Hero Image

કોંગ્રેસને નવું નેતૃત્વ આપવામાં પ્રિયંકા કેટલાં સફળ થશે?

સામયિક : પ્રભાકર ખમાર

કોંગ્રેસ વર્કિંગ કમિટીની તાજેતરમાં અમદાવાદમાં યોજાઈ ગયેલી મિટિંગમાં લોકમાનસ ઉપર સૌથી વધુ છવાઈ ગયા હોય તો તે પ્રિયંકા ગાંધી હતાં. કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી એક એવી કોસ્મેટિક પર્સનાલિટી છે જે જનમાનસને વધુ આકર્ષી શકે છે.

ઇંદિરા ગાંધી અને સોનિયા ગાંધીની જેમ પ્રિયંકા પણ શરૂઆતમાં રાજકારણમાં આવવાનો ઇનકાર કરતાં હતાં.

છેવટે વારસાગત રાજનીતિમાં તેઓ પણ સામેલ થઈ ગયા. રાજીવ ગાંધીએ એક વાર કહ્યું હતું કે, ”પ્રિયંકા નાની હતી ત્યારથી જ તેને રાજનીતિમાં રસ હતો. પ્રિયંકામાં રાજનીતિ અને રાજનીતિની ભાષાની સમજ પહેલેથી જ છે.” અત્યાર સુધી પ્રિયંકાનું રાજકારણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના મત વિસ્તારો પૂરતું સીમિત હતું. હવે કોંગ્રેસના મહામંત્રીના હોદ્દાની રૂએ તેઓ રાષ્ટ્રીય કક્ષાએ રાજનીતિમાં પ્રવેશ્યા છે ત્યારે એમની રાજનીતિ વિશે જાણવું મહત્ત્વનું છે.

પ્રિયંકાની તુલના ઇંદિરા ગાંધી સાથે થાય છે. તેમના ચહેરા પર સતત સ્મિત રેલાતું હોય છે. હેર સ્ટાઇલ અને સાડી પહેરવાની સ્ટાઇલ પણ અસલ ઇંદિરાજી જેવી જ છે. તેઓ આસાનીથી આમ પ્રજાને મળે છે. એક વાર સિનિયર પત્રકારે પ્રિયંકાને પૂછયું હતું, ”તમે રાજનીતિમાં આવશો ?” ત્યારે તેઓએ ઇનકાર કર્યો હતો, પરંતુ એમના પતિ રોબર્ટ વાડરા એક અખબારી ઇન્ટરવ્યૂમાં એવું બોલી ગયા હતા કે, ”પ્રિયંકા ભવિષ્યમાં રાજકારણમાં આવી પણ શકે છે.” અલબત્ત, અત્યાર સુધી રોબર્ટ વાડરા સામેના કેટલાક આક્ષેપોને કારણે પ્રિયંકા રાજનીતિથી દૂર રહ્યાં હતાં. વિપક્ષે વાડરાનો મુદ્દો ખૂબ ઉછાળ્યો પણ પ્રિયંકાના રાજકારણમાં પ્રવેશ પછી એ મુદ્દો ચગ્યો નથી. એમના બાળકો રેહન અને મીરાં હવે મોટા થયા છે. પરિણામે એમના ઉછેરની જવાબદારીમાંથી મુક્ત થયેલ પ્રિયંકા વધુ સમય કોંગ્રેસ સંગઠન માટે ફાળવી શકે છે. ચૂંટણી વ્યવસ્થાથી માંડી પ્રચાર જેવી બાબતોમાં રાજકીય વ્યૂહ ઘડવામાં તેઓ પહેલેથી જ રસ લેતાં હતાં. છતાં જાહેરમાં એનો દેખાડો ઓછો કરતાં. હવે કોંગ્રેસના મહામંત્રી તરીકે રાષ્ટ્રીય રાજનીતિમાં એક મહત્ત્વના પરિબળ સ્વરૂપે એમના અભિપ્રાય અને યોગદાનની સતત નોંધ લેવામાં આવશે. મહામંત્રી તરીકે એમની અમાપ સત્તાઓનો ઉપયોગ સંગઠનને વધુ મજબૂત કરવામાં કરી શકે છે.

પ્રિયંકાનાં કેટલાક નિર્ણયો લોકલાગણી મેળવવામાં ખૂબ ઉપયોગી પણ નીવડી શકે તેમ છે. ઉદાહરણ તરીકે રાજીવ ગાંધી હત્યાકાંડમાં જેને આમરણ કેદની સજા થઈ હતી એ નલિનીને જેલમાં મળવા જવાની અને એને માફ કરવાની ઉદારતા બતાવીને પ્રિયંકાએ સાબિત કર્યું હતું કે, ગાંધી પરિવાર માનવતાના પ્રશ્નોમાં બદલાની કે ધિક્કારની મનોવૃત્તિ ધરાવતું નથી. પ્રિયંકાએ આવી બાબતોમાં સત્તાના ગર્વને બદલે ક્ષમાનું શસ્ત્ર અજમાવી પ્રજાકીય સહાનુભૂતિ પ્રાપ્ત કરી હતી.

