Hero Image

એક રાજકીય પાર્ટીએ યોજ્યો મંત્રીઓનો ભરતીમેળો! 

રોંગ નંબર : હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

‘૧૯૮૪’ નામની જ્યોર્જ ઓરવેલની પ્રખ્યાત નવલકથામાં એક વાત સ્પષ્ટ કહી છે કે પોપટને નવી ભાષા શીખવો તો કંઈ જ ફરક નથી પડતો, અવાજ તો એનો એ જ રહેવાનો. અવાજ જીભનો ધર્મ છે અને ભાષા હૃદયનો! આજના પક્ષપરિવર્તનના ક્રાંતિકારી માહોલમાં જ્યોર્જ ઓરવેલની આ વાત યાદ આવે એ સ્વાભાવિક છે. જુઓને, માણસ જેવા માણસનેય પોપટ બનવાનું મન થાય એવું લોભામણું રાજકારણ ચારેબાજુ સર્જાઈ રહ્યું છે.

રાજકારણનો એક જ બિઝનેસ એવો છે, જેમાં કોઈપણ પ્રકારના નાણાકીય ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી પડતી. તમને થશે કે કશાય પણ ઇન્વેસ્ટમેન્ટ વગર કોઈ બિઝનેસ થઈ શકે? ના થઈ શકે! પણ સાહેબ, ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટમાંય ફરક તો હોય ને! આ બિઝનેસમાં ઘણા બધા લોકો ઘણા બધા પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, પણ કેટલાક એન્ટરપ્રિન્યોર્સ મતલબ કે સત્તાદ્યોગ સાહસિકો તો એટલું હાઇ લેવલનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કે જેના પરિણામે તેમને સોએ સો ટકા સફળતા મળતી હોય છે. આ અદ્ભુત ઇન્વેસ્ટમેન્ટ છે : જૂઠ, લાલચ, લોભામણાં વચનો, અપ્રમાણિકતા, ફરેબ, પ્રપંચ અને અભિનય, આ સાત પ્રકારનું મૂડીરોકાણ સીધા સાદા માણસને એકદમ તૈયાર રાજકારણી બનાવી દે છે! વળી આ બિઝનેસ માટે કોઈપણ પ્રકારની શૈક્ષણિક લાયકાતની જરૂર નથી પડતી એવું હમણાં જ કેન્દ્રના એક મંત્રીશ્રી એ કહ્યું છે ! ધારો કે આવી શૈક્ષણિક લાયકાત ભૂલથીય જો કોઈનામાં હોય તો આ બિઝનેસના કેટલાક બિઝનેસ ટાયકૂન આવી સદાચારી વ્યક્તિઓને શંકાની અને આૃર્યની નજરે જોતા હોય છે.

આ બિઝનેસમાં જંપલાવ્યા પછી એકવાર તમે મિનિસ્ટર બની જાઓ એટલે બસ, બધા જ પ્રકારની શૈક્ષણિક લાયકાતો આવી ગઈ સમજો! ભલે ને તમે સાવ અનએજ્યુકેટેડ હો, પણ મિનિસ્ટર હોવાના હકદાવે અને અધિકારભાવે તમે એજ્યુકેટેડ ઓફિસરને પણ તતડાવી શકો! કદાચ આ કારણે જ આપણા ન્યૂ ચાણક્યએ પોતાના ‘અનર્થશાસ્ત્ર’માં લખ્યું હશે ને કે રાજનેતાઓ માટે ભારતીય લોકશાહી માત્ર વરદાનરૂપ કે આશીર્વાદરૂપ જ નહીં, પણ કલ્પવૃક્ષ સમાન અને કામધેનુ ગાય જેવી છે. દશે દિશાઓથી ‘સારા દિવસો’ આવે છે, દસે દિશાઓ સારામાં સારું રક્ષણ કરે છે અને કોઈપણ પ્રકારનું ટેન્શન ના રહે એ માટે સરકારી કે અર્ધસરકારી નોકરીના એકપણ એપોઇન્ટમેન્ટ ઓર્ડર મેળવ્યા વિના આજીવન પેન્શન મળે છે. ભારતીય લોકશાહી ભારતના નાના-મોટા રાજનેતાઓને જે રીતે ફળી છે એ રીતે દુનિયાના સૌ લોકશાહી દેશોના રાજનેતાઓને ફળે એવી પરર્માિથક પ્રાર્થના કરવી એ આપણા સૌની ફરજ છે.

