Hero Image

રંગો હોળીના, ચૂંટણીના ને વિશ્વશાંતિના

ઘટના અને ઘટન : મણિલાલ એમ. પટેલ

હોળી-ધુળેટી રંગોનો તહેવાર છે. માનવીનું જીવન પણ વિવિધ રંગોથી ભરપૂર છે. રંગ ને ધૂળમાં ઘણો ફરક છે. રંગ તો એકતાનું પ્રતીક છે. માણસ જ્યારે રંગને રંગભેદમાં પલટે છે ત્યારે થાય છે કે આપણે આપણા તહેવારોનું તત્ત્વ ને સત્ત્વ જ સમજ્યા નથી. અંતે તો એક જ રંગ છે સફેદ જે શાંતિનું પ્રતીક છે. લાલ રંગની નિર્દોષ હોળીને બદલે દુનિયામાં જ્યારે લોહીની હોળી ખેલાય ત્યારે ગાંધી ૧૫૦ના વર્ષમાં ગાંધીજીની સ્મૃતિને તેની પ્રસ્તુતતાનું સ્મરણ થાય તે સ્વાભાવિક છે.

ધર્મ, જ્ઞાતિ કે પ્રાંતના રંગો સમાજ કે રાજ્ય વ્યવસ્થાના ભાગ કે અંગો છે. તેની વચ્ચે વૈમનસ્ય નહીં પણ સમતુલન, સંકલન, સદ્ભાવ હોવાં જોઈએ. ઘટના કાશ્મીરની હોય, ન્યૂઝીલેન્ડની હોય, ફ્રાન્સ, અફઘાનિસ્તાન, ઈરાન-ઇરાક, ઇઝરાયેલ કે સીરિયાની હોય તેના મૂળમાં સમાજ માણસ કરતાં ધર્મ, પ્રદેશ કે જ્ઞાતિને જે વધુ મહત્ત્વ આપે તે છે. એક દેશને બીજા દેશના કે બીજા ધર્મના લોકો ખપતા નથી. એક જ દેશના એક રાજ્યને પોતાના જ દેશના બીજા રાજ્યના લોકો ગમતાં નથી. એક જ્ઞા।તિને બીજી જ્ઞાતિ ગમતી નથી કે એક જ્ઞા।તિને તેની બીજી પેટાજ્ઞા।તિ પણ ખપતી નથી. ત્યારે ગાંધીની વસુધૈવ કુટુંબકમ્ યા વિનોબાની જય જગતની વાત કેટલી બધી પ્રસ્તુત લાગે છે. જોકે એક ધર્મને બીજો ધર્મ કે એક જ ધર્મને તેના જ ધર્મનો બીજો સંપ્રદાય પણ ગમતો નથી. સામ્રાજ્યવાદ, સત્તા ને વ્યાપારની લડાઈમાં વિશ્વ ફસાયું છે. ત્યારે તે બધાના પાયામાં રહેલો મનુષ્ય ભુલાતો જાય છે. વ્યાપારનું મૂલ્ય વધ્યું છે, માણસનું ઘટયું છે. વળી પાછું આ બધું થાય છે તે ધર્મના નામે ને નેજા હેઠળ !

