Hero Image

ડાયાબિટીસના દર્દીઓને સમયસર ઇન્સ્યુલિન ન મળે તો શું થઈ શકે?

Getty Images

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ ગોટાળા મામલે ગત 21 માર્ચથી જેલમાં બંધ છે. આમ આદમી પાર્ટીના નેતાઓ છેલ્લા કેટલાક દિવસોથી ફરિયાદ કરી રહ્યા હતા, “અરવિંદ કેજરીવાલ ડાયાબિટીસના દર્દી છે અને જેલમાં સતત તેમનું સુગર લેવલ ઊંચું જઈ રહ્યું છે. તેમને તત્કાળ ઇન્સ્યુલિનની જરૂર છે અને તેમને ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી.”

જેલના અધિકારીઓને 22 એપ્રિલે લખેલા પત્રમાં પણ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમનું સુગર લેવલ ઊંચું રહેવાને કારણે તેઓ છેલ્લા 10 દિવસથી ઇન્સ્યુલિનની માંગણી કરી રહ્યા છે.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે જેલમાં ઇન્સ્યુલિન ન મળવાને કારણે અરવિંદ કેજરીવાલની તબિયત બગડી રહી છે. તેમના સ્વાસ્થ્યને ગંભીર અસરો થઈ રહી છે. તેમને તત્કાળ ઇન્સ્યુલિનની જરૂર છે.

ત્યારબાદ એવા સવાલો ઊઠ્યા હતા કે શું ઇન્સ્યુલિનની જરૂર હોય તેવી વ્યક્તિને તત્કાળ ઇન્સ્યુલિન ન આપવામાં આવે તો શું થાય? તેના સ્વાસ્થ્ય પર કેવી અસરો થઈ શકે? કેવા પ્રકારના ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિન આપવું ફરજિયાત છે?

ઇન્સ્યુલિન શું છે? Getty Images

કોઈ પણ કામ કરવા આપણા શરીરને ઊર્જાની જરૂર પડે છે. સરળ ભાષામાં સમજીએ તો આપણા શરીરને ઊર્જા માટે ગ્લુકોઝની જરૂર પડતી હોય છે.

જ્યારે આપણે કંઈપણ ખોરાક લઈએ છીએ ત્યારે આપણું શરીર કાર્બોહાઇડ્રેટ્સને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરે છે.

ઇન્સ્યુલિન એક અંત:સ્રાવ છે જે આપણા શરીરમાં સ્વાદુપિંડમાંથી નીકળે છે. રક્તપ્રવાહમાં ઇન્સ્યુલિન ભળવાથી આપણા શરીરમાં ગ્લુકોઝની માત્રા ઓછી થઈ જાય છે.

જ્યારે ઇન્સ્યુલિનનો પ્રવાહ મળતો નથી, ત્યારે આપણા શરીરમાં ગ્લુકોઝની માત્રા વધી જાય છે અને આ સ્થિતિ ડાયાબિટીસને

આપે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે શરીર જ્યારે પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન અંત:સ્રાવ બનાવી શકતું નથી ત્યારે ડાયાબિટીસ થાય છે.

ઇન્સ્યુલિનનું મોટાપાયે ઉત્પાદન શરૂ થયાને 100 વર્ષો વીતી ગયાં છે. છેલ્લી એક સદીમાં તેણે લાખો લોકોનાં જીવન બચાવ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, 1921માં અધિકૃત રીતે ઇન્સ્યુલિનની શોધ થઈ હતી.

ડાયાબિટીસના કેટલા પ્રકાર છે? Getty Images

ટાઇપ-1 ડાયાબિટીસને પહેલાં કિશોરોને થતા ડાયાબિટીસના નામે ઓળખવામાં આવતો હતો. આ પ્રકારના ડાયાબિટીસના દર્દીઓનાં શરીરમાં આપમેળે ઇન્સ્યુલિન બનતું નથી. કારણ કે તેમના સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન બનાવનારી બીટા કોશિકાઓ નષ્ટ થઈ ચૂકી હોય છે. જેના કારણે તેમને બહારથી ઇન્સ્યુલિન લેવું પડે છે.

ટાઇપ-1 ડાયાબિટીસ કેમ થાય છે તેનું ચોક્કસ કારણ હજુ સુધી શોધી શકાયું નથી. અમુક કિસ્સાઓમાં તેને આનુવાંશિક બીમારી ગણવામાં આવે છે.

