Hero Image

2 રૂપિયાના યોગદાનથી બનેલી 'મંથન' ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે વર્લ્ડ પ્રિમિયર

Entertainment News: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) દ્વારા નિર્મિત ફિલ્મ ‘મંથન’ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 1976માં રિલીઝ થયેલી શ્યામ બેનેગલની ફિચર ફિલ્મ ‘મંથન’ને 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ માટે પસંદ કરવામાં આવી છે.

અમૂલ બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતી GCMMF તેની સુવર્ણ જયંતિની ઉજવણી કરી રહી છે.

આ સુવર્ણ મહોત્સવના અવસર પર, GCMMFએ ફિલ્મ ‘મંથન’ને 4K (અલ્ટ્રા હાઇ ડેફિનેશન)માં ફરીથી રજૂ કરશે. ‘મંથન’ની 4K ગુણવત્તાવાળી ફિલ્મ મે મહિનામાં યોજાનારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં રેડ કાર્પેટ વર્લ્ડ પ્રીમિયર માટે પસંદ કરવામાં આવી છે. ‘મંથન’ એકમાત્ર ભારતીય ફિલ્મ છે જેને આ વર્ષે ફેસ્ટિવલના કાન્સ ક્લાસિક વિભાગ હેઠળ પસંદ કરવામાં આવી છે.

GCMMFના એમ. ડી. જયેન મહેતાએ જણાવ્યું હતું કે, ‘ભારતના શ્વેત ક્રાંતિના પિતા ડો. વર્ગીસ કુરિયન દ્વારા પ્રેરિત દૂધ સહકારી ચળવળથી મંથન પ્રેરિત છે. આ ફિલ્મે ડેરી સહકારી ચળવળ પર ભારે અસર કરી છે. તેણે દેશભરના લાખો ખેડૂતોને સ્થાનિક ડેરી સહકારી સંસ્થાઓ બનાવવા માટે એકસાથે આવવા પ્રેરિત કર્યા અને દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ ભારતની સફરમાં મોટો ફાળો આપ્યો છે. મંથન ફિલ્મે લોકોને વિશ્વાસ અપાવ્યો કે પશુપાલન અને દૂધ ઉત્પાદન આજીવિકાનું ટકાઉ અને સમૃદ્ધ માધ્યમ બની શકે છે. ભારત 1998માં વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો અને ત્યારથી આ સ્થિતિ જાળવી રાખી છે.

સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, ગિરીશ કર્નાડ અને અમરીશ પુરી જેવા કલાકારોએ કામ કર્યું હતું. આ ફિલ્મમાં ગરીબ ખેડૂતોના સંઘર્ષ અને વિજયની વાત સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. જેઓ તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે એક સહકારી ડેરી સ્થાપે છે તેમજ એક સમિતિની રચના પણ કરે છે. જે એક અસાધારણ સહકારી ડેરીની ચળવળની વાત રજૂ કરે છે. જેણે ભારતને દૂધની અછત ધરાવતા દેશોમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશમાં બદલી નાખ્યું.

આ ફિલ્મ જ્યારે બની હતી ત્યારે તેનું બજેટ રૂપિયા 10 લાખ હતું. ‘મંથન’ પણ પ્રથમ ક્રાઉડ-ફંડેડ ભારતીય ફિલ્મ કહેવાય છે, જેમાં તે સમયે GCMMFમાં તમામ 5 લાખ ડેરી ખેડૂતોએ તેના ઉત્પાદન ખર્ચને પહોંચી વળવા માટે 2 રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આ ફિલ્મ સમુદાય-સંચાલિત પહેલોની પરિવર્તનશીલ સંભવિતતા દર્શાવે છે અને ભારતીય સિનેમાના સામાજિક રીતે સંબંધિત કથાઓમાં એક મહત્વપૂર્ણ પ્રકરણને ચિહ્નિત કરે છે.

‘મંથન’ને 1977માં હિન્દીમાં શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને વિજય તેંડુલકર માટે શ્રેષ્ઠ પટકથા માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. તે 1976 માં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે એકેડેમી એવોર્ડ માટે ભારતનું સબમિશન પણ હતું.

આ પણ વાંચો:પ્રસિદ્ધ અભિનેત્રીએ નિર્માતા પર હેરાનગતિનો આરોપ મૂકતાં ખળભળાટ

આ પણ વાંચો:ફેમસ મોડેલ છઠ્ઠા બાળકને જન્મ આપવા માંગે છે, ત્રણ લગ્ન પછી છુટાછેડા

આ પણ વાંચો:તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સોઢી થયો ગુમ, પિતાએ નોંધાવી FIR

READ ON APP