Hero Image

ઇલેક્શન અપડેટ: નરેન્દ્ર મોદીએ આગ્રાની રેલીમાં ફરી ઉઠાવ્યો સંપત્તિ સર્વેનો મુદ્દો, કહ્યું- 'શહેજાદાનું એક્સ-રે મશીન...'

Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર આગ્રામાં એક રેલીને સંબોધતાં કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું છે.

વડા પ્રધાને રેલીમાં આવેલા લોકોને કહ્યું, "જો કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટીની ઇન્ડી ગઠબંધનની સરકાર આવશે તો તમારી સંપત્તિની તપાસ કરાવશે. હવે કૉંગ્રેસના શહેજાદાનું ઍક્સ-રે મશીન બહેનો-દીકરીઓની તિજોરી સુધી પહોંચી શકશે.

જો ગરીબ માતાએ પોતાના ઘરેણા અનાજના ડબ્બામાં મૂક્યા હશે તો ત્યાં પણ તેમની મશીન પહોંચશે. થોડાઘણા ઘરેણાં બચ્યાં હશે એ પણ સપા-કૉંગ્રેસની સરકાર આવશે તો લઈ જશે."

તેમણે ભાષણમાં કહ્યું હતું કે, "આ હું નથી કહી રહ્યો, આ તેમના દિગ્ગજ નેતાઓ કહી રહ્યા છે. શહેજાદા કહી રહ્યા છે. માતાઓ દીકરીઓને હું પૂછું છું કે શું તમારી પાસે કોઈ ધન છે, મંગળસૂત્ર છે એ શું તમે કોઈને લઈ જવા દેશો? તમે માથું કપાવી લેશો પણ કોઈને આપશો નહીં. આ વાત આ લોકોને ખબર નથી."

વારસાગત કરને લગતા કૉંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદનને ટાંકીને કૉંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, "હવે કોંગ્રેસ-સપા ગઠબંધન કહે છે કે તેઓ તમારો વારસો પણ લૂંટી લેશે. એટલે કે તમારા દાદા-દાદી અને માતા-પિતાએ ખૂબ મહેનત કરીને જે સંપત્તિ ભેગી કરી છે તેનો તેઓ કબજો લેશે. 55 ટકાથી વધુ સંપત્તિના ભાગ પર તેઓ કબ્જો લેશે."

તેમણે કહ્યું, "શું તમે તમારા માતા-પિતાની મહેનતને લૂંટાવા દેશો? આજે તમે જે સંપત્તિ ભવિષ્યની પેઢીઓ માટે ભેગી કરી રહ્યા છો, તેના અડધાથી વધુ પર ટેક્સ લાદીને આ લોકો તેને લૂંટવા માગે છે. ચાર રૂમનું ઘર જે તમે બનાવ્યું હશે તેમાંથી તમારા બાળકને બે જ રૂમ મળશે. કોંગ્રેસ-સપાની સરકાર બે રૂમ લઈ જશે.

'મણિપુર' અને મોદી સરકારની 'દમનકારી નીતિઓ' વિશેનો અમેરિકાનો અહેવાલ વિદેશ મંત્રાલયે પક્ષપાતપૂર્ણ ગણાવ્યો MEA ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ

ભારતે આજે કહ્યું છે કે તે અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટના એ અહેવાલને નકારી કાઢે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે મણિપુરમાં હિંસા દરમિયાન માનવાધિકારોનું ઉલ્લંઘન થયું હતું.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે દિલ્હીમાં પત્રકારોને કહ્યું, "આ અહેવાલ સંપૂર્ણપણે પક્ષપાતી છે અને તે ભારતની સ્થિતિને યોગ્ય રીતે દર્શાવતો નથી. અમે તેને કોઈ મહત્ત્વ આપતા નથી અને અમે તમને પણ આ જ પ્રકારની વિનંતી કરીએ છીએ."

તાજેતરમાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે વિવિધ દેશોમાં માનવાધિકાર કાયદાના પાલનની સ્થિતિ પર એક અહેવાલ જાહેર કર્યો હતો.

રિપોર્ટમાં ભારત સાથે સંબંધિત ઘણી બાબતોનો પણ વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં સરમુખત્યારશાહી વધી છે.

અહેવાલ મુજબ, "ચીન સરકારના દમનકારી રવૈયાથી ચિંતા વધી છે અને ઑસ્ટ્રેલિયા, જાપાન, કૅનેડા, બ્રિટન, યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સે વિશ્વના સૌથી મોટા ગણતંત્ર ભારત સાથે વેપાર અને સુરક્ષા સંબંધોનો વિસ્તાર કર્યો છે."

અહેવાલ કહે છે કે, "પરંતુ ભારતમાં મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારે ચીનની સરકારની જેમ જ દમનકારી પ્રથાઓ અપનાવી છે. આમાં ધાર્મિક લઘુમતીઓ સામે સુનિયોજિતપણે ભેદભાવ, શાંતિપૂર્ણ વિરોધને દબાવવો અને અભિવ્યક્તિની આઝાદીને ખતમ કરવી તથા સત્તા પર પોતાની પકડ વધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો વગેરે સામેલ છે."

નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીનાં નિવેદનો મામલે ચૂંટણીપંચે ભાજપ અને કૉંગ્રેસને નોટિસ આપી Getty Images

ચૂંટણીપંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આદર્શ આચાર સંહિતાના કથિત ભંગની નોંધ લેતા ભાજપ અને કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષને નોટિસ મોકલાવી છે.

કૉંગ્રેસ અને ભાજપ બંને તરફથી એકબીજાના નેતાઓ પર ચૂંટણીપ્રચાર દરમિયાન નફરત ફેલાવવા, ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધાર પર વહેંચવાનો આક્ષેપ કર્યો છે.

બંને પાર્ટીઓએ આ મામલે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી હતી.

ત્યાર બાદ ચૂંટણીપંચે કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને ભાજપ અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડાને નોટિસ મોકલી છે અને 29 એપ્રિલ સુધી જવાબ માગ્યો છે.

ચૂંટણીપંચે પહેલી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ થયેલી આચાર સંહિતાના ભંગને લઈને થયેલી ફરિયાદ બાબતે ભાજપ પાસેથી જવાબ માગ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, ચૂંટણીપંચે ગુરુવારે વિપક્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી આચાર સંહિતાના ભંગની ફરિયાદનો જવાબ આપવા માટે ભાજપને નોટિસ પાઠવી હતી.

ચૂંટણીપંચ ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાને એક પત્ર લખીને કૉંગ્રેસ, સીપીઆઈ અને સીપીઆઈ(એમએલ) દ્વારા મોદીની વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદનો જવાબ આપવા માટે કહ્યું હતું.

જોકે, ચૂંટણીપંચે ભાજપની કૉંગ્રેસ અધ્યક્ષ ખડગે અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કરેલી આચાર સંહિતાના ભંગની ફરિયાદ વિશે કૉંગ્રેસ પક્ષ પાસેથી પણ જવાબ માગ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ મામલે ચૂંટણીપંચ શું નિર્ણય આપી શકે છે? ANI વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ થયેલી આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ મામલે ચૂંટણીપંચ કેવો નિર્ણય લેશે આ વિશે અંગ્રેજી સમાચાર પત્ર ધી ઇન્ડિયન ઍક્સપ્રેસે એક અહેવાલ કર્યો છે.

અહેવાલ પ્રમાણે ચૂંટણીપંચ કહી શકે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચૂંટણી રેલીમાં રામ મંદિરના ઉદ્ધાટનની વાતને ધર્મના નામ પર મત માંગવાની અપીલ સાથે ન જોડી શકાય.

