Hero Image

અયોધ્યા મુદ્દે રચાયેલી  મધ્યસ્થીઓની ટીમ સામેના પડકારો

કરન્ટ અફેર : આર. કે. સિંહા

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ત્રણ મધ્યસ્થીની ટીમ માટે મધ્યસ્થી કરવા માટે ખૂબ ઓછો અવકાશ છે. જસ્ટિસ એફ.એમ.આઈ. કલીફુલ્લા (સુપ્રીમના નિવૃત્ત જજ)ના નેતૃત્વ હેઠળ બનેલી મધ્યસ્થી માટેની ટીમમાં શ્રી શ્રી રવિશંકર (આર્ટ ઓફ લિવિંગ) અને શ્રીરામ પાંચુનો સમાવેશ થાય છે. આ ટીમે બાંધી બે મહિનાની મુદતમાં મુસ્લિમ અને હિંદુ સંગઠનો વચ્ચે રામમંદિર નિર્માણ મુદ્દે પ્રવર્તી રહેલા વિવાદોનું સમાધાન શોધવાનું છે.

એક વાત નક્કી છે કે વર્તમાનમાં રામલલ્લાનું મંદિર આવેલું છે તે જ સ્થળે મંદિર બનશે તે મુદ્દાથી વાતચીત શરૂ થશે. હાલમાં આ મંદિર ૨.૭૭ એકરની વિવાદાસ્પદ જમીન પર આવેલું છે. મંદિર સ્થળને તેના વર્તમાન સ્થાનથી ખસેડી શકાય નહીં કે ખસેડાશે નહીં. જ્યારે હું કહું છું કે વિવાદમાં સામેલ બે પક્ષકારો વચ્ચે વાટાઘાટો કે મધ્યસ્થી માટેની શક્યતા નહિવત્ છે તે એટલા માટે કહું છું કે મંદિર ખસવાનું નથી અને જ્યારે પણ રામમંદિર નિર્માણ થશે ત્યારે તે મંદિર એ જ સ્થાને નિર્માણ પામશે. હવે પ્રશ્ન એ રહે છે કે વિવાદમાં જે બીજો પક્ષકાર છે તે મુસ્લિમ સંગઠનો ટીમ સાથે આ મુદ્દે સહમત થશે? આ કેસના મુખ્ય પક્ષકાર તે સુન્ની વકફ બોર્ડના ઇકબાલ અન્સારી છે અને તેમણે વાટાઘાટોની રાહે વિવાદ ઉકેલવા થયેલી પહેલને આવકારી છે. ૨.૭૭ એકર જમીનના ટાઈટલ માટે તેમની અરજી સુપ્રીમ કોર્ટમાં પડતર છે. સંભવ છે કે અન્સારી કદાચ રામમંદિરના નિર્માણ માટે વિવાદિત જમીન કેસના બીજા દાવેદાર નિર્મોહી અખાડાને સોંપવા સહમત થઈ જાય. એ પણ સંભવ છે કે અને મુસ્લિમ સંગઠનો અને ખાસ કરીને અખિલ ભારત મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પણ તે દિશામાં વિચારે. રામમંદિર નિર્માણના વિરોધ પાછળ મુસ્લિમ પર્સનલ બોર્ડ મુખ્ય પરિબળ છે.

એકવાર મુસ્લિમ સંગઠનો વિવાદિત જમીન પરનો તેમનો દાવો જતો કરવા તૈયાર થઈ જાય તે પછી મંદિર વિવાદના સમાધાન આડેના મોટાભાગના અવરોધો દૂર થઈ ગયા એમ માની શકાય, પરંતુ તે પછી શું?

