Hero Image

લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું: બા-અદબ બા-મુલાઇજા હોશિયાર  

ચલતે ચલતે : અલ્પેશ પટેલ

લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. બધા રાજકીય પક્ષોના નેતાઓએ ચૂંટણીના રણમાં યુદ્વ કરવા માટે કમર કસી લીધી છે અને તારીખો જાહેર થતાં જ યુદ્વના ઢોલ-નગારા વાગવાના શરૂ થઈ ગયા છે. ચૂંટણી લડવા માટે થનગનતા મુરતિયાઓના ઘરે તો દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ચૂંટણીમાં નાણાની કોથળીઓ ખુલ્લી મૂકી દેવામાં આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં અધધધ પાંચ અબજ ડોલરનો ધુમાડો થયો હતો.

બોલો, સામાન્ય માણસને આંખે અંધારા આવે કે ન આવે ? ચાલુ વર્ષની ચૂંટણી સૌથી ખર્ચાળ સાબિત થાય તેવા એંધાણ છે. આ અગાઉ વિશ્વમાં સૌથી ઊંચો આંકડો અમેરિકામાં સામે આવ્યો હતો. જ્યાં ૨૦૧૬માં પ્રમુખ અને સાંસદની ચૂંટણીમાં ૬.૫ અબજ ડોલરનો ખર્ચો થયો હતો. ચૂંટણીપંચ તરફથી પારદર્શિતાની વાતો તો ઘણી થાય છે પરંતુ, પારદર્શિતા માત્ર કાગળ ઉપર સીમિત રહીં જાય છે. ઉમેદવારો નામ,દામ, સામ અને દંડના જોરે પોતાનું ધાર્યું કરાવી જ જાય છે. ચૂંટણીમાં ખર્ચાની લિમિટ નક્કી કરવામાં આવે છે પરંતુ, એ લિમિટ માત્ર કહેવા પૂરતી જ રહી જાય છે.

કોના બાપની દિવાળી ?  

લોકસભાની ચૂંટણી લડવી એ બચ્ચાંના ખેલ નથી. પાંચથી છ કરોડ રૂપિયાનો ખર્ચ તો આમ ચપટીમાં થઈ જાય છે. આ આંકડો વધી શકે છે ત્યારે અહીં સામાન્ય માણસને સવાલ થાય એ સ્વાભાવિક છે કે, આટલા બધા રૂપિયા ખર્ચીને ચૂંટલી લડવા નીકળેલા નેતાઓના મગજ ફરી ગયા છે કે શું ? સિક્કાની બીજી બાજુ એવી છે કે, એકવાર એમપી બની ગયા બાદ આપણા કહેવાતા લોક પ્રતિનિધિઓના ઘરે પૈસાના ઝાડ ઊગી નીકળે છે. પાંચ વર્ષમાં આપણા સેવકો કરોડોના આસામી બની જાય છે. લખલુંટ ખર્ચા કરે છે અને વીવીઆઈપી જીવન ગુજારે છે. બોલો કોના બાપની દિવાળી ? દલા તરવાડીની જેમ મફતનું લેવાનું ચૂકતા નથી અને પોતાના તરભાણા ભરવામાં પાછા પણ પડતા નથી.

બીચારી જનતા  

આઝાદીના સાત-સાત દાયકા બાદ પણ દેશમાં ગરીબીની સમસ્યા વિકરાળ સ્વરૂપ બનીને ઉભી છે. આજે પણ ૩૪ કરોડ લોકોને બે ટંક ખાવાના ફાંફા છે. દરેક વખતે ચૂંટણી આવે એટલે નેતાઓને ગરીબોની યાદ આવી જાય છે પણ એ ચૂંટણી પૂરતી જ સીમિત રહી જાય છે. ચૂંટાયા બાદ કોણ ગરીબ અને કેવી ગરીબી ? ગરીબોની આંતરડી કકડાવવામાં કોઈ કસર બાકી રાખવામાં આવતી નથી. પેટમાં કકડીને લાગતી ભૂખ શું હોય છે એ નેતાઓને ન સમજાય કેમ કે, તેમનું પેટ તો ખાલી જ ક્યાં થાય છે. ચૂંટણીઓ આવે અને જાય છે પણ ગરીબોની સ્થિતિમાં કોઈ ફેર પડયો ખરો ? બોલો, નેતાઓ ઐય્યાશીમાં આળોટતા થઈ જાય પણ ગરીબ તો હતો ત્યાંને ત્યાં બિચારો આખી જિંદગી કાળામાં કાળી મજૂરી કરીને મરી જાય છતાં ય ઊંચા આવતો નથી. નેતાઓ કયા મોંઢે ગરીબોના ઉત્કર્ષની વાતો કરી રહ્યા છે જરા કહેશે ?

