Hero Image

નફરતી ભાષણો માટે જ્યારે ચૂંટણીપંચે બાલ ઠાકરેનો મતાધિકાર છીનવી લીધો હતો

Getty Images

આજકાલ લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોનું પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. ચૂંટણીપંચની આદર્શ આચારસંહિતા અનુસાર, ચૂંટણીપ્રચાર દરમિયાન ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરી શકાતો નથી. તેમજ ધર્મ, સંપ્રદાય કે જ્ઞાતિને આધારે મત આપવાની અપીલ પણ કરી શકાતી નથી.

એ ઉપરાંત કોઈપણ ધાર્મિક અથવા જાતીય સમુદાયો વિરુદ્ધ નફરત ફેલાવતાં ભાષણો કરવાં કે નારેબાજી કરવા પર પણ પ્રતિબંધ છે.

પરંતુ આ નિયમોનું પાલન ચૂંટણીપંચ આ ચૂંટણીમાં કરાવી રહ્યું હોય તેવું અત્યાર સુધી લાગતું નથી.

ભારતીય જનતા પક્ષના ચૂંટણી પ્રચારમાં રામ મંદિરનો ઉપયોગ અને રાજસ્થાનના બાંસવાડામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં મુસલમાનો વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓ તેનું તાજું ઉદાહરણ છે. વિરોધપક્ષો આ સંદર્ભે ચૂંટણીપંચની ભૂમિકા બાબતે સવાલ કરી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના એક જૂના ભાષણનો હવાલો આપતા મુસલમાનો વિશે ટિપ્પણી કરી હતી, જેમાં તેમને ‘ઘૂસણખોર’ અને ‘વધારે સંતાનો પેદા કરતાં લોકો’ ગણાવવામાં આવ્યા હતા.

આવા માહોલમાં લગભગ અઢી દાયકા પહેલાં ભડકાઉ ચૂંટણી ભાષણ બાબતે શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેના ચૂંટણી લડવા તથા મતદાન કરવા પર છ વર્ષ સુધી લાદવામાં આવેલો પ્રતિબંધ યાદ આવે છે.

બાલ ઠાકરેનું એ ભાષણ શું હતું? GETTY IMAGES

1987માં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિલે પાર્લે (મુંબઈ) બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી. મુખ્ય મુકાબલો કૉંગ્રેસના ઉમેદવાર પ્રભાકર કાશીનાથ કુંટે અને અપક્ષ ઉમેદવાર ડૉ. રમેશ યશવંત પ્રભુ વચ્ચે હતો. ડૉ. રમેશ પ્રભુને બાલ ઠાકરેની શિવસેનાનો ટેકો હતો.

એ સમયે શિવસેનાને રાજકીય પક્ષ તરીકે સ્વીકૃતિ મળી ન હતી, પરંતુ શિવસેનાના સુપ્રીમો બાલ ઠાકરે પોતે ડૉ. રમેશ પ્રભુ માટે ચૂંટણીસભાઓ મારફત મત માગી રહ્યા હતા.

1987ની 13 ડિસેમ્બરે મતદાન થયું હતું અને 14 ડિસેમ્બરે તે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. કૉંગ્રેસના ઉમેદવાર પ્રભાકર કુંટે અપક્ષ ઉમેદવાર ડૉ. રમેશ પ્રભુ સામે હારી ગયા હતા. પેટાચૂંટણી પહેલાં વિલે પાર્લે બેઠક કૉંગ્રેસ પાસે જ હતી.

પ્રભાકર કુંટેએ પરાજય પછી ડૉ. રમેશ પ્રભુની ચૂંટણીને હાઈકોર્ટમાં પડકારી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ડૉ. રમેશ પ્રભુ ભડકાઉ અને નફરત ફેલાવતાં ભાષણોને સહારે ચૂંટણી જીત્યા હતા. તેમણે પોતાના આક્ષેપોના સમર્થનમાં પુરાવા રજૂ કરીને ડૉ. રમેશ પ્રભુની ચૂંટણી રદ કરવાની માગણી કરી હતી.