જ્યારે શરીરમાં મોટા પ્રમાણમાં આઇલેટ કોશિકાઓ નષ્ટ થઈ જાય છે, ત્યારે શરીર બહુ ઓછા પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે અથવા તો કરતું જ નથી.

જ્યારે ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓના શરીરમાં ઇન્સ્યુલિન બને છે, પરંતુ એ પ્રભાવી હોતું નથી. આથી જો દવા અને કસરતથી તેમનું ડાયાબિટીસ નિયંત્રણમાં ન રહે તો તેમને પણ શરીરમાં ગ્લુકોઝની માત્રાને નિયંત્રિત કરવા ઇન્સ્યુલિનની જરૂર પડે છે.

ટાઇપ-2 ડાયાબિટીસ થવા પાછળ પણ આનુવાંશિકતા, મેદસ્વીતા, શારીરિક નિષ્ક્રિયતા જેવાં કારણો જવાબદાર હોય છે.

ડાયાબિટીસના દર્દીને ક્યારે ઇન્સ્યુલિન આપવાની જરૂર પડે? Getty Images પ્રતીકાત્મક તસવીર

ડાયાબિટીસ પર કાબૂ મેળવવા દર્દીઓને દવા અને કેટલાક કિસ્સાઓમાં ઇન્સ્યુલિન આપવાની જરૂર પડે છે. ડાયાબિટીસના દર્દીઓને ઇન્જેક્શન મારફતે ઇન્સ્યુલિન આપવામાં આવે છે. જેથી તેમના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણમાં રહે.

ઇન્સ્યુલિનની દવા આપણા શરીરના પ્રાકૃતિક ઇન્સ્યુલિનને બદલે કામ કરે છે.

ટાઇપ-1 ડાયાબિટીસ ધરાવતા દર્દીઓના શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન થતું ન હોવાને કારણે તેમને જીવિત રહેવા દરરોજ ઇન્સ્યુલિન લેવું પડે છે.

અમુક સંજોગોમાં તેમને દિવસમાં ચારથી પાંચ વખત ઇન્સ્યુલિન લેવું પડે છે.

ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા દર્દીઓનું કામ દવાઓ, કસરત અને ખોરાકથી ચાલી જતું હોય છે. પરંતુ જો તેમનું ડાયાબિટીસ નિયંત્રણમાં ન રહે તો તેમને પણ ઇન્સ્યુલિન લેવું પડે છે.

ઇન્સ્યુલિનના ચાર મુખ્ય પ્રકારો છે:

  • રેપિડ ઍક્શન ઇન્સ્યુલિન
– ઇન્જેક્શન લીધા બાદ અઢીથી વીસ મિનિટ વચ્ચે જ અસર શરૂ થાય અને તેની અસર પાંચ કલાક સુધી રહે
  • શોર્ટ- એક્ટિંગ ઇન્સ્યુલિન – ઇન્જેક્શન લીધા બાદ 30 મિનિટમાં જ ગ્લુકોઝ લેવલ ઘટાડે અને તેની અસર છથી આઠ કલાક સુધી રહે
  • ઇન્ટરમિડીયટ- એક્ટિંગ ઇન્સ્યુલિન – ઇન્જેક્શન લીધા બાદ 60થી 90 મિનિટમાં કામ શરૂ કરે અને 16થી 24 કલાક સુધી અસર રહે
  • લોંગ- લાસ્ટિંગ ઇન્સ્યુલિન – સામાન્ય રીતે દરરોજ એકવાર લેવામાં આવે અને તેની અસર 24 કલાક સુધી રહે
  • ઇન્સ્યુલિનની દવાનો ડોઝ જે-તે વ્યક્તિની શારીરિક પરિસ્થિતિના સંપૂર્ણ મેડિકલ તપાસ પછી તેના ડૉક્ટર દ્વારા નક્કી કરવામાં આવતો હોય છે.

    સમયસર ઇન્સ્યુલિન ન મળે તો શું થાય? Getty Images ટાઇપ-2 ડાયાબિટીસના નિયંત્રણમાં કસરત અને સંતુલિત આહાર મુખ્ય ભાગ ભજવે છે

    જે દર્દીઓ નિયમિત ઇન્સ્યુલિન લેતા હોય અને તેમને ઇન્સ્યુલિન ન મળે તો તેમના શરીર પર તરત જ અસર શરૂ થઈ જાય છે.

