમયમાં શીતનિંદ્રામાં જતા રહે છે. દરમિયાન તેઓ દરમાં કે પછી જ્યાં તેમને સુરક્ષાનો અનુભવ થાય તેવી છૂપી જગ્યામાં છૂપાઈ જાય છે.”

પ્રયાસ ટીમ ઍન્વાયરમૅન્ટ ચૅરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા મેહુલ ઠાકુર બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, “બની શકે કે પાંચ-છ ઇસ્ટર્ન બ્રૉન્ઝબૅક ટ્રી સ્નેક એકસાથે શીતનિદ્રામાં ગયા હોય અને તેમનું કોઈ ટ્રાન્સપૉર્ટ માધ્યમથી અહીં સ્થળાંતર થયું હોય.”

કર્ણાટક રાજ્યમાં આવેલી ઍનિમલ રિસર્ચ સંસ્થા કલિંગા ફાઉન્ડેશનના રિસર્ચ ડાયરેક્ટર ડૉ. એસ. આર. ગણેશ બીબીસી ગુજરાતીને જણાવે છે, “ગુજરાતમાં આ સાપ ઘરની આસપાસ જ મળી આવ્યા છે. જંગલમાં જોવા નથી મળ્યા. તેથી આ પ્રકારના સાપ પહેલાંથી જ ગુજરાતમાં હોય તેવી સંભાવના નહિવત્ છે.”

દિકાંશ પરમાર વધુમાં જણાવે છે, “ઉત્તરપૂર્વનાં રાજ્યોમાંથી જે માલસામાન કે વસ્તુઓ અહીં વેપાર માટે મોકલવામાં આવી હોય જેમકે, પ્લાન્ટ્સ કે પછી બામ્બુ (વાંસ) મારફતે તેઓ અહીં પહોંચ્યા હોય તેમ બની શકે.”

જોકે આ સાપ પર સંશોધન કરનારા કહે છે કે ગુજરાત આ સાપનું નેચરલ હેબિટાટ (કુદરતી નિવાસસ્થાન) બની શકે તેવી સંભાવના ઘણી ઓછી છે.

ડૉ. એસ. આર. ગણેશ કહે છે, “ગુજરાત સિવાય તે ગ્વાલિયર અને રાજસ્થાનમાં પણ દેખાયો છે. પણ આ ગરમ વિસ્તારો છે અને તે તેને અનુકૂળ આવે તેમ નથી. કારણકે આ સાપ ઠંડા પ્રદેશોમાં રહેવા ટેવાયેલા છે. અહીં તેમનું પ્રજનન થાય કે તેમની સંખ્યા વધે અને તેમના જીવનો વિકાસ થાય તેવી સંભાવના ઘણી ઓછી છે.”

તમને આ વાંચવું પણ ગમશે

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

Twitter પર બીબીસી ગુજરાતીને ફૉલો કરવા અહીં ક્લિક કરો.