મધ્યમવર્ગ  

રોજબરોજની વધી રહેલી કારમી મોંઘવારીએ તો મધ્યમવર્ગની કમર જ તોડી નાંખી છે. એક સાંધે ત્યાં તેર તૂટતા હોય તેવી સ્થિતિમાં મધ્યમવર્ગ ખુવાર રઈ રહ્યો છે. મેટ્રો સિટીમાં મહિને ૧૦થી ૧૫ હજારમાં ગુજરાન ચલાવતા લાખો પરિવારોને મહિનો પૂરો કરતાં-કરતાં આંખે અંધારા આવી જાય છે. બોલો, છતાં આપણા લોક સેવકો જ્યારે ચૂંટણીમાં પ્રચાર કરવા આવે છે ત્યારે મધ્યવર્ગને એવા તો વચનો આપે છે કે જાણે તેઓ સાચા અર્થમાં મધ્યવર્ગના મસીહા બનવા ના નીકળ્યા હોય ? પેટ્રોલ-ડીઝલના ભાવધારાની મોંકાણ રોજેરોજ દઝાડતી રહે છે પણ નેતા લોગોને તેની સાથે કોઈ નિસબત ન હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે, મોંઘવારી તેમને ક્યાં નડે છે ? નેતાઓને ગેસનું સિલિન્ડર કે રાશન લેવા માટે બજારમાં જવું પડતું નથી. શાકભાજીની લારી ઉપર જવું પડતું નથી. જરા કોઈ મહાશય નેતા મધ્યમવર્ગના ઘરે જઈને પૂછવાની તસ્દી લેશે ખરા કે, તમે ખરેખરે ખુશ છો ? મોંઘવારી વધી છે કે ઘટી ? હરામ બરાબર છે જો કોઈ માઈનો લાલ નેતા હિંમત કરવાની તસ્દી સુદ્વા લે તો.

વચનોની લહાણી  

જુઓ તો ખરા કે, ચૂંટણીમાં જુદા-જુદા પક્ષો ઢંઢેરા બહાર પાડીને લોકોને રિઝવવામાં કોઈ કસર બાકી રાખવા માગતા નથી. વચનોની લ્હાણી તો એવી કરવામાં આવે છે કે, જાણે કે આખા દેશની સવા અબજ વસતીને ચિંતા કરનારા તેઓ એકમાત્ર નેતા છે. લોકોને બાટલીમાં ઉતારવા માટે દાવપેચ પણ અજમાવવામાં પાછા પડતા નથી. અમે મોંઘવારી ઘટાડી દઈશું, અમે દેશને નંદનવન બનાવી દઈશું, અમે લોકોના અવાજને વાચા આપીશું, અમે જનતાની મુશ્કેલીમાં સાથે રહીશું. જેવા ગપગોળા ચલાવવામાં કોઈ કસર બાકી રાખવામાં આવતી નથી. જનતાને હથેળીમાં ચાંદ બતાવવામાં આવે છે અને ચૂંટાયા પછી તો કોણ પ્રજા અને કેવી પ્રજા ? કેવા વચનો અને કયા વાયદા ? આજ ચાલી રહ્યું છે અને ચાલતું રહેશે. મૂર્ખ નેતાઓ એવું સમજે છે કે, જનતાની યાદદાસ્ત નબળી હોય છે. પાંચ વર્ષ પહેલાં શું કહ્યું હતું એ કોણ યાદ રાખે છે ?