મારી જાપાન મુલાકાત ટાણે મારે ટોકિયોની એક શાળાની મુલાકાત લેવાનું થયું ત્યારે એક વિદ્યાર્થિનીએ મને કહ્યું કે, મારે એક વાર ભારત આવવું છે. મેં પૂછયું કે, ભારતમાં કેમ આવવું છે, તાજમહાલ જોવો છે ? તેનો જવાબ ૧૨૫ કરોડ લોકોની આંખો ઉઘાડે તેવો હતો. તેણે કહ્યું કે, ભારતમાં દુનિયાના બધાં જ ધર્મોના લોકો વસે છે, અનેક જ્ઞા।તિઓ ને પેટાજ્ઞા।તિઓ છે, છતાં આ બધા એકસાથે કેવી રીતે રહે છે તે મારે જોવું છે. ભારતની વિશિષ્ટતા જ વિવિધતામાં એકતા છે. અબુધાબીમાં તાજેતરમાં મુસ્લિમ સંસ્થા દ્વારા આયોજિત વૈશ્વિક ધર્મ સંમેલનનો પ્રારંભ હિંદુ સંત ને સમાપન ખ્રિસ્તી ધર્મના પોપથી થયું તે કોઈ નાનીસૂની ઘટના નથી. ન્યૂઝીલેન્ડ જેવી કે કાશ્મીર જેવી નિર્દોષ માણસોનાં લોહી વહેવડાવનારી ઘટનાઓ વચ્ચે સર્વોચ્ચ ખ્રિસ્તી ધર્મગુરુનો ઇસ્લામિક દેશની ધરતી પર વિશ્વ બંધુત્વ ને ભાઈચારાનો જે સંદેશ આપ્યો તેની વિશ્વને આજે સૌથી વધુ જરૂર છે. વિશ્વના ધર્મો વચ્ચેની ખાઈ પૂરવામાં આવી ઘટનાઓ મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે. આપણે ગાંધીની હત્યા તો કરી પણ તેના પૂતળા પર પણ ગોળીઓ છોડવાનું ચૂક્યા નથી. એ જ ગાંધીની સર્વધર્મ સમભાવ કે સદ્ભાવની વાત જ સાચી વિશ્વશાંતિ લાવી શકશે. હોળીનો રંગ લાલ હોય પણ લોહી નહીં. પોપ ફ્રાન્સિસ પહેલાં એવા પોપ છે કે જેમને અખાતી દેશનો પ્રવાસ કર્યો હોય. ભારત પાકિસ્તાનના ભાગલા પછી ગાંધીની પહેલી યોજના પણ પાકિસ્તાન જવાની જ હતી. તેના મૂળમાં ગાંધીની પ્રેમ, શાંતિ ને કરુણાની ભાવના જ હતી. પાકિસ્તાન ન હોત તો આજે ચીન, અમેરિકા ને રશિયા આપણને લડાવીને વ્યાપાર કરે છે તેવી સ્થિતિ પેદા ન થઈ હોત. વિભાજનના મૂળમાં પણ બ્રિટનની એ જ ભાવના હતી કે જુદા પાડીને પણ જુદી રીતે રાજ કરીશું. આજે સમજાય છે કે ચીન, અમેરિકા, બ્રિટન જીત્યાં છે ને ભારત-પાકિસ્તાનની હાર થઈ છે. વિભાજનને કારણે ભારતને આતંકવાદ સહન કરવો પડે છે, કાશ્મીર શાંત રહેતું નથી ને સંરક્ષણખર્ચ પણ કરવો પડે છે.

ગાંધી સાર્ધ શતાબ્દી ઊજવીએ છીએ ત્યારે દેશની ૧૭ ચૂંટણીઓ ઉપરાંત ગ્રામ, તાલુકા, જિલ્લા ને રાજ્યોની ચૂંટણીઓ ને ૭૦ જેટલાં અંદાજપત્રો રજૂ કર્યા પછી પણ દેશમાં ‘હિંદ સ્વરાજ’ આવ્યું તે ખરું ? તે પ્રશ્ન આઝાદ ભારતના નેતાઓ ને પ્રજા માટે આત્મખોજનો વિષય છે. આપણે આબાદીને બદલે આઝાદી પછી લોકશાહીના નામે ચૂંટણી ને સત્તાના ખેલમાં પડયા ને ગાંધીની મૂળ વાત વિસારે પાડી દેવાઈ. તેના ૧૧ મહાવ્રતો ને ૭ પાપોની વાત આપણે ઘોળીને પી ગયા. પરિણામે આજે ચૂંટણી કોઈ વિકાસ કે વ્યવસ્થા પરિવર્તનનું નહીં પણ માત્ર સત્તા પરિવર્તન કે પુનરાવર્તનનું માધ્યમ બની ગઈ છે. આપણને ધર્મ, જ્ઞા।તિ, પેટાજ્ઞા।તિ કે પ્રદેશવાદના વાડામાં કોઈ ફસાવતું હોય તો તે માત્ર ને માત્ર સત્તાનું સર્વપક્ષીય રાજકારણ છે.

