Hero Image

સુરતમાં ચૂંટણી નહીં થાય, છતાં 29.40 લાખ મતદારો મતદાન કરશે

સુરત લોકસભાની બેઠક ભાજપ માટે બિનહરીફ બન્યા બાદ અહીંના મતદારોમાં હવે મતદાન કરવું કે કેમ એવી મૂંઝવણ અનુભવાઈ રહી છે. ઘણા મતદારોમાં હવે 'મતદાન નહીં કરવાનું હોય' એવી ગેરસમજણ પણ જન્મી છે.

જોકે, સુરતમાં મતદાન યોજાશે. આ અંગે સ્પષ્ટતા કરતાં સુરત જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ જણાવ્યું છે, "સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી અને એના લીધે લોકોમાં એવો ભ્રમ ફેલાયો કે હવે મતદાન થવાનું નથી.

જોકે, સુરત જિલ્લાની 16 વિધાનસભા પૈકી નવ વિધાનસભા બેઠકમાં મતદાન યોજાશે અને મતદારો મતદાન કરી શકશે."

આ મતદારો સુરત બેઠક માટે નહીં પણ લોકસભાની નવસારી અને બારડોલી બેઠક માટે મતદાન કરશે.

નોંધનીય છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાય એ પહેલાં જ સુરતની લોકસભામાં બેઠક પર હાઈ વૉલ્ટેજ ડ્રામા સર્જાયો હતો અને કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ઉમેદવારી-પત્રક રદ કરાયું હતું. જે બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

અડધું સુરત મતદાન કરશે, અડધું નહીં

લોકસભાની નવસારી અને બારડોલી બેઠક માટે સુરતના સુરત જિલ્લાના કુલ મતદારો પૈકી 29.40 લાખ મતદાન કરશે.

નવસારી લોકસભા મતવિસ્તારમાં સુરત શહેરના લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભાનો સમાવેશ થાય છે. આ લોકસભા બેઠકમાં કુલ 22 લાખ કરતાં વધારે મતદારો છે, જે પૈકી 14.39 લાખ મતદારો સુરતની આ સંબંધિત ચાર વિધાનસભા બેઠકમાં છે.

બારડોલી લોકસભાની બેઠકમાં સાત વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં વ્યારા તથા નિઝર ઉપરાંત સુરત જિલ્લાની માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા એમ પાંચ વિધાનસભા બેઠક આવે છે.

સુરત જિલ્લાની આ પાંચ વિધાનસભા બેઠકના કુલ 15.40 લાખ મતદારો બારડોલી લોકસભાની બેઠક માટે મતદાન કરશે.

સુરતમાં રહેતાં અને ઉધના વિધાનસભા મતવિસ્તારનાં મતદાર દીપિકા તુમરાવાલા બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, "પહેલાં તો અમને એમ હતું કે આ વખતની ચૂંટણીમાં સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા એટલે હવે અમારે મતદાન કરવાનું નથી. જોકે, બાદમાં જાણ થઈ કે અમે તો નવસારી લોકસભાના મતવિસ્તારમાં આવીએ છીએ અને અમારે 7મેએ મતદાન કરવાનું છે."

નવસારી મતવિસ્તારના અન્ય એક ઉમેદવાર બ્રિજેશ પટેલ જણાવે છે કે આ વખતની ચૂંટણીમાં જે પણ જોવા મળ્યું એ જોતાં અમનો લોકશાહી પરથી વિશ્વાસ ડગમગી ગયો છે.

બીબીસી સાથે વાતચીત કરતાં તેઓ જણાવે છે, "અમારા વિસ્તારમાં કોઈ પણ ઉમેદવાર પર અમને ભરોસો નથી એટલે હું કોઈ પણ નેતાને મત નહીં આપું. અમે સુરતના ઉધનામાં રહીએ છીએ અને નવસારી બેઠકના મતદાર છીએ."