ચૂંટણીપંચ કહી શકે કે શીખ વસ્તીવાળા ચૂંટણી વિસ્તારોમાં વડા પ્રધાન શીખોના ધર્મસ્થળ પૈકીનાં એક કરતારપુર સાહિબ કૉરિડોરના વિકાસની વાત કરે અથવા અફધાનિસ્તાનથી શીખો માટે પવિત્ર ગુરુ ગ્રંથ સાહેબને ભારત લાવવાની વાત આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી.

સમાચાર પત્રએ પોતાના અહેવાલમાં લખ્યું છે કે વડા પ્રધાન વિરુદ્ધ થયેલી ફરિયાદમાં ચૂંટણીપંચ આ નિર્ણય આપી શકે છે.

સુપ્રીમ કોર્ટના વકીલ આનંદ એસ. જોનદાલે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 9 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક ચૂંટણી સભા દરમિયાન હિંદુ દેવી-દેવતાઓ અને હિંદુનાં પૂજાસ્થળો અને શીખોનાં પવિત્રસ્થળો અને શીખ ગુરુના નામ પર મત માંગ્યા હતા."

જોનદાલેએ મોદીની રૈલીના બીજા જ દિવસે એટલે કે 10 એપ્રિલે ચૂંટણીપંચ સમક્ષ આ ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીએ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કર્યો છે.

આ નિર્ણય એવા સમયે આવશે જ્યારે રાજસ્થાનના બાંસવાડામાં એક રેલી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મુસ્લિમોનો ઉલ્લેખ કરવાના પણ આરોપ લાગ્યા છે.

કૉંગ્રેસ ચૂંટણીપંચ સમક્ષ આ મામલે ફરિયાદ કરી છે. કૉંગ્રેસે કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 એપ્રિલની એક કેલીમાં મુસ્લિમોનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો કૉંગ્રેસ ફરીથી સત્તામાં આવશે તો દેશની સંપત્તિ ઘૂસણખોરો અને વધારે બાળકો પેદા કરનાર લોકોને આપી દેશે."

ચૂંટણીપંચે આ મામલે પણ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.

સમાચાર પત્રએ સૂત્રોને ટાંકીને લખ્યું છે કે જોનદાલેએ આ મામલે દિલ્હી હાઇકોર્ટમાં પણ ફરિયાદ કરી છે, જેની સુનાવણી આવતા અઠવાડિયે થઈ શકે છે. ચૂંટણીપંચ આ પહેલાં જોનદાલેની ફરિયાદ પર પોતાનો નિર્ણય આપી શકે છે.

દિલ્હી હાઇકોર્ટમાં મામલો

આ મામલો સમાજમાં ભેદભાવ વધારવા અને બે સમુદાયો, જાતિ કે ધર્મ વચ્ચે નફરત અને તણાવ ફેલાવવા અથવા તો ધર્મ કે સમુદાયના નામ પર મત માંગવા સાથે જોડાયેલો છે. જેને આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવે છે. ચૂંટણી પ્રચાર માટે મંદિર, મસ્જીદ અને ચર્ચ તેવાં પૂજા સ્થળોના ઉપયોગ પર પણ મનાઈ છે.

આનંદ જોનદાલેએ ચૂંટણી પંચને કહ્યું કે મોદી વિરુદ્ધ 153(એ) હેઠળ મામલો દાખલ થવો જોઈએ. કલમ 153(એ)નો ઉપયોગ અલગ-અલગ સમુદાયો વચ્ચે ધર્મ, નસલ, જન્મ સ્થળ, અને ભાષાના નામ પર વૈમનસ્ય વધારવા સાથે જોડાયેલા મામલાઓમાં થઈ શકે છે.

