Hero Image

કેનેડામાં મેહુલ પ્રજાપતિએ પોતાના પરના આરોપો અંગે કર્યો ખુલાસો

Mehul Prajapati Canada Video: સોશિયલ મીડિયા પર કોઈ પણ માહિતી જંગલની આગની જેમ ફેલાઈ જાય છે અને કેટલીક વખત મૂળ વાત સાઈડમાં રહી જાય છે. કેનેડામાં સ્ટુડન્ટ તરીકે ભણવા ગયેલા અમદાવાદના યુવાન મેહુલ પ્રજાપતિ સાથે પણ કંઈક આવું થયું હોય તેમ લાગે છે. સોશિયલ મીડિયા પર મેહુલ પ્રજાપતિનો એક વીડિયો વાઈરલ થયો જેમાં તે કેનેડામાં ફૂડ બેન્કમાંથી ફ્રીમાં ફૂડ પ્રોડક્ટ લેતો હોય છે અને તેમાંથી કેટલા ડોલરની બચત થાય છે તે જણાવે છે.
આ વીડિયોના કારણે મેહુલ મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. કેટલાકે તેને ટાર્ગેટ કરીને કહ્યું કે ફૂડ બેન્કમાંથી જરૂરિયાતમંદોનો સામાન લઈને મેહુલ ચોરી કરે છે. બીજા કેટલાક લોકોએ દાવો કર્યો કે આ વીડિયોના કારણે મેહુલ પ્રજાપતિ જે બેન્કમાં કામ કરતો હતો ત્યાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો છે. પરંતુ હકીકત શું છે? મેહુલે જાતે આ અંગે કેટલીક સ્પષ્ટતા કરી છે અને કેનેડામાં હાલમાં તેની લાઈફમાં કેમ ધમાચકડી મચી ગઈ તે જણાવ્યું છે. 26 વર્ષીય મેહુલ પ્રજાપતિ કહે છે કે તે વાસ્તવમાં કેનેડામાં વસતા બીજા ભારતીય સ્ટુડન્ટને મદદ કરવા માગતો હતો.
તેથી તેણે પોતાની સ્ટુડન્ટ લાઈફના કેટલાક ઈન્ફોર્મેશનલ વીડિયો બનાવ્યા હતા. તેણે બે મહિના અગાઉ જ આ વિષય પર કોન્ટેન્ટ બનાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ ગયા અઠવાડિયે એક વીડિયો વાઈરલ થઈ ગયો અને પછી ધમાલ મચી ગઈ. તેના પર ચોર હોવાનો આરોપ મૂકાયો. તેને સેંકડોની સંખ્યામાં નફરતભર્યા મેસેજ મળ્યા. તેને કેનેડિયન બેન્કે જોબમાંથી કાઢી મૂક્યો છે તેવી વાતો પણ થવા લાગી.એક વેબસાઈટને આપેલી મુલાકાતમાં મેહુલ પ્રજાપતિએ પોતાનો પક્ષ રજુ કર્યો છે. તેણે કહ્યું કે તે ફૂડ બેન્કમાંથી કંઈ ચોરતો ન હતો.
તે વિલ્ફ્રિડ લોરિયર યુનિવર્સિટીમાં માસ્ટર્સનો સ્ટુડન્ટ છે અને આ કોલેજ તમામ સ્ટુડન્ટને વીકલી રાશન ફ્રીમાં આપે છે. જે સ્ટુડન્ટ પોતાના આઈ કાર્ડ દેખાડે તેને જ આ રાશન મળે છે. તેથી તેણે ફૂડબેન્કમાંથી નહીં યુનિવર્સિટી પ્રોગ્રામમાંથી ચીજવસ્તુઓ મેળવી હતી. કોલેજની વેબસાઈટ પર પણ જણાવાયું છે કે કેમ્પસ પર ફૂડ જોઈતું હોય તેવા લોકોને ફ્રી વીકલી પ્રોગ્રામમાં ગ્રોસરી અને બીજી જરૂરી ચીજો આપવામાં આવે છે. તમામ જરૂરિયાતમંદ સ્ટુડન્ટને આ મળે છે. મેહુલ પ્રજાપતિ આ પ્રોગ્રામમાં થોડા મહિના અગાઉ વોલન્ટીયર તરીકે જોડાયો હતો.