સુરત બેઠક બિનહરીફ થવા મુદ્દે બ્રિજેશ પટેલ જણાવે છે, "આ રાજકારણનો વિજય થયો છે અને લોકશાહીનો પરાજય થયો છે."

સુરત જિલ્લાના મતદારો જેઓ અન્ય લોકસભા બેઠક માટે મતદાન કરશે.

નવસારી લોકસભા બેઠકના મતદારો

  • લિંબાયત વિધાનસભા: 3,03,332 મતદારો
  • ઉધના વિધાનસભા : 2,66,361 મતદારો
  • મજુરા વિધાનસભા : 2,81,084 મતદારો
  • ચોર્યાસી વિધાનસભા : 5,84,870 મતદારો
  • બારડોલી લોકસભા બેઠકના મતદારો

    • માંગરોળ વિધાનસભા: 2,28,506 મતદારો
    • માંડવીમાં વિધાનસભા: 2,46,042 મતદારો
    • કામરેજ વિધાનસભા: 5,53,711 મતદારો
    • બારડોલી વિધાનસભા : 2,82,329 મતદારો
    • મહુવામાં વિધાનસભા : 2,30,121 મતદારો
    મતદાન નહીં કરી શકનાર મતદારોમાં નિરાશા સાથે રોષ

    તો મુકેશ દલાલના બિનહરીફ થતાં સુરતની લોકસભા બેઠક પર મતદાન નહીં યોજાય.

    અહીં રહેતા દર્શિત કોરાટ જણાવે છે, "સુરત લોકસભાની બેઠકના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના ઘટી છે. સુરત એ રાજકારણનું એપી સેન્ટર ગણાય છે. અહીંના નાગરિકો જાગૃત છે. પણ જે રીતે અહીંના ઉમેદવાર બિનહરીફ બન્યા એ જાગૃત લોકો અને મોટા નેતાઓના મોઢે એક તમાચો છે."

    તેઓ ઉમેરે છે, "હું આ વખતે પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો હતો પણ એ હક અમારી પાસેથી છીનવી લેવાયો."

    દક્ષ કાકરિયા પણ આવા જ મતદારો પૈકી એક છે જેઓ આ વખત મતદાન નહીં કરી શકે.

    તેઓ જણાવે છે, "સારા ઘડતર માટે સારા ઉમેદવારને મત આપવા માટે ઉત્સાહિત હતા પણ આ વખતે ચૂંટણી જેવું કંઈ નહીં હોય. એ વાતનું દુખ છે."

    સુરતમાં આ વખતના ફર્સ્ટ ટાઇમ વોટર નિખિલ ભાલાણા જણાવે છે, "છેલ્લા છ મહિનાથી હું મારા મિત્રો સાથે અમારા વિસ્તારના ઉમેદવાર, અલગઅલગ પક્ષો, એમનાં સારાંનરસાં કામ અંગે ચર્ચા કરી રહ્યો હતો. પણ છેલ્લી ઘડીએ સુરતનું ચિત્ર જ બદલાઈ ગયું. આ વખતે અમારો મતદાન કરવાનો અધિકારી છીનવી લેવાયો. આવુંને આવું જ રહ્યું તો લોકશાહી ખતમ થઈ જશે."

    સુરતના મતદારો જે ચૂંટણીમાં મતદાન નહીં કરે

    • ઓલપાડ વિધાનસભા: 4,49,065 મતદારો
    • વરાછા વિધાનસભા: 2,07,977 મતદારો
    • સુરત પૂર્વ વિધાનસભા: 2,13,005 મતદારો
    • સુરત ઉત્તર વિધાનસભા: 1,15,574 મતદારો
    • કરંજ વિધાનસભા : 1,62,430 મતદારો
    • કતારગામ વિધાનસભા: 3,18,951 મતદારો
    • સુરત પશ્વિમ વિધાનસભા : 2,59,375 મતદારો

    તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

    Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

    Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

    Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.

    READ ON APP