ઘંટીચોરો  

કોઈપણ પક્ષ દૂધે ધોયેલો નથી. બધા ચોરના ભાઈ ઘંટો ચોરો ભેગા થાય છે. દર વખતે જૂની બોટલમાં નવો દારૂ ભરવામાં આવે છે અને એ જ મદારીઓ ફરીથી ખેલ કરવા માટે નીકળી પડે છે. ચૂંટણીમાં એકબીજા સામે ઝેર ઓંકતા બેવકૂફો ચૂંટાયા પછી એક માળાના મણિકા બની જાય છે. પોતાના પગાર અને ભથ્થાં વધારવાની વાત આવે ત્યારે સંપી જવામાં માહિર બની જાય છે. જનતાને અંધારા રાખી રાતોરાત તગડા ભથ્થાં વધારી નાખે છે. ઉપરાંત પોતાના મામકાઓને પણ બે પાંદડે કરી નાંખે છે. બોલો, જનતાનું ભલું થવું હોય તો થાય નહીંતર મરવાના વાંકે જીવતી જ કેમ ન હોય ? આવા માનસિક્તા ઘર કરી ગઈ હોય એવા નેતાઓ પાસેથી બીજી અપેક્ષા શું રાખી શકાય ?

બેન્ક બેલેન્સ  

ચૂંટણીમાં લોકો પાસે બે હાથ જોડી, ગરીબ બની મતની ભીખ માગવાની આવડત નેતાઓ સારી રીતે કરી જાણે છે. ચૂંટણી ફોર્મ સાથે પોતાના બેન્ક બેલેન્સની વિગતો ભરે છે ત્યારે જાણે કે સાચે જ ગરીબ હોય તેટલી આવક બતાવે છે. પાંચ વર્ષ ચૂંટાઈ જાય પછી રાતોરાત તેમના બેન્ક બેલેન્સ તગડાં થઈ જાય છે. કમાણી જ કમાણી થઈ જાય છે. વિચાર તો કરો કે, કરોડો નહીં પણ અબજોમાં આળોટતા થઈ જાય છે. મલાઈઓ ખાવાનું કોઈ ચૂક્તું નથી. આટલું બધું ખાધા પછી પણ પાંચ વર્ષ પૂરા થાય એટલે ફરીથી ચૂંટણીમાં ઊભા રહેવાનું તેમના માટે ફરજિયાત બની જાય છે. કેમ કે, તરભાણા ભરવા છે, બેન્ક બેલેન્સ તગડા કરવામાં કોઈ કચાશ રાખવી નથી. જનતાના સેવક બનીને તિજોરીઓ ભરવી છે અને જનતાને આબાદ ઉલ્લુ બનાવવી છે. ચૂંટણીના બ્યૂગલ વાગી ચૂક્યા છે ત્યારે હવે આરપારની લડાઈ શરૂ થશે. પાર્ટીઓ એકબીજા ઉપર ઝેર ઓંકશે અને જનતાને તેમાં ઢસડી પણ જશે. હલકી ભાષાઓનો બેફામ ઉપયોગ થશે, લોકોની સહાનુભૂતિ મેળવવવા માટે ધમપછાડા કરવામાં નેતાઓ કોઈ કસર બાકી રાખશે નહીં. સરવાળે નેતાઓનો જ ઉદ્ધાર થાય છે અને જનતાના કપાળે તો મોંઘવારી અને રોજબરોજના લોહી ઉકાળામાં પિસાવવાનું જ લખાયેલું હોય છે. ઊઠા ભણાવનારા નેતાઓ વટ કે સાથ ફરે છે અને પોતાની પેઢીઓનો ઊદ્વાર કરી રહ્યા છે. જનતા તો પગ નીચે કચડાતી આવી છે અને કચડાતી રહેશે એ નેતાઓ સારી રીતે જાણી ચૂક્યા છે. જ્યાં નેતાઓની મથરાવટી જ મેલી હોય ત્યાં પ્રજા બીજી શું અપેક્ષા રાખી શકે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને પર પણ ફોલો કરી શકો છો.

READ ON APP