ભારતીય રાજકારણના એક સિનિયર મતલબ કે એકદમ રીઢા અને પાકેલા રાજનેતા તો એવું કહે છે આ બિઝનેસમાં ભણેલો માણસ સહેજપણ ના ચાલે, માત્ર ગણેલો જ ચાલે. નેતા ભલે અભણ હોય, પણ જનતાને બહુ જ સારી રીતે ‘ભણાવી’ શકે છે! જેનાં દિમાગમાં ભણતર નહીં, પણ ગણતર જ પ્રવેશ્યું હોય એ આ બિઝનેસમાં સબ્જેક્ટિવ સક્સેસ ચોક્કસ મેળવે છે એવું પેલા અનુભવ સમૃદ્ધ રાજનેતાનું માનુવં છે. એ તો પોતાની વરસોની સફળતાનું રહસ્ય સમજાવતાં એવું પણ કહે છે કે એક આજ બિઝનેસ એવો છે જેમાં અભણ હોવાના ઘણા બેનિફિટ્સ છે. અભણ હોવાના એટલા બધા ફાયદા છે કે એનો આખો ગ્રંથ લખી શકાય, પણ સૌ ફાયદાઓમાં શ્રેષ્ઠતમ ફાયદો કોઈ હોય તો તે એ છે કે નેતાએ કોઈપણ પ્રકારનું અને કોઈપણ સાઇઝનું કૌભાંડ કર્યું હોય અને અજાણતાં કોઈ ભૂલ થઈ જવાને કારણે પકડાઈ જવાય તો એમ કહીને છટકી જવાય કે ‘ભાઈ, હું તો સાવ અભણ છું. આવાં કૌભાંડોનો ‘ક’ ઘૂંટતાંય મને આવડે નહીં!’

આજકાલ ચૂંટણીનું વાતાવરણ ચારેબાજુએ ખીલી રહ્યું છે. જેને જેને સમાજસેવા અને રાષ્ટ્રસેવા કરવાનાં ગણતરીપૂર્વકના એટેક આવતા હોય છે એ સૌ સેવાભાવી લોકો કોઈને કોઈ રાજકીય પક્ષમાંથી ટિકિટ મેળવવા માટે પડાપડી કરતા થઈ ગયા છે. બોલો સાહેબ, સેવા કરવા માટે પણ પડાપડી થાય છે! આનો અર્થ એ થયો કે આપણે ત્યાં રાષ્ટ્રસેવા અને સમાજસેવાનો ઉદ્યોગ ફૂલ્યો-ફાલ્યો છે! હમણાં સુધી એવું કહેવાતું કે, ‘એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર,’ પણ હવે એવું કહેવાશે કે ‘એવરીથિંગ ઇઝ ફેર ઇન પક્ષપલટા !’ ખબર નથી પડતી કે હૃદયપલટાના મૂળમાં પક્ષપલટો છે, કે પક્ષપલટાના મૂળમાં હૃદય પલટો છે! દિલબદલ થવાથી દલબદલનો શુભ વિચાર આવે છે કે પછી દલબદલ કરવાથી દિલબદલનો ચમત્કાર સર્જાય છે! માણસ જેવો માણસ બદલાઈ જાય છે તો પછી રાજકારણી તો બદલાઈ જ જાય એ સ્વાભાવિક છે.

ખરેખર તો આ સૌ સેવકો રાષ્ટ્ર કે સમાજને બદલવા માટે સેવાના બિઝનેસમાં જંપલાવતા હોય છે, પણ એ સૌ એટલા તો સેવાનિષ્ઠ અને સેવાદાર છે કે એમાંના મોટાભાગના સેવકો ‘ચેરિટી બિગિન્સ એટ હોમ’ મુજબ ‘ચેઇન્જ બિગિન્સ એટ હોમ ફર્સ્ટ, એન્ડ ધેન નેશન એન્ડ સોસાયટી!’ એમ સમજે છે ! સમાજ કે રાષ્ટ્રને બદલતાં પહેલાં પોતાને અને પોતાનાં ઘરને મતલબ કે પક્ષને બદલવા પડે!  ભાજપાએ કેટલાક સેવાભાવી કોંગ્રેસી નેતાઓને પોતાના પક્ષમાં મોભાનું પદ આપીને, પોતાના વિકાસમંત્રને હજુ પણ વ્યાપક બનાવવાનું સેવાકાર્ય જોરશોરથી શરૂ કરી દીધું છે. સબકા સાથ મતલબ ‘સબકા’ સાથ, એમાં ફલાણો ભાજપી અને ઢીંકણો કોંગ્રેસી એવો સહેજપણ ભેદભાવ નહીં! કદાચ એટલે જ ભાજપાએ કેટલાક બિનભાજપી નેતાઓને સમાજસેવા કરવા માટે પૂરતી તક આપવાની ઉદારતા દર્શાવી છે. ગમે એટલો ચુસ્ત કોંગ્રેસી હોય, પણ એણે પોતાનો અને પોતાના સૌનો વિકાસ કરવો હોય તો ઘડીનોય વિલંબ કર્યા વિના ભાજપા પ્રવેશ કરી સબકા સાથ સબકા વિકાસનો મંત્રજાપ શરૂ કરી લેવામાં જ રાજકીય શાણપણ છે એવું માનવા લાગ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપાએ પોતાની મતલબ કે સૌની સફળતા માટે જે બીજમંત્ર પ્રગટ કર્યો છે કે ‘સબકા સાથ સબકા વિકાસ’ એનો સાચા અર્થમાં અત્યારે પ્રયોગ થઈ રહ્યો છે. શક્ય છે કે ભવિષ્યમાં કોઈક નેતા પોતાની રાજસેવાની ગાથા ગાતું એવું પુસ્તક પણ પ્રગટ કરી દે કે ‘મારા સેવાના પ્રયોગો!’ કશુંય અશક્ય નથી, કેમ કે હવે તો જ્યાં જ્યાં અને જે જે નામુમકિન છે એ બધું મુમકિન થઈ રહ્યું છે, કદાચ એ કારણે જ અત્યારનો માહોલ કેટલાક ‘પાક્કા’ સેવાર્થીઓ માટે પૂરેપૂરો નમકિન બની રહ્યો છે! સૌ રાજસેવકોને હવે એવો ખ્યાલ આવવા માંડયો છે કે જેમ ‘પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે’ એમ ‘સત્તા વિના સેવા પાંગળી છે!’ સત્તાના નાક વિના સેવાનો શ્વાસ નથી ભરી શકાતો અને સેવાના શ્વાસ વિના સંપૂર્ણ સ્વાસ્થ્ય (એટલે કે તનસ્વાસ્થ્ય, મનસ્વાસ્થ્ય અને ધનસ્વાસ્થ્ય)નો વિકાસ અશક્ય છે એવું કેટલાક કટ્ટરવાદી રાજસેવકો માને છે અને માટે જ બિચારા રાજસેવકો આ પક્ષમાંથી પેલા પક્ષમાં કે પેલા પક્ષમાંથી આ પક્ષમાં આવાગમનની રાજયાત્રા કરતા રહે છે. અને હવે તો અશક્યને શક્ય બનાવવાનો મંત્ર પણ મળી ગયો છે એટલે ૨૦૧૯માં કશું જ અશક્ય નથી. કોંગ્રેસનું સત્તાયુક્ત થવું એ પણ અશક્ય નથી અને ભાજપાનું સત્તામુક્ત થવું એ પણ અશક્ય નથી. જેમ સત્ય સાપેક્ષ છે એમ ‘મુમકિન’ અને ‘નામુમકિન’ પણ સાપેક્ષ છે!