ધી ઇન્ડિયન એકસપ્રેસે પોતાના અહેવાલમાં જણાવ્યું કે ચૂંટણીપંચે એ પણ નિર્ણય લીધો છે કે વડા પ્રધાનનું ભાષણથી બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય વધવાનું જોખમ નથી. ચૂંટણીપંચ માત્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ધર્મનો માત્ર ઉલ્લેખ કરવાને લીધે કાર્યવાહી કરે તે યોગ્ય કારણ નથી. કારણ કે આવા નિર્ણયોથી ઉમેદવારની ચૂંટણી પ્રચારની સ્વતંત્રતા પર અસર પડે છે.

વડા પ્રધાને 9 એપ્રિલે કરેલી રૈલીમાં "ઇન્ડિયા" ગઠબંધન પર શાબ્દિક હુમલાઓ કર્યા હતા. તેમણે કહ્યું કે પાર્ટીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટનમાં ભાગ ન લીધો અને આમ તેમણે ભગવાન રામનું અપમાન કર્યું.

પીલીભીતમાં શીખ સમુદાયની વસ્તી પણ સારી છે. મોદીએ તેમનું સમર્થન ભાજપને મળે તે માટે 1984નાં રમખાણોનો ઉલ્લેખ પોતાની રૈલીમાં કર્યો અને કૉંગ્રેસની ભૂમિકા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું સમાજવાદી પાર્ટી આ પાર્ટીની સાથે મળીને ચૂંટણી લડી રહી છે.

નીતિન પટેલે કડીમાં કાર્યાલયના ઉદ્ધાટન વખતે ભાજપના કાર્યકરોને શું સલાહ આપી? ITIN PATEL/FB નીતિન પટેલ

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે મહેસાણામાં આવેલા કડીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલાયના ઉદધાટન દરમિયાન કહ્યું કે કાર્યાલયનું માત્ર પાટીયું લગાડી દેવું યોગ્ય નથી. કાર્યાલય પર લોકોનાં કામ પણ થવાં જોઈએ.

ભાજપના કાર્યકરોને સંબોધતા કહ્યું, "કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય. મારી ઘરવાળીએ એક લાખ કપ ચા પીવડાવી હશે અને કોઈ ભેદભાવ નથી કર્યો. ભલે મુસ્લિમ મત ન આપે પરંતુ તે મારા ઘરેથી ચા-પાણી પીધા વગર પાછા નથી ગયા."

તેમણે ઉમેર્યું કે, "હું 20 વર્ષ મંત્રી રહ્યો પરંતુ હું ગાંધીનગરના બંગલામાં બે-પાંચ દિવસથી વધારે સમય નથી રોકાયો. હું રોજ કડીથી ગાંધીનગર અપ-ડાઉન કરતો. મને કોઈ પેટ્રોલ બાળવાનો કે સમય વેડફવાનો શોખ નથી પણ કાર્યકરોનું કામ ઘર બેઠા કોઈ પણ પ્રકારનાં ખર્ચે થઈ જાય અને તેમને ગાંધીનગર ધક્કા ન ખાવા પડે એ માટે હું રોજ અપ-ડાઉન કરતો હતો.

નીતિન પટેલે કહ્યું કે મને અલગ-અલગ રજૂઆતો માટે કાગળો મળ્યા અને મેં લાખો કાગળોના જવાબો પણ આપ્યા. હું આ વાત બડાઈ મારવા માટે નહીં પરંતુ ફરક બતાવવા માટે કહી રહ્યો છું.

અહીં ઉલ્લેખનીય છે કે નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પર પહેલા દાવેદારી નોંધાવી હતી. જોકે, પછી તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ભાજપેના ઉમેદવારોની પ્રથમ યાદીમાં તેમનું ના પણ નહતું.

તેમણે ફેસબુક પર એક પોસ્ટ કરીને લખ્યું, "મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી. ગઇકાલે રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચુ છું."

મહેસાણા બેઠક પરથી ભાજપે હરિભાઈ પટેલને ટિકિટ આપી છે. કૉંગ્રેસ તરફથી મહેસાણા બેઠક પર રામાજી ઠાકોર ચૂંટણી લડશે.