દિલ્હીમાં ત્રિરંગો લહેરાવાની તૈયારી હતી. કોંગ્રેસના નેતાઓ સત્તા મેળવવાના મૂડમાં હતા ત્યારે ગાંધી તો બિચારા નોઆખલીમાં કોમી એકતાના કાર્યમાં હતા. ગાંધીને ક્યાં કશું મેળવવું કે જોઈતું હતું યા તો મત મેળવવા હતા કે તેથી તેને કોઈની તરફેણ કે વિરોધ કરવા પડે. આજે દેશમાં લોકશાહીના નામે આદર્શવિહીન ને સિદ્ધાંતોવિહીન રાજનીતિએ ભરડો લીધો છે. ચૂંટણીઓ હજુ પ્રજાલક્ષી બની નથી પણ પ્રજાને ચૂંટણીલક્ષી બનાવી દેવાઈ છે. બે હજારથી વધુ એટલે કે ચાર લોકસભા રચી શકાય તેટલા રાજકીય પક્ષોની દેશમાં સંખ્યા થઈ ગઈ છે. બધાં જ રાજકીય પક્ષો પણ કોઈ રાષ્ટ્રીય પક્ષ નથી. બધા જ સત્તા પાછળ પડેલા પક્ષો છે પણ પ્રજા પાછળ કોઈ નથી. પક્ષો માટે પક્ષ પ્રથમ છે પછી દેશ આવે છે. એય બીજા ક્રમે પણ દેશ આવે છે કે કેમ તેનીયે હવે તો શંકા જાય છે. બધાને ચૂંટણી સમયે રેલીઓ, સભાઓ, ભૂમિપૂજનને લોકાર્પણ યાદ આવે છે. ચૂંટણી જાહેર થાય તેના છ મહિના પહેલાંથી રાજકીય પક્ષોને પ્રજાની યાદ આવે છે ને પછી સાડા ચાર વર્ષ સુધી કોઈ પ્રજાને યાદ પણ કરતું નથી. પ્રજા પણ સૂત્રો, વાણી વિલાસ, ભાવાત્મક ને મનોરંજક ભાષણોની ભાંડણલીલાથી ભરમાઈ જાય છે ને વિકાસના પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી જેવા પાયાના પ્રશ્નો ભૂલી જાય છે અને નેતાઓ તથા પક્ષોના સૂત્રો ને ભાષણોનો એવો પેંતરો હોય છે કે, પ્રજાનું ધ્યાન પાયાના મૂળભૂત પ્રશ્નોથી હટી જાય ને જ્ઞાતિ, ધર્મ કે પ્રદેશના વાડામાં ફસાયેલી રહે. જેથી તેમની સત્તા બરકરાર રહે. પ્રજાએ પણ માત્ર ટીકાઓ કર્યા વિના સાવધાનીપૂર્વક મતદાન કરીને દિલ કરતાં દિમાગનો વધુ ઉપયોગ કરતાં શીખવું પડશે ને વિષાદયોગમાંથી બહાર નીકળવું પડશે. ગાંધી ૧૫૦ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાશે ને ગાંધીને યાદ કરાશે પણ તેનો રતિભાર પણ અમલ થાય તો સારું. દેશમાં ભાગ્યે જ એવું કોઈ શહેર હશે કે રોજ ‘ગાંધી માર્ગ’ નામનો રસ્તો નહીં હોય. તેના પરથી રોજ કરોડો લોકો ચાલતા હશે પણ હવે દેશને જરૂર છે ‘ગાંધી માર્ગે’ ચાલવાની. તેમના નામના રસ્તે નહીં, તેમણે ચીંધેલા માર્ગે ચાલવાની. ચૂંટણીના પણ અનેક રંગ છે ને ચૂંટણીમાં અનેક રંગો બદલાશે પણ પ્રજાના હૈયામાં તો વિકાસની હોળી પ્રગટવી જોઈએ અને નેતાઓ તથા પક્ષોના વ્યવહારમાં પણ વિકાસની હોળી પ્રગટે તે જ હોળી-ધુળેટીના તહેવારનો મર્મ છે. ચૂંટણી ટાણે પરસ્પર સામસામે ધૂળ ઉડાવવાને બદલે અસલી ભારતીય રંગોથી ચૂંટણીની હોળી ખેલાય તે દેશના હિતમાં છે. સાચી વિકાસની હોળી પ્રગટશે તો લોકોની હૈયાહોળી બંધ થશે. ઇચ્છીએ કે, ચૂંટણીનાં તમામ દૂષણો હોળીમાં બળીને ખાખ થઈ જાય ને હોળીમાંથી પ્રહ્લાદરૂપી પ્રજા સુપેરે બહાર આવે. હોળીના રંગોમાં આનંદ છે પણ તેમાં ‘રંગભેદ’ ભળે ત્યારે તે ‘ધૂળ’ બની જાય છે. હોળીના રંગોને એકતાના પ્રતીક રહેવા દઈએ તેને ધૂળમાં ન મેળવીએ તે જ હોળી-ધુળેટીનો સંદેશ છે. હોળીની પિચકારીમાંથી એકતાના રંગો છૂટે ને નિર્દોષ માણસોના લોહીની પિચકારીઓ બંધ થાય તેટલી સમજ પ્રગટે તેમાં જ હોળીકોત્સવનું સાર્થક્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને પર પણ ફોલો કરી શકો છો.

READ ON APP