Hero Image

સોશિયલ મીડિયા પર ચૂંટણી પંચની બાજ નજર

ઓવર વ્યૂ

લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ચૂંટણી પંચનો ધમધમાટ શરૂ થયો છે. ચૂંટણી પંચે તમામ શહેરોમા લાગેલા નેતાઓના પોસ્ટર, બેનર, હોર્ડિંગ્સ ઉતારવાનું શરૂ કરી દીધું હતું. આચારસંહિતા લાગુ હોવાથી ચૂટણી પંચે આવી બધી ગતિવિધિઓ હાથ ધરી છે. આ વખતની આચારસંહિતામાં સોશિયલ મીડિયાને પણ લવાયુ છે. ચૂંટણી પંચની કડકાઈ જોતા લાગી રહ્યું છે આ વખતની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર બાજ નજર રખાશે.

આગામી લોકસભા ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝના પૂર પર અંકુશ લગાવવા માટે ચૂંટણી પંચે ફેસબુક, ટ્વિટર અને ગૂગલથી વાતચીત કરી છે. સરકારે આ કંપનીઓથી ચૂંટણી દરમિયાન પોસ્ટ કરનારા તમામ રાજકીય કન્ટેન્ટ પર નજર રાખવા અને ફેક ન્યૂઝને પ્રોત્સાહન આપનારી પોસ્ટને ૨૪ કલાકની અંદર ખસેડવા કહ્યું છે. હાલમાં આ કંપનીઓના પ્રતિનિધિઓની ચૂંટણી પંચની સાથે એક બેઠક થઈ છે. આ બેઠકમાં ચૂંટણી પંચે આ કંપનીઓને એ વાતનું ધ્યાન રાખવા માટે નિર્દેશ આપ્યો હતો કે ચૂંટણીપ્રચાર પૂરો થવાથી લઈને મતદાન સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ પાર્ટી કોઈ પણ પ્રકારનો કોઈ રાજકીય પ્રચાર નહીં કરી શકે. ચૂંટણી પંચે કહ્યું હતું કે વોટિંગથી પહેલાં રાજકીય પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યા પછી રાજકીય પક્ષ સોશિયલ મીડિયાને પૈસા આપીને પ્રચાર કરવાનો પ્રયાસ કરી શકે છે. આવા મામલા પર નજર રાખવી પડશે. આ કંપનીઓએ પંચને ચૂંટણીઓ દરમિયાન ભડકાઉ અને નકારાત્મક રાજકીય પ્રચારથી જોડાયેલા ન્યૂઝને તત્કાળ દૂર કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે તમામ રાજકીય પક્ષ પોતાના પ્રચાર માટે મોટા પાયે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી સરળતાથી લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકે.

 

૧૯૬૦માં કેરળ વિધાનસભા માટે પહેલી વાર આદર્શ આચારસંહિતા અસ્તિત્વમાં આવી

આદર્શ આચારસંહિતા હેઠળ કેટલાક નવા નિયમો બનાવાયા છે. આ નવા નિયમો અનુસાર કોઈ પણ રાજકીય પક્ષ કે કોઈ ઉમેદવાર એવું ભાષણ નહીં આપે અથવા એવું કોઈ કામ નહી કરે જેને કારણે કોઈ વ્યક્તિ વિશેષની વચ્ચે તણાવ પેદા થાય. વોટ મેળવવા માટે કોઈ પણ દળ કે ઉમેદવાર કોઈ વિશેષ જાતિ કે ધર્મનો સહારો નહી લે અને ચૂંટણી દરમિયાન ધાર્મિક સ્થળનો ઉપયોગ નહીં કરે. મતદાતાઓને કોઈ પણ પ્રકારની લાલચ આપવી કે લાંચ આપવા પર રોક, મતદાન કેન્દ્રથી સો મીટર દૂરના દાયરામાં પ્રચાર પર રોક અથવા મતદાનના એક દિવસ પહેલાં કોઈ પણ બેઠક પર રોક વગેરે આચારસંહિતાના વ્યાપ હેઠળ આવે છે. હકીકતમાં આદર્શ આચારસંહિતા રાજકીય દળો, ખાસ કરીને ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના આચરણ અને વ્યવહારનો એક માપદંડ છે. ૧૯૬૦માં કેરળ વિધાનસભા માટે પહેલી વાર આદર્શ આચારસંહિતા અસ્તિત્વમાં આવી હતી અને ૧૯૯૧ સુધીમાં તે વધારે મજબૂત બની ગઈ હતી. તે સમયે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રહેલા ટી એન શેષાને અનેક ચૂંટણી સુધારા કર્યા હતા. વરિષ્ઠ પત્રકાર ભારત ભૂષણ કહે છે કે આચારસંહિતાના કેસમાં ચૂંટણી પંચ ફક્ત નોટિસ જારી કરી શકે છે તેનાથી વધારે કંઈ નહીં. ચૂંટણી પંચને કોઈને સજા આપવાનો અધિકાર નથી.

સોશિયલ મીડિયા માટે કેટલાક નિયમો

  • સોશિયલ મીડિયામાં તમામ જાહેરાતો આપતા પહેલાં પંચની મંજૂરી લેવાની રહેશે.
  • દરેક ઉમેદવારે તેનો પોતાનો પાન નંબર ફોર્મમાં દર્શાવવો પડશે.
  • ગૂગલ, ફેસબૂક, ટ્વિટર અને યૂ ટયૂબને રાજકીય પક્ષો દ્વારા મળનારી જાહેરાતોનું વેરિફિકેશન કરવાનું રહેશે.
  • ઉમેદવારે સોશિયલ મીડિયા માટે કરેલો ખર્ચ ઉમેદવારનાં ચૂંટણી ખર્ચમાં જ ગણાશે.
  • તમામ ઉમેદવારે પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી આપવાની રહેશે.
  • જે ઉમેદવાર તેનો પાન નંબર નહીં આપે તેનું ઉમેદવારી પત્રક માન્ય રખાશે નહીં.
  • ચૂંટણી પ્રચાર માટે ઇકો ફ્રેન્ડલી સામગ્રી અને ચીજવસ્તુઓનાં જ ઉપયોગ કરી શકાશે.
  • કોઈપણ ઉમેદવાર અખબારમાં ફક્ત ૩ વખત જ જાહેરાત આપી શકશે.
  • ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ રાત્રે ૧૦થી સવારે ૬ સુધી કરી શકાશે નહીં.
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને પર પણ ફોલો કરી શકો છો.

    READ ON APP