અનેક મહિનાઓ સુધી ચાલેલી સુનાવણી બાદ 1989ની સાતમી એપ્રિલે બૉમ્બે હાઈકોર્ટે ડૉ. રમેશ પ્રભુ અને બાલ ઠાકરેને લોકપ્રતિનિધિત્ત્વ કાયદા, 1951માં પરિભાષિત “ચૂંટણીમાં ભ્રષ્ટ આચરણ” બદલ દોષી ઠેરવ્યા હતા તથા એ આધારે વિલે પાર્લે બેઠકની પેટાચૂંટણીનું પરિણામ રદ કર્યું હતું.

બૉમ્બે હાઈકોર્ટના આ ચુકાદા સામે ડૉ. રમેશ પ્રભુએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ 1995ની 11 ડિસેમ્બરે સુપ્રીમ કૉર્ટે તે અપીલને ફગાવી દેતાં બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો યથાવત્ રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જે.એસ. વર્માએ તેમના ચુકાદામાં લખ્યું હતું કે, “વિલે પાર્લે વિધાનસભા મતવિસ્તારમાં 29 નવેમ્બર, 9 ડિસેમ્બર અને 10 ડિસેમ્બરની ચૂંટણી સભાઓમાં ડૉ. રમેશ પ્રભુ તથા બાલ ઠાકરેએ આપેલાં ભાષણોને આ કેસમાં તપાસનો આધાર બનાવવામાં આવ્યાં છે. એ સભાઓમાં બાલ ઠાકરેએ કહ્યું હતું કે ‘અમે હિંદુઓનાં રક્ષણ માટે ચૂંટણી લડી રહ્યાં છીએ. અમને મુસ્લિમ મતોની ચિંતા નથી. આ દેશ હિંદુઓનો હતો અને હિંદુઓનો જ રહેશે.’ આ ભાષણોને આધારે બન્નેને ચૂંટણીમાં ભ્રષ્ટ આચરણના દોષી માનવામાં આવે છે.”

બાલ ઠાકરે છ વર્ષ સુધી કોઈપણ ચૂંટણીમાં મત નહોતા આપી શક્યા Getty Images

સુપ્રીમ કોર્ટે આ નિર્ણય મારફત ડૉ. રમેશ પ્રભુની ચૂંટણી રદ કરતો બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો હતો. એટલે કે ડૉ. પ્રભુને તો સજા મળી ગઈ હતી, પરંતુ તેમની ચૂંટણી પર બાલ ઠાકરેને જે ભ્રષ્ટ આચરણનો પ્રભાવ પડ્યો હતો, તેઓ કોઈ સાર્વજનિક હોદ્દા પર કે કોઈ ગૃહના ચૂંટાયેલા સભ્ય નહોતા, તેમને શું સજા થઈ શકે?

દેશના ભૂતપૂર્વ વડા ચૂંટણી કમિશનર ટી. એસ. કૃષ્ણમૂર્તિના જણાવ્યા મુજબ, આવા કિસ્સામાં છ વર્ષ સુધી મતાધિકારથી વંચિત રાખવાની સજા મહત્તમ છે. આવા કિસ્સામાં અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિએ લેવાનો હોય છે. સંબંધિત મામલા વિશે રાષ્ટ્રપતિ ચૂંટણી પંચનો અભિપ્રાય માંગે છે અને ચૂંટણી પંચનો અભિપ્રાય મળ્યા બાદ નિર્ણય કરે છે.

સુપ્રીમ કોર્ટે બાલ ઠાકરેનો મામલો રાષ્ટ્રપતિને પાઠવ્યો હતો. એ સમયે કે. આર. નારાયણન રાષ્ટ્રપતિ હતા અને ડૉ. મનોહરસિંહ ગિલ મુખ્ય ચૂંટણી કમિશનર હતા. તેમની સાથે જે.એમ. લિંગદોહ તથા ટી.એસ. કૃષ્ણમૂર્તિ ચૂંટણી કમિશનર હતા.