ચૂંટણી લડવાથી પોતાની જાતને અત્યાર સુધી અલિપ્ત રાખનાર પ્રિયંકા સોનિયાજી અને રાહુલ ગાંધીના મત વિસ્તારો રાયબરેલી તથા અમેઠીની સતત કાળજી લેતાં રહે છે. એ ભલે દિલ્હી રહેતાં હોય છતાં પ્રજાના પ્રશ્નોમાં મદદરૂપ થવા સ્થાનિક સ્તરે એવું તંત્ર ગોઠવ્યું છે કે, મતદારોનો સતત સંપર્ક જળવાઈ રહે. અવારનવાર બંને મત વિસ્તારોની મુલાકાત પણ લે છે.  રાહુલ ગાંધી રાજકારણમાં સતત સક્રિય રહીને સંગઠનને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. હવે પ્રિયંકા ગાંધીનાં રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશ પછી સંગઠનનો વ્યાપ વિસ્તર્યો છે. રાહુલ ગાંધીનું વ્યક્તિત્વ એમાં થોડું ઊણું ઊતર્યું છે. જોકે લોકસભાની કેટલીક પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસનો વિજય રાહુલ ગાંધીની સક્રિયા અને પ્રિયંકા ગાંધીની પ્રચારશૈલીને આભારી છે.

સોનિયાજીએ રાજકારણમાં ઝંપલાવ્યું ત્યારે વિપક્ષે વિદેશી મૂળનો ઉઠાવ્યો હતો. એ સમયે પ્રિયંકા રાજકારણમાં પ્રવેશ્યા નહોતાં. આમ છતાં પ્રિયંકાએ એક અખબારી મુલાકાતમાં એનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, ”ભારતની પરંપરા પ્રમાણે કોઈની દીકરી વહુ બનીને આવે પછી તેનું કુળ-ગોત્ર બધું જ બદલાઈને પતિના કુળ-ગોત્ર જ તેના કુળ-ગોત્ર બની જાય છે. સોનિયાજીએ એક પુત્રવધૂના રૂપે, પત્ની તરીકે, એક વિધવા તરીકે અને એક ભારતીય નાગરિક તરીકે તમામ ભારતીય પરંપરાઓનું પાલન કર્યું છે. તમે સોનિયાજીને કદી ખુલ્લા માથે જોયા છે ? માથા પર સાડી સતત જોવા મળશે. શું એ ભારતીય પરંપરા નથી ?”

પ્રિયંકા મીડિયા સાથેની મુલાકાતો ટાળે છે. આમ છતાં કેટલાંક વર્ષો પહેલાં અંગ્રેજી સામાયિક ‘સન્ડે ઈન્ડિયન’ને આપેલી મુલાકાતમાં રાજકારણ અંગેના વિચારો જાણવા મળે છે.

  • વધુ ને વધુ યુવાનોએ રાજકારણમાં જોડાવું જોઈએ.
  • દેશમાં વકરી રહેલા જ્ઞાતિવાદનો કોઈ કાયમી ઉકેલ હાલ પૂરતો દેખાતો નથી. આ વર્ષો જૂનો સામાજિક મુદ્દો છે એ માત્ર રાજકીય મુદ્દો નથી.
  • ખરું કહું તો હું રાજકારણને લગતી બાબતોમાં બિલકુલ માથું મારતી નથી. આ વિશેના નિર્ણયો પક્ષે કરવાના હોય છે. હું રાજકારણમાં જોડાવાની નથી. હું મારા પરિવાર માટે પ્રચાર કરીશ.
  • અંગત સંબંધોની વાત કરું તો વરુણ મારો પિતરાઈ છે અને મારી શુભેચ્છા કાયમ તેની સાથે રહેશે.
  • કેટલાક મુદ્દાઓ પ્રશ્નોત્તરી સ્વરૂપે પ્રસ્તુત છે.

    પ્રશ્ન : વિરોધ પક્ષોને રાહુલ ગાંધી કરતા         તમારાથી વધુ ખતરો લાગે છે ?

    ઉત્તર : તો તેઓ રાહુલને સાચી રીતે જાણતા જ નથી.

    પ્રશ્ન : બૌદ્ધિક જાહેરાત પ્રચાર અભિયાનથી ભારતમાં ચૂંટણી જીતી શકાય છે ?

    ઉત્તર : તે ચૂંટણીઓનો એક મહત્ત્વનો ભાગ છે, પરંતુ તે સર્વસ્વ નથી.

    પ્રશ્ન : આટલા તણાવ છતાં તમે કેવી રીતે સ્વસ્થ અને પ્રસન્ન રહી શકો છો ? વિરોધ પક્ષ દ્વારા કરાતી ટિપ્પણીઓના તમે ચતુરાઈભર્યા જવાબો કેવી રીતે આપો છો ?

    ઉત્તર : (સ્મિત સાથે) મને ખબર નથી.

    (૩ મે, ૨૦૦૯ સન્ડે ઈન્ડિયન)

    પ્રિયંકા ગાંધી વર્તમાન રાજનીતિમાં એક રોલ મોડલ તરીકે ઊભરી રહ્યાં છે ત્યારે એમાં કેટલા સફળ થાય છે એ તો ભવિષ્યની વાત છે. અત્યારે તો રાજકારણમાં એમનો સિતારો ચમકી રહ્યો છે.

    નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને પર પણ ફોલો કરી શકો છો.

    READ ON APP