Hero Image

ડ્રેસિંગરૂમમાં રડી પડ્યો રોહિત શર્મા! આંખોમાં છલકાયા આંસુ, ચહેરા પર હતાશા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2024માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે સાત વિકેટે વિજય નોંધાવ્યો હતો. જોકે, ટીમના સ્ટાર બેટર અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ ચિંતાજનક રહ્યું છે. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સદી ફટકાર્યા બાદ રોહિત શર્માનું ફોર્મ કથડ્યું છે.
આગામી મહિનેથી T20 વર્લ્ડ કપ રમાવાનો છે. જેમાં રોહિત શર્મા ભારતીય ટીમની આગેવાની કરશે. તેથી ભારતીય કેપ્ટનના ફોર્મને લઈને ઘણી ચિંતાઓ છે. સોમવારે રાત્રે વિશ્વના સૌથી વિસ્ફોટક ઓપનર રોહિત શર્માએ પાંચ બોલમાં માત્ર ચાર રન નોંધાવ્યા હતા. આઉટ થયા બાદ તે ડ્રેસિંગ રૂમમાં નિરાશ જોવા મળ્યો હતો. જ્યારે કેમેરાએ તેના પર ફોકસ કર્યું ત્યારે આખી દુનિયાએ જોયું કે રોહિત શર્મા કેટલો ઉદાસ હતો. તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. તેની આંખો પણ ભીની હતી અને તે પોતાની આંખો લૂછતો સ્પષ્ટપણે જોવા મળતો હતો. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેના કારણે ભારતીય ક્રિકેટપ્રેમીઓ અને રોહિતના ચાહકો પણ ભાવુક બન્યા છે.
આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપમાંથી અચાનક દૂર કરવામાં આવેલા રોહિત શર્માએ સિઝનની તેની પ્રથમ સાત ઈનિંગ્સમાં 297 રન નોંધાવ્યા હતા, જેમાં દિલ્હી કેપિટલ્સ સામે 49 રન અને ઘરઆંગણે ચેન્નઈ સુપર કિંગ્સ સામે અણનમ 105 રનનો સમાવેશ થાય છે. જોકે, તેની આગામી પાંચ મેચોમાં તે માત્ર 34 રન જ ઉમેરી શક્યો છે, જેમાંથી ચાર સ્કોર સિંગલ ડિજિટમાં છે. સોમવારે મુંબઈમાં રોહિત વિપક્ષના કેપ્ટન પેટ કમિન્સના લેન્થ બોલ પર આઉટ થયો હતો. તે તેને સ્ક્વેર પર ફ્લિક કરવા માંગતો હતો, પરંતુ તે શોટ રમવા માટે ખૂબ જ ઉતાવળમાં હતો અને બોલ હવામાં ઊંચો ગયો હતો. વિકેટકીપર હેનરિક ક્લાસને તેને આરામથી કેચ કરીને રોહિતને પેવેલિયન ભેગો કરી દીધો હતો.રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપરજાયન્ટ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને હવે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી છેલ્લી પાંચ મેચોમાં રોહિતનો સર્વોચ્ચ સ્કોર 11 રન છે. મુંબઈ ઈન્ડિયન્સ કરતાં પણ ટીમ ઈન્ડિયા માટે રોહિતનું કંગાળ ફોર્મ વધારે ચિંતાનો વિષય છે. ભારતીય ખેલાડીઓ ટી20 વર્લ્ડ કપ માટે અમેરિકા રવાના થાય તે પહેલા રોહિત શર્માને આઈપીએલ 2024માં તેનું ફોર્મ શોધવા માટે હજુ વધુ બે તક મળશે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે.

READ ON APP