મેહુલનો વીડિયો વાઈરલ થયા પછી ટીડી બેન્કે તેને જોબમાંથી કાઢી મૂક્યો તે વાત પણ ખોટી છે. કારણ કે મેહુલ આ બેન્કમાં 17 મહિના સુધી ઈન્ટર્ન તરીકે કામ કરતો હતો અને ડિસેમ્બર 2023માં તેની ઈન્ટર્નશિપ પૂરી થઈ હતી. તેને 98 હજાર ડોલરનો વાર્ષિક પગાર મળતો હતો તે વાતને પણ મેહુલ નકારે છે. તેનું કહેવું છે કે હું ત્યાં જોબ જ નહોતો. ટીડી બેન્કે પણ ઈમેઈલમાં કહ્યું છે કે મેહુલ ત્યાં કામ જ નથી કરતો. એટલે કે તેને ત્યાંથી કાઢી મૂકાયો નથી. મેહુલ પ્રજાપતિના એક સગાએ કહ્યું કે ગયા શુક્રવારથી મેહુલને સોશિયલ મીડિયા પર એટલો સતાવાયો છે કે તે તેના રૂમમાંથી બહાર નથી આવતો.
આ દરમિયાન તેની કોલેજે તેને સપોર્ટ કર્યો છે અને પોલીસે તેને બહુ બહાર ન આવવા કહ્યું છે. મેહુલ મૂળ અમદાવાદનો છે અને 2022માં કેનેડા ગયો હતો. તેનો ઈરાદો ભણવાનો હતો પરંતુ જીવનખર્ચ વધી જતા તે કેમ્પસ પર જોબ કરવા લાગ્યો. તે કેટલાક રૂમમેટ્સ સાથે ભાડે રહે છે જેના માટે 800 ડોલર ભાડું ચૂકવે છે. કોલેજ પ્રોગ્રામના કારણે તે મહિને 100 ડોલરની આસપાસ બચાવી શકે છે. તેની પાસે કોઈ જામીન ન હોવાના કારણે એજ્યુકેશન માટે બેન્કલોન પણ લઈ શક્યો ન હતો તેથી તે પરિવારજનો અને કેટલાક સગાઓની આર્થિક મદદથી કેનેડા ભણવા ગયો છે.
મેહુલ પ્રજાપતિના ભાઈએ કહ્યું કે તેને તેના ભાઈની ચિંતા છે કારણ કે આ આખા પ્રકરણના કારણે તે બહુ ચિંતામાં છે અને ઘરે આવતા પણ ગભરાય છે. મેહુલનું કહેવું છે કે તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈનએક્ટિવ કરી નાખ્યા છે અને હવે તો ફોનની રિંગ વાગે તો પણ ધ્રુજી જાય છે. છેલ્લા છ દિવસથી તેની આ હાલત છે. તેનું કહેવું છે કે લોકેએ મારા વિશેની ખોટી વાતોને સાચી માની લીધી અને મેં અત્યાર સુધી જે ઓળખ બનાવી હતી તે આ પ્રકરણના કારણે થોડી જ વારમાં ધોવાઈ ગઈ છે. તે આને સોશિયલ મીડિયાની ડાર્ક સાઈડ તરીકે ઓળખાવે છે. મેહુલની લાઈફ તો અત્યારે ઉલટપુલટ થઈ ગઈ છે પરંતુ તેને એક પાઠ ભણવા મળ્યો છે.
તે કહે છે કે ઈન્ટરનેટ પર જે આવે તેના કરતા વાસ્તવિકતા અલગ હોઈ શકે છે.

READ ON APP