ભાજપાએ કોંગ્રેસ માટે બતાવેલી આ રાજકીય ઉદારતાને કેટલાક રાજકીય પંડિતો એવું કહે છે કે આ તો ભાજપા દ્વારા કોંગ્રેસમાં ગાબડાં પાડવામાં આવી રહ્યાં છે. પણ ખરેખર એવું નથી સાહેબ! મૂળ વાત એ છે કે સત્તાનાં સમીકરણોમાં ગાબડાં ન પડે એ માટે ભાજપાએ કેટલાક કોંગી સેવાર્થીઓનો સહયોગ મેળવ્યો છે એમ કહેવાય! સહયોગ મેળવવાનો આ પ્રયોગ કંઈ કાઢી નાખવા જેવો નથી. આમેય ગુજરાત તો શરૂઆતથી જ રાજકીય પ્રયોગની લેબોરેટરી રહી જ છે ને! સવાલ એ નથી કે આવો પ્રયોગ સફળ થશે કે નિષ્ફળ? સવાલ એ છે કે ભાજપાને મજબૂત કરવા માટે ભાજપાના નાનામાં નાના – કદના કાર્યકરથી માંડીને બાહુબલી પદના નાના-મોટા કેટલાક નેતાઓની અત્યાર સુધીની મહેનતનું શું? શું ભાજપા પેલી કહેવતને સાચી તો નથી પાડી રહી કે જમવામાં જગલો ને કૂટવામાં ભગલો! જો ખરેખર એમ હોય તો ભાજપાના કાર્યકરોએ સ્વયં ‘ફૂલ’ બનીને પોતાના નેતાઓનું કોઈને કોઈ ‘હાર’થી સન્માન કરવું જોઈએ! બાકી, આજે તો એક જ વાત સંભળાય છે કે તમારે મંત્રી બનવું છે? તો જોઈ શું રહ્યા છો, જોડાઈ જાઓ! વળી, એક જવાબદાર નેતાએ તો વિરાટ કદની ઉધારતા ભરી ઉદારતા બતાવતાં કહી પણ દીધું : ‘હજુ અમારે ત્યાં ત્રણેક મંત્રીપદની જગા ખાલી છે.’ આનો અર્થ એ થયો કે જે વહેલો તે પહેલો! આને કહેવાય સાહેબ સમાજસેવા કલ્યાણ મેળો! કેટલાક તો આને ‘રોજગાર ભરતી મેળા’ તરીકે પણ ઓળખે છે! જે હોય તે, આજે સેવાનાં પૂર અને સેવા કરવા તડપી રહેલા સેવકોનાં ઘોડાપૂર ઊમટયાં છે! શક્ય છે કે રિઝલ્ટ પછી આ સેવા અને સેવાર્થીઓનાં ઘોડાપૂર યૂ-ટર્ન પણ લે અને પેલો મંત્ર જરા જુદી રીતે સાચો પડે છે ‘સા’બ, નામુમકિન અબ મુમકિન હૈ !’

ડાયલટોન : 

– સત્ય ભલે કડવું હોય, એને શોધનાર માટે હંમેશાં એ મીઠું હોય છે.  જ્યોર્જ ઓરવેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને પર પણ ફોલો કરી શકો છો.

READ ON APP