    દર્દી તરત જ હાઇપરગ્લાયસેમિયા (અતિશય ઊંચું સુગર લેવલ)નો ભોગ બને છે અને પછી તે પરિસ્થિતિ ડાયાબિટીક કીટોએસિડોસ (વધુ ગંભીર ડાયાબિટીસની પરિસ્થિતિ)માં પરિણમે છે. આ પરિસ્થિતિમાં અન્ય પ્રકારનાં ઇન્ફેક્શન્સ અને બીમારીઓ પણ થઈ શકે છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે.

    ડાયાબિટીક કીટોએસિડોસની આ પરિસ્થિતિ ધીમેધીમે આવે છે. તેનું પહેલું લક્ષણ છે સતત ચાર કલાકથી વધુ સમય સુધી ડાયાબિટીસ 300mg/dl થી ઉપર રહે. ખૂબ તરસ લાગવી, વારંવાર પેશાબ જવું, થાકી જવું, પેટમાં દુખાવો વગેરે જેવાં લક્ષણો પણ જોવા મળે છે.

    કેટલાક દર્દીઓ પર આની ભયંકર અસર થાય છે અને તેઓ બીમાર પડી જાય છે. જ્યારે અમુક દર્દીઓને તેની અસર જલદી થતી નથી.

    સમયસર ઇન્સ્યુલિન ન મળે તો શું થાય? Getty Images પ્રતીકાત્મક તસવીર

    જો સમયસર ઇન્સ્યુલિન ન મળે તો શું થાય? આ સવાલનો કોઈ એક ચોક્કસ જવાબ નથી.

    હેલ્થલાઇનને આપેલા ઇન્ટરવ્યૂમાં ઍન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. ફ્રેન્કાઇન કૉફમેન આ વિશે સમજાવતાં કહે છે, “જો વ્યક્તિને ટાઇપ-2 ડાયાબિટીસ હોય અને ઇન્સ્યુલિન લેતા હોય તો તેમને ઇન્સ્યુલિન ન મળે તો ઘણા મહિનાઓ સુધી, અમુકવાર વર્ષો સુધી કંઈ થતું નથી.”

    તેઓ કહે છે, “ટાઇપ-1 ડાયાબિટીસના કિસ્સામાં અન્ય બાબતો પણ તપાસવી પડે છે. તેમાં લોકો અમુક મહિનાઓથી લઈને એક વર્ષ સુધી જીવી શકે છે. પરંતુ તેમણે કાર્બોહાઇડ્રેટ વગરનું ડાયેટ અનુસરવું પડે છે.

    “વ્યક્તિને દરરોજ કેટલા યુનિટ ઇન્સ્યુલિન આપવામાં આવે છે તેના પર આધાર રહે છે કે તેના શરીરને ઇન્સ્યુલિન મળતું બંધ થઈ જાય તો તેને કેટલા દિવસમાં અસર થઈ શકે છે. કારણ કે એ જોવું જરૂરી છે કે તેનું શરીર કેટલું ઇન્સ્યુલિન લેવા માટે ટેવાયેલું હતું.”

    તેઓ કહે છે, “જે લોકોને બાળપણમાં કે તરૂણાવસ્થામાં જ ટાઇપ-1 ડાયાબિટીસનું નિદાન થયું હોય તેમણે ઇન્સ્યુલિન વગર જીવન ગાળવા માટે કાર્બોહાઇડ્રેટ ઓછું હોય તેવો ખોરાક લેવો પડે છે અને અતિશય પાણી પીવું પડે છે. પરંતુ લાંબા સમયથી ડાયાબિટીસ હોવાને કારણે તેમને થોડા દિવસો કે અઠવાડિયાઓમાં જ અસર થવા લાગે છે અને તેમને નબળાઈ આવવા લાગે છે. તેમના માટે કસરત પણ ફાયદાકારક નીવડતી નથી. ”

    યેલ યુનિવર્સિટીના ડૉ. ઇન્ઝુક્કી કહે છે કે, “ટાઇપ-1 ધરાવતા જે વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન સદંતર બંધ હોય છે તેમને જો સમયસર ઇન્જેક્શન ન મળે તો છેલ્લું ઇન્જેક્શન લીધાના 12થી 24 કલાકમાં જ તે બીમાર પડી જાય છે. 24થી 48 કલાકમાં તેને ડાયાબિટીક કીટોએસિડોસની પરિસ્થિતિ આવી જાય છે અને એક-બે અઠવાડિયામાં તો જીવન મરણની પરિસ્થિતિ આવી જાય છે. ”

    તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

    Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.