મધ્યસ્થીઓની ટીમ સામેની સૌથી મોટી સમસ્યા તે મુસ્લિમ સંગઠનો દ્વારા નવી મસ્જિદ નિર્માણ માટે થનારી માગણી છે. નવી મસ્જિદ બાંધવાની માગણી પણ કોઈ સમસ્યા નથી જ પરંતુ નવી મસ્જિદ બાંધવા માટેના સ્થળની પસંદગીનું શું ? મુસ્લિમોની પ્રથમ માગણી એ હશે કે મસ્જિદ અયોધ્યામાં ઊભી થાય અને રામમંદિર સ્થળથી નજીક જ ઊભું થાય. વાટાઘાટોના આરંભિક તબક્કામાં મુસ્લિમ સમુદાયના નેતાઓ વારાણસીમાં કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર નજીક જ આવેલી જ્ઞાનપાવી મસ્જિદ, કે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિર નજીક જ આવેલી શાહી ઇદગાહનું ઉદાહરણ ટાંકીને રામમંદિર નજીક જ મસ્જિદ નિર્માણનો આગ્રહ રાખે તે સંભવ છે. પરંતુ વાટાઘાટોમાં સામેલ હિંદુ નેતાઓ તે માગણીને ફગાવી દેશે તે લગભગ નિશ્ચિત છે.  આખરે વધુમાં વધુ એટલું થઈ શકે કે હિંદુ સંગઠનોની સહમતી મેળવીને મધ્યસ્થીઓની ટીમ મુસ્લિમ સંગઠનોને રામમંદિરથી દૂરના અંતરે અયોધ્યાના કોઈક સ્થાનની ઓફર કરી શકે પરંતુ હિંદુ સંગઠનો તે દરખાસ્ત સાથે સહમત થાય કે ના થાય તેના પર પૂરી વાત ટકેલી છે. કેટલાક નેતા એવા છે કે જે માગણી કરી રહ્યા છે કે નવી મસ્જિદ અયોધ્યાની બહાર ઊભી કરવામાં આવે. અહીં હવે મુસ્લિમ નેતાગારી તે માટે સહમત થવાની જૂજ સંભાવના છે. તો સમાધાન શોધવું કઈ રીતે?

સમાધાન એક જ છે કે વિવાદમાં ઊતરેલા બંને પક્ષકારો ‘ગીવ એન્ડ ટેક’ અભિગમ અપનાવે તો જ સમાધાન સંભવ છે. વિવાદમાં જોતરાયેલા બંને પક્ષકારો મસ્જિદના સ્થાન માટે સહમત થાય તે પછી હિંદુ નેતાગીરી દ્વારા મસ્જિદના નિર્માણમાં મદદની પહેલ પણ થવી રહી. નવી મસ્જિદના નિર્માણ માટે સરકારને જમીન ફાળવણી માટે કોઈ સમસ્યા નથી.

વિશાળ વિસ્તારમાં ભવ્ય રામમંદિરની યોજના હોવાથી મુસ્લિમ નેતાઓ પણ ભવ્ય મસ્જિદના નિર્માણ માટે મોટી જમીનની માગણી કરી શકે છે. એવું રામમંદિર નિર્માણ કરવાની યોજના છે કે જેનું સ્થાપત્ય અને કલા એવા હશે કે ભારતના જ નહીં પણ વિદેશના પ્રવાસીઓ પણ આકર્ષાશે.

પરંતુ આપણે એટલા આશાવાદી ના બની શકીએ કે મધ્યસ્થીઓની ટીમની નિમણૂક અયોધ્યા વિવાદનો અંત લાવી દેશે અને કોર્ટે સૂચવેલી બે મહિનાની નિશ્ચિત સમયમર્યાદામાં બધું જ થાળે પડી જશે. એવા તત્ત્વો પણ છે કે જે વિવાદને ઉકેલવા ટીમ દ્વારા થનારા તમામ પ્રમાણિક પ્રયાસોને હતાશામાં ભેળવવા પણ પ્રયાસ કરશે. મધ્યસ્થીઓની ટીમ નિષ્ફળ જશે તો મામલો ફરી ન્યાય પ્રક્રિયા શરૂ થશે. સુપ્રીમ કોર્ટે તે પછી ૨.૭૭ એકર વિવાદાસ્પદ જમીનની ટાઇટલ સૂટ કેસમાં ન્યાય આપવાની જવાબદારી નિભાવતાં કેસની સુનાવણી શરૂ કરવી પડશે.

આ સંદર્ભમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નિવેદન મહત્ત્વનું છે. સંઘે કહ્યું છે કે, ‘વિવાદ પરનો ચુકાદો ઝડપથી આવવો જોઇએ. અમે અનુભવી રહ્યા છીએ કે હિંદુની સતત અવગણના થઈ રહી છે. ન્યાયતંત્ર પરત્વે પૂરા સન્માન સાથે અમારે કહેવું ભારપૂર્વક પડશે કે ઝડપથી વિવાદનો ચુકાદો આવવો જોઇએ અને ભવ્ય રામમંદિર નિર્માણ આડેના અવરોધ દૂર થવા જોઇએ. ‘

( લેખક રાજ્યસભાના સભ્ય છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને પર પણ ફોલો કરી શકો છો.

READ ON APP