ગુજરાતની બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મેનાં રોજ મતદાન યોજાશે.

ઉત્તર પ્રદેશના કૈસરગંજથી પોતાની દાવેદારી વિશે વર્તમાન સંસદ સભ્ય બ્રિજભૂષણ શરણસિંહે શું કહ્યું? ANI બ્રિજભૂષણ શરણસિંહ

ઉત્તર પ્રદેશના કૈસરગંજથી ભાજપના વર્તમાન સંસદ સભ્ય બ્રિજભૂષણ શરણસિંહે કહ્યું કે અમે ટિકિટના પ્રબળ દાવેદાર છીએ.

રાષ્ટ્રીય મીડિયાના અહેવાલ પ્રમાણે, બ્રિજભૂષણ શરણસિંહે કહ્યું ટિકિટ માટે હું પણ એક દાવેદાર છું. પણ પાર્ટી જ નક્કી કરશે કે કૈસરગંજથી ઉમેદવાર કોણ બનશે. જે પણ ઉમેદવાર બનશે તે ખૂબ જ જંગી મતોથી ચૂંટણી જીતશે. કૈસરગંજમાં ભાજપ મજબૂત છે અને અમારી પાર્ટી આ વાતને જાણે છે. ઉમેદવાર જાહેર કરવામાં જે વિલંબ થઈ રહ્યો છે તેની પાછળ પાર્ટીની રણનીતિ પણ હોઈ શકે.

તેમણે ઉમેર્યું કે પાર્ટીને ખબર છે કે કૈસરગંજમાં એક દિવસ પહેલા પણ ઉમેદવાર જાહેર કરશે તો પણ તે જંગી મતોથી જીતશે.

અહીં ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની 80 બેઠકોમાંથી ભાજપ 75 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. પાર્ટીએ 75માંથી 73 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જોકે, ભાજપે રાયબરેલી અને કૈસરગંજથી કોઈ ઉમેદવારોની જાહેરાત કરી નથી.

કૈસરગંજથી વર્તમાન સંસદ સભ્ય બ્રિજભૂષણ શરણસિંહ પર પહેલા પોલીસ ફરિયાદમાં મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીના આરોપ છે. આ ઉપરાંત તેમના પર એક સગીર કુસ્તીબાજની જાતીય સતામણીના આરોપનો પણ છે. બ્રિજભૂષણ શરણસિંહ તમામ આરોપને ખોટા ગણાવી રહ્યા છે.

અખિલેશ યાદવ કન્નોજથી લોકસભાની ચૂંટણી લડશે: સમાજવાદી પાર્ટી @SAMAJWADIPARTY અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશની કન્નોજ બેઠક પરથી નામાંકન કરશે.

સમાજવાદી પાર્ટીએ આ જાણકારી સોશિયલ મીડિયા પર એક નિવેદન આપીને જાહેર કરી છે.

પત્રકારોએ જ્યારે અખિલેશ યાદવને ઇટાવામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કન્નોજની બેઠક પરથી ઉમેદવારી વિશે સવાલ કર્યા ત્યારે તેમણે કહ્યું હતું કે નામાંકન દાખલ થાય ત્યાં સુધી રાહ જુઓ, તમને ખબર પડી જશે.

સમાજવાદી પાર્ટીએ પહેલા તેજ પ્રતાપ યાદવને કન્નોજથી ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે, પાર્ટીએ પોતાનો નિર્ણય બદલ્યો છે અને હવે પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ કન્નોજથી લોકસભાની ચૂંટણી લડશે.

અખિલેશ યાદવનાં પત્ની ડિંપલ યાદવ વર્ષ 2019માં કન્નોજથી ચૂંટણી હારી ગયાં હતાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

Twitter પર બીબીસી ગુજરાતીને ફૉલો કરવા અહીં ક્લિક કરો.