Hero Image

મતદાન કરવા આવેલા દ્રવિડની સાદગીએ જીતી લીધું લોકોનું દિલ, વિડીયો થયો વાયરલ

દિગ્ગજ ક્રિકેટર અને હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આજે ડોલર્સ કોલોની બેંગલુરુમાં પોતાનો મત આપ્યો. લોકસભાની ચૂંટણી માટેના બીજા તબક્કામાં બેંગલુરૂમાં મતદાન થયું હતું. રાહુલ દ્રવિડ એકદમ સિમ્પલ કપડાં પહેરીને પોતાનો મત આપવા માટે પહોંચ્યો હતો. એટલું જ નહીં રાહુલ દ્રવિડ સામાન્ય જનતાની જેમ મત આપવા માટે લાઈનમાં ઊભેલો જોવા મળ્યો હતો.
રાહુલ દ્રવિડ જર્સી-શોર્ટ અને ચંપલ પહેરીને મત આપવા પહોંચ્યો હતો. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તેની સાદગીએ લોકોના દિલ જીતી લીધા. એક X યુઝરે આવો જ એક વીડિયો શેર કર્યો છે. યુઝરે લખ્યું હતું કે, વોટિંગ લાઈનમાં ધ વોલ, તેઓ કહે છે કે તેમણે રાષ્ટ્રીય હિતમાં અને ભારતને ગ્લોબલ લીડર બનાવવા માટે મતદાન કર્યું. વીડિયોમાં જોવા મળે છે કે, દ્રવિડે વાદળી ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યા છે. તે અદબવાળી પોતાનો વારો આવે તેની રાહ જોઈને ઊભો છે.
રાહુલ દ્રવિડના આ વાયરલ વિડીયો અંગે એક્સ યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક એક્સ યુઝરે પોસ્ટ કર્યું, કે તે સર્વશ્રેષ્ઠ છે. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, આ જ અસલી ધન છે અને તેની પાસે પોતાનુ સ્થાન છે. ત્રીજા યુઝરે લખ્યું હતું કે, હું તેને ઓળખું છું. તે ખૂબ જ નમ્ર વ્યક્તિ છે. ચોથાએ ટિપ્પણી કરી હતી કે, સાદગીનું મૂર્ત સ્વરૂપ.' અન્ય એક યુઝરે લખ્યું હતું કે, વાહ, આ અદ્ભુત છે! આટલા ઉચ્ચ હોદ્દા પરના કોઈ વ્યક્તિને સાચા અને વ્યવહારુ વર્તન કરતા જોવું ખૂબ જ આનંદદાયક છે. સરળતા ખરેખર શ્રેષ્ઠ વાઈબ્સ આપે છે.વોટ આપવા પર રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, વોટિંગ સરળતાથી થયું અને પ્રક્રિયા ખૂબ જ સરળ હતી.
આપણી લોકશાહીને આગળ લઈ જવી મહત્વપૂર્ણ છે અને હું દરેકને બહાર નીકળવા અને મતદાન કરવા વિનંતી કરું છું. તેમણે કહ્યું હતું કે, મને આ વખતે બેંગલુરુમાં મોટી સંખ્યામાં વોટિંગની આશા છે. ઘણા મતદારો પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે અને દરેકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. જો યુવાન છોકરાઓ અને છોકરીઓ મતદાન કરવા આવે તો તે સારું રહેશે.

READ ON APP