રાષ્ટ્રપતિ નારાયણને નિર્ધારિત પ્રક્રિયા મુજબ, બાળ ઠાકરેના મામલે ચૂંટણી પંચનો અભિપ્રાય માંગ્યો હતો. ચૂંટણી પંચે 1998ની 22 સપ્ટેમ્બરે પોતાની ભલામણ રાષ્ટ્રપતિ ઑફિસને મોકલી આપી હતી. તેમાં મુખ્ય ચૂંટણી કમિશનરે લખ્યું હતું કે અદાલતમાં દોષી સાબિત થયેલા બાલ ઠાકરેને છ વર્ષ (11 ડિસેમ્બર, 1995થી 10 ડિસેમ્બર, 2001) સુધી મતાધિકારથી વંચિત રાખવા જોઈએ.

Getty Images

ચૂંટણીપંચની આ ભલામણને આધારે રાષ્ટ્રપતિએ 28 જુલાઈ, 1999એ બાલ ઠાકરેના મતાધિકાર પર છ વર્ષ સુધી પ્રતિબંધ લાદ્યો હતો.

આ ઘટના દર્શાવે છે કે એ સમયે દેશની બંધારણીય સંસ્થાઓ કેટલી મજબૂત હતી અને પોતાની જવાબદારીઓ પ્રત્યે કેટલી સજ્જ હતી.

આ સમગ્ર મામલા સાથે જોડાયેલી એક દિલચસ્પ ઘટના એ પણ છે કે 2019ની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રની એક ચૂંટણી સભામાં ભાષણ આપતાં બાલ ઠાકરેના રદ કરાયેલા મતાધિકારને તેમના નાગરિકત્વ તથા માનવાધિકાર સાથે જોડીને કૉંગ્રેસને નિશાન બનાવી હતી, જ્યારે એ નિર્ણય ચૂંટણી પંચનો હતો.

2019ની નવમી એપ્રિલે મહારાષ્ટ્રના લાતૂરમાં યોજાયેલી ચૂંટણીસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, “હું કૉંગ્રેસવાળાઓને કહું છું કે દર્પણમાં તમારું મોં જુઓ. તમારે મોઢે માનવાધિકારની વાતો શોભતી નથી. કૉંગ્રેસવાળાઓ, તમારે હિંદુસ્તાનને એક-એક બાળકને જવાબ આપવો પડશે. તમે કૉંગ્રેસવાળાઓએ બાલાસાહેબ ઠાકરેનું નાગરિકત્વ છીનવી લીધું હતું. તેમનો મતાધિકાર છીનવી લીધો હતો.”

નરેન્દ્ર મોદીએ જે મંચ પરથી આ વાત કહી હતી તે મંચ પર એ સમયે બાલ ઠાકરેના પુત્ર અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે પણ હાજર હતા. ચૂંટણીપંચની ભલામણ અનુસાર રાષ્ટ્રપતિએ બાલ ઠાકરેને મતાધિકારથી વંચિત રાખવાનો નિર્ણય કર્યો ત્યારે કૉંગ્રેસ વિરોધ પક્ષમાં હતો અને કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી.

બાલ ઠાકરેએ પોતે તેમનો મતાધિકાર છીનવી લેવાના નિર્ણયની ટીકા કરી જરૂર કરી હતી, પરંતુ તેમણે એ માટે ક્યારેય કૉંગ્રેસને જવાબદાર ઠેરવ્યો ન હતો.

સજાને કારણે બાલ ઠાકરે 1999ની લોકસભા ચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી શક્યા ન હતા. તેમણે 2004માં પ્રતિબંધ હઠ્યા પછી પહેલીવાર મતદાન કર્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.