Hero Image

ભારતીય યુવાનને 9 વર્ષ રાહ જોયા પછી Green Card મળ્યું, H-1B સિસ્ટમને ઝાટકી

US Green Card Wait: અમેરિકામાં હાલમાં 12 લાખ કરતા વધુ ભારતીયો ગ્રીન કાર્ડ મળે તેની રાહ જોઈને બેઠા છે અને તેમને આ અધિકાર મળવામાં કદાચ દાયકા લાગી જશે. દરમિયાન યુએસમાં એક ભારતીય આઈટી એન્જિનિયરને 9 વર્ષ સુધી વેઈટ કર્યા પછી ગ્રીન કાર્ડ મળી ગયું છે, પરંતુ તેણે અમેરિકાની H-1B સિસ્ટમ અંગે સવાલો ઉઠાવ્યા છે. આ યુવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકાની H-1B વિઝા સિસ્ટમમાં ઘણી ખામીઓ છે અને તેના કારણે સ્કીલ્ડ વર્કર્સ માટે ઘણી સમસ્યાઓ થાય છે.
જોકે, આ સોશિયલ મીડિયા પોસ્ટના કારણે એટલો બધો દેકારો થયો કે તેણે પોસ્ટ ડિલિટ કરવી પડી છે. આ યુવાનને તો 9 વર્ષે ગ્રીન કાર્ડ મળી ગયું પરંતુ મોટા ભાગનાને આખી જિંદગી રાહ જોયા પછી પણ ગ્રીન કાર્ડ નહીં મળે કારણ કે જે ઝડપે ગ્રીન કાર્ડની અરજીઓ પ્રોસેસ થાય છે તેના પરથી લાગે છે કે કેટલાક લોકોએ 195 વર્ષ સુધી રાહ જોવી પડશે. અમેરિકન ગ્રીન કાર્ડ દ્વારા લોકોને અમેરિકામાં નાગરિક તરીકે કાયમી વસવાટ કરવાનો અધિકાર મળે છે. એક આઈટી એન્જિનિયરે લખ્યું છે કે 3505 દિવસ રાહ જોયા પછી આખરે મને ગ્રીન કાર્ડ મળી ગયું છે.
હાલમાં આશરે 12.60 લાખ ભારતીયો ગ્રીન કાર્ડના બેકલોગમાં છે અને 2030 સુધીમાં આ આંકડો 22 લાખ સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. જે ભારતીય એન્જિનિયરની વાત થઈ રહી છે તે આઈટી સેક્ટરમાં કામ કરે છે. તેણે લખ્યું છે કે ભારતથી હજારોની સંખ્યામાં હાઈ સ્કીલ્ડ વર્કર્સ અમેરિકા આવ્યા છે અને ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે, પરંતુ આ સિસ્ટમમાં એટલી બધી ખામી છે કે તેમાં અરજીનો નિકાલ થતા વર્ષો લાગી જાય છે. ઈન્ટરનેટ કંપની માટે કામ કરતા યુવાને કહ્યું કે હવે મને પર્મેનન્ટ રેસિડન્સી મળી ગઈ છે. હું મને ફાવે તે રીતે ટ્રાવેલ કરી શકું છું અને વિઝા સ્ટેમ્પની કે બીજી હજારો ચીજોની કોઈ ચિંતા નથી.
ટ્વિટર પરની આ પોસ્ટ વાઈરલ થતા તેના પર ઘણા રિએક્શન આવ્યા હતા. અંતે યુવાને આ પોસ્ટ ડિલિટ કરવી પડી હતી અને પોતાનું ટ્વિટર એકાઉન્ટ પણ પ્રાઈવેટ કરી દેવું પડ્યું હતું. તેણે ટ્વિટમાં લખ્યું હતું કે હું ખરેખર નસીબદાર છું કારણ કે હજારો ટેલેન્ટેડ એન્જિનિયરો અને રિસર્ચરો અમેરિકામાં વર્ષો સુધી કામ કરે છે અને તેમને ગ્રીન કાર્ડ પણ નથી મળતું. મોટા ભાગના લોકો કામચલાઉ H-1B વિઝા પર કામ કરે છે. ગ્રીન કાર્ડ માટે તો એટલી રાહ જોવી પડે છે કે તેનો કોઈ અંત નથી દેખાતો. તેનું કહેવું છે કે H-1B વિઝા અત્યંત મર્યાદિત છે.
તમારે દર થોડા થોડા વર્ષે બહાર જઈને યુએસ કોન્સ્યુલેટ પાસેથી નવો વિઝા સ્ટેમ્પ લગાવવો પડે છે. તમે આવો સ્ટેમ્પ ન લગાવી શકો તો અમેરિકામાં એન્ટર કરી શકતા નથી. આના કારણે જ હું એક પણ કોન્ફરન્સમાં હાજરી આપી શક્યો નથી. મારા કેટલાક મિત્રોના સગા મૃત્યુ પામ્યા ત્યારે તેઓ તેને છેલ્લી વખત જોવા પણ જઈ શક્યા ન હતા કારણ કે તેઓ H-1B વિઝા પર આવ્યા હતા અને તેમને વિઝા એપોઈન્ટમેન્ટ મળી ન હતી. આ બહુ અમાનવીય છે. ઘણા ભારતીયો અમેરિકાના પર્મેનન્ટ રેસિડન્ટ બનવાનું સપનું ધરાવતા હોય છે. તેમના માટે સેનેટ અને કોંગ્રેસમાં ઘણા બિલ પણ આવ્યા છે, પરંતુ ભારતીયોને કોઈ રાહત મળી નથી.
આ બધી વાતો ભારતીય યુવાને કરી છે જે પોસ્ટ તેણે હવે ડિલિટ કરી દેવી પડી છે. જોકે, આ વાત વાસ્તવિકતાનો ચિતાર આપે છે અને અમેરિકાએ ગ્રીન કાર્ડના મામલે કંઈક કરવું જોઈએ તે વાત પર ભાર મૂકે